દેશની તમામ સંસ્થાઓ માટે ISTનું પાલન કરવું ફરજિયાત, સરકારનું નોટિફિકેશન જાહેર

Indian Standard Time Mandatory: કેન્દ્ર સરકારે ‘એક રાષ્ટ્ર, એક સમય’ (One Nation, One Time) પહેલને અમલમાં મૂકવા માટે એક સૂચના બહાર પાડી છે. આ સૂચના દેશભરમાં તમામ કાનૂની, વ્યાપારી, ડિજિટલ અને વહીવટી હેતુઓ માટે ભારતીય માનક સમય (IST)નો ઉપયોગ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.
ભારતની દરેક સંસ્થાએ માર્ચ 2027થી ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ (Indian Standard Time)નું પાલન કરવું ફરજિયાત બનશે. આ માટે, સરકારે ‘લીગલ મેટ્રોલોજી (ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ) નિયમો, 2026’ નામની એક નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. લીગલ મેટ્રોલોજી એક્ટ હેઠળ જાહેર કરાયેલા આ નિયમો ગેઝેટમાં પ્રકાશિત થયાના 180 દિવસ પછી અમલમાં આવશે, જેનાથી માર્ચ 2027થી IST ફરજિયાત બનશે. નિયમોનું ઉલ્લંઘન કાયદા હેઠળ દંડને પાત્ર થશે.
આ નિયમો શા માટે મહત્ત્વપૂર્ણ છે?
આ નિયમો મહત્ત્વપૂર્ણ છે કારણ કે આજના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માઇક્રોસેકન્ડ-લેવલના સમયની ચોકસાઈ પર આધાર રાખે છે. પેમેન્ટ સિસ્ટમ્સ, સ્ટોક એક્સચેન્જ, ટેલિકોમ નેટવર્ક્સ, 5G સર્વિસ, ડિજિટલ નેવિગેશન, પાવર ગ્રીડ અને ડેટા સેન્ટર્સને ટ્રાન્સેક્શનને પ્રમાણિત કરવા, કામગીરીનું સંકલન કરવા અને નેટવર્ક વિશ્વસનીયતા જાળવવા માટે સિંક્રનાઇઝ્ડ ક્લૉકની જરૂર પડે છે. આ સૂચના ટાઈમ સિંક્રોનાઈઝેસન, ટ્રેસેબિલિટી અને સાયબર સિક્યોરિટી માટે એક રાષ્ટ્રવ્યાપી સિસ્ટમ સ્થાપિત બનાવે છે અને ચોક્કસ સમયને એક મહત્ત્વપૂર્ણ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે માને છે. આ નિયમોનું બીજું મુખ્ય પાસું સાયબર સ્થિતિસ્થાપકતા (સાયબર હુમલાઓનો સામનો કરવાની અને તેમાંથી ઉભરવાની ક્ષમતા) પર ભાર મૂકે છે.

સમાન રાષ્ટ્રીય સમય બનાવવાનો ઉદ્દેશ્ય
આનો ઉદ્દેશ્ય એક સુરક્ષિત અને સમાન રાષ્ટ્રીય સમય જાળવણી પ્રણાલી બનાવવાનો છે, જે મહત્ત્વપૂર્ણ હેતુઓ માટે GPS જેવા વિદેશી સમય સ્ત્રોતો પર નિર્ભરતાને દૂર કરે છે. સરકારની અપેક્ષા છે કે કાનૂની લીગલ ડોક્યુમેન્ટ, વ્યાપારી વ્યવહારો, ડિજિટલ સિસ્ટમો અને વહીવટી પ્રક્રિયાઓમાં એક જ સમય સંદર્ભનો ઉપયોગ સમયના તફાવતો અને કાર્યકારી ગુચવણને દૂર કરવામાં મદદ કરશે.
ડિજિટલ વ્યવહારોની સુરક્ષા મજબૂત થશે
હાલમાં ઘણી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ્સ, ટેલિકોમ ઓપરેટરો અને ઇન્ટરનેટ સેવા પ્રોવાઈડર GPS સહિત વિદેશી સમય પ્રોવાઈડર પર આધાર રાખી રહી છે. નવા ફ્રેમવર્કનો હેતુ આ નિર્ભરતાને ઘટાડવાનો અને મહત્ત્વપૂર્ણ માળખા અને ડિજિટલ નેટવર્ક્સની સુરક્ષા વધારવાનો છે. સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર એક જ ભારતીય માનક સમય લાગુ કરવાથી ડિજિટલ વ્યવહારોની સુરક્ષા મજબૂત થશે, સાયબર ગુનાનું જોખમ ઘટશે અને પરિવહન, ટેલિકોમ્યુનિકેશન અને અન્ય ટેલિકોમ્યુનિકેશન નેટવર્કમાં સચોટ અને સુમેળભર્યું સમયપત્રક સુનિશ્ચિત કરશે.












