કન્નૌજમાં દિવાળીની રાતે ભાજપના ધારાસભ્યના પરિવારજનની હત્યા, કોંગ્રેસના નેતા પર આરોપ

Diwali Murder Case : ઉત્તર પ્રદેશના કન્નૌજમાં દિવાળીની રાત્રે ફાયરિંગની ચકચારી ઘટના સામે આવી છે. ચૂંટણીની અદાવત અને જમીન વિવાદની આશંકા વચ્ચે ભાજપનાં ધારાસભ્ય અર્ચના પાંડેના પરિવારના સભ્ય અને વ્યવસાયે વકીલ એવા અનુજ કુમાર ચતુર્વેદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હત્યાના આરોપ કોંગ્રેસના જિલ્લા મહાસચિવ અમૂલ દીક્ષિત પર લાગ્યા છે, જે ઘટના બાદથી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સ્ટેશન નજીક જ વકીલની હત્યા
મળતી માહિતી મુજબ, દિવાળીની રાત્રે છિબ્રામઉ કોતવાલી નજીક આ ઘટના બની હતી. સાંજે આશરે 6:30 વાગ્યે પોલીસ સ્ટેશન સામે આવેલી ગલીમાં અનુજ કુમાર ચતુર્વેદી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપી અમૂલ દીક્ષિતે ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાનો આક્ષેપ છે. ગોળી વાગતાં અનુજનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ છિબ્રામઉનાં ધારાસભ્ય અર્ચના પાંડે ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. પરિવારજનના મોતથી તેઓ આઘાતમાં સરી પડ્યાં હતાં અને સ્થળ પર જ ધ્રુસકે ધ્રુસકે રડતાં જોવા મળ્યાં હતાં. બીજી તરફ, પોલીસ અધિક્ષક વિનોદ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
જૂની અદાવત અને જમીન વિવાદની આશંકા
પ્રાથમિક માહિતી અનુસાર, હત્યા પાછળ ચૂંટણીની અદાવત અને જમીનને લગતો વિવાદ કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ કારણોની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મૃતકના ભાઈ ધીરજ ચતુર્વેદીના જણાવ્યા અનુસાર, આરોપી અમૂલ દીક્ષિત અને તેમના નાના ભાઈ વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી. આ દરમિયાન તેમના નાના ભાઈને થપ્પડ મારવામાં આવી હતી. આ બાબતનો વિરોધ કરવા અનુજ ચતુર્વેદી પહોંચ્યા ત્યારે આરોપીએ પિસ્તોલ કાઢીને ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આરોપીની શોધખોળ માટે પાંચ ટીમો બનાવાઈ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીની ધરપકડ માટે પાંચ અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસ દ્વારા સંભવિત સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ઘટનાને લગતા પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. હાલ મુખ્ય આરોપી અમૂલ દીક્ષિત ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચો : દિવાળીની શુભેચ્છા આપતી વખતે કોંગ્રેસ અધ્યક્ષની ટિપ્પણીને લઈને વિવાદ; ભાજપે લગાવ્યો આરોપ












