ટ્રેન્ડિંગનેશનલ

દીકરીઓના ભણતર માટે સાડી પહેરીને ઉઘાડા પગે રેસમાં દોડી મા, પહેલા નંબરે આવી ઈનામ જીત્યું

બીડ: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી માતૃત્વ અને સંઘર્ષની પ્રેરણાદાયી કહાની સામે આવી છે. અંબાજોગાઈની 47 વર્ષીય રંભાબાઈ રણવીરે પોતાની દીકરીઓના ભણતર અને પુસ્તકોના ખર્ચ માટે મેરેથોનમાં ભાગ લીધો અને પ્રથમ સ્થાન મેળવી 3 હજાર રૂપિયાનું રોકડ ઇનામ જીત્યું હતું.

ટ્રેકસૂટ અને સ્પોર્ટ્સ શૂઝ પહેરેલા યુવાનો વચ્ચે સામાન્ય સાડીમાં દોડતી રંભાબાઈ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ખાસ વાત એ રહી કે દોડ દરમિયાન ચપ્પલ સરકવા લાગતાં તેમણે ચપ્પલ હાથમાં પકડી અને પથ્થરવાળા રસ્તા પર ઉઘાડા પગે દોડવાનું ચાલુ રાખ્યું.

ચપ્પલ હાથમાં લીધી અને ઉઘાડા પગે દોડવા લાગ્યા

અંબાજોગાઈમાં એક સ્થાનિક સંસ્થા દ્વારા ‘અમૃત દોડ મેરેથોન’નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ સ્થાન મેળવનારને 3 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

રંભાબાઈ પણ આ મેરેથોનમાં ભાગ લેવા પહોંચી હતી. શરૂઆતમાં તેમણે ચપ્પલ પહેરી હતી, પરંતુ દોડ શરૂ થયા બાદ ચપ્પલ વારંવાર સરકવા લાગી. તેમણે સમય બગાડ્યા વગર ચપ્પલ ઉતારી, હાથમાં પકડી અને સાડી સંભાળતા ઉઘાડા પગે દોડવાનું ચાલુ રાખ્યું.

અંતે રંભાબાઈએ તમામ સ્પર્ધકોને પાછળ છોડીને સૌથી પહેલા ફિનિશ લાઇન પાર કરી અને પ્રથમ સ્થાન મેળવ્યું.

પતિના મૃત્યુ બાદ દીકરીઓની જવાબદારી સંભાળી

રંભાબાઈના પતિનું મુંબઈમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ બંને દીકરીઓના ઉછેર અને શિક્ષણની સંપૂર્ણ જવાબદારી તેમના ખભા પર આવી ગઈ.

તેમણે પોતાની મોટી દીકરીને અંબાજોગાઈની એક એકેડમીમાં પ્રવેશ અપાવ્યો અને પોતે એ જ એકેડમીમાં રસોઈ બનાવવાનું કામ શરૂ કર્યું. રોજિંદા સંઘર્ષ વચ્ચે પણ તેમણે દીકરીઓના ભણતરમાં કોઈ કમી આવવા દીધી નથી.

રંભાબાઈનું સપનું છે કે તેમની બંને દીકરીઓ અભ્યાસ કરીને મોટી અધિકારી બને.

દીકરીએ પણ મેરેથોનમાં મેળવ્યું બીજું સ્થાન

રંભાબાઈની દીકરી પૂજા પોલીસ ભરતી માટે તૈયારી કરી રહી છે. ખાસ વાત એ છે કે પૂજાએ પણ આ મેરેથોનમાં ભાગ લીધો હતો અને બીજું સ્થાન મેળવ્યું હતું.

પૂજાની મહેનત અને અભ્યાસ પ્રત્યેની લગન જોઈને એકેડમીએ તેની ફી પહેલેથી જ માફ કરી દીધી છે. જ્યારે રંભાબાઈની બીજી દીકરી બેન્કિંગ પરીક્ષાની તૈયારી કરી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઇનામના પૈસાથી ખરીદશે દીકરીઓ માટે પુસ્તકો

જીત બાદ રંભાબાઈએ કહ્યું કે રેસમાં ઘણી મહિલાઓ દોડી રહી હતી, પરંતુ તેમના મનમાં માત્ર એક જ લક્ષ્ય હતું—ઇનામ જીતવાનું.

તેમણે જણાવ્યું કે દોડતી વખતે તેમના મનમાં માત્ર દીકરીઓનું ભવિષ્ય અને તેમનું શિક્ષણ જ હતું. હવે જીતેલા 3 હજાર રૂપિયાથી તેઓ દીકરીઓ માટે અભ્યાસના પુસ્તકો ખરીદશે.

રંભાબાઈની આ જીત માત્ર મેરેથોનની જીત નથી, પરંતુ એક માતાના સંઘર્ષ, હિંમત અને દીકરીઓના ભવિષ્ય માટેના સમર્પણની પ્રેરણાદાયી કહાની બની છે.

આ પણ વાંચો: ભારતનો ગ્રોથ 7.8 ટકા જોઈ પીએમ મોદી ગદગદ થયા, દેશવાસીઓને આપી શુભકામના

Back to top button