પહેલા જ નોરતે દિલ્હી- NCRમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 24 રાજ્યોમાં એલર્ટ
IMD weather forecast: દિલ્હી-NCRમાં રવિવારે મોડી રાતથી શરૂ થયેલો ભારે વરસાદ સોમવારે પણ યથાવત્ રહેવાની આગાહી છે. સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ દિલ્હી સહિત દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને આંધીની ચેતવણી જાહેર કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદના કારણે દિલ્હીના તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. આજે લઘુત્તમ તાપમાન આશરે 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવનના ઝાપટા પણ જોવા મળી શકે છે, જેની ઝડપ 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
#WATCH | Delhi: Rain lashes parts of the National Capital.
Visuals from Jantar Mantar https://t.co/cexwSEGwKu
— ANI (@ANI) October 11, 2026
નવરાત્રીના પ્રથમ દિવસે વરસાદથી વધ્યું ચિંતાનું વાતાવરણ
નવરાત્રીના પ્રથમ દિવસે જ દિલ્હીમાં પડેલા ભારે વરસાદને કારણે ધાર્મિક સ્થળો અને ગરબા સહિતના વિવિધ કાર્યક્રમોના આયોજકોની ચિંતા વધી છે. કાલકા મંદિર પાસે ભારે વરસાદ દરમિયાન શ્રદ્ધાળુઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદથી બચવા લોકો અહીં-તહીં દોડતા જોવા મળ્યા હતા.
આ ઉપરાંત ઝંડેવાલાન મંદિર વિસ્તારમાં પણ વરસાદના કારણે પાણી ભરાઈ ગયું હતું. ભારે વરસાદના વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે.
IMDના તાજા અપડેટ મુજબ દિલ્હી-NCRમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.
#WATCH | Delhi: Rainfall triggers waterlogging in the Jhandewalan Temple area. https://t.co/XV1ifk65c4
— ANI (@ANI) October 11, 2026
દિલ્હીમાં ટ્રાફિક જામની પણ શક્યતા
દિલ્હીમાં આજે ઇન્ડિયા બ્લોકના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને કારણે ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર થવાની શક્યતા છે. શહેરમાં આશરે 30 સ્થળોએ ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવી શકે છે. વરસાદ અને ટ્રાફિક ડાયવર્ઝન બંનેના કારણે લોકોને મુસાફરી દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
જંતર-મંતર વિસ્તારનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જ્યાં વિરોધ પ્રદર્શનનું સ્થળ વરસાદને કારણે લગભગ ખાલી જોવા મળ્યું હતું.
પહાડી રાજ્યોમાં ભારે વરસાદ, હિમવર્ષા અને ભૂસ્ખલનની ચેતવણી
IMDએ ઉત્તર ભારતના પહાડી વિસ્તારો માટે પણ સાવચેતીની સૂચના આપી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે.
સાથે જ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનનો ખતરો પણ વધ્યો છે. તેજ પવનના કારણે કેટલાક વિસ્તારોમાં મોટા વૃક્ષો ધરાશાયી થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
પાકિસ્તાન તરફથી આવતી ટ્રફ લાઇનથી ઉત્તર ભારતમાં હવામાન પલટાયું
હવામાન વિભાગના જણાવ્યા મુજબ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાંથી પસાર થતી એક ટ્રફ લાઇન દક્ષિણ જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ થઈને ઉત્તર મધ્ય પ્રદેશ સુધી વિસ્તરેલી છે.
સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરની ઊંચાઈએ બનેલી આ હવામાન પ્રણાલીના કારણે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને અચાનક હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.
બંગાળની ખાડીથી પણ આંધી-તોફાનની શક્યતા
બીજી તરફ, બંગાળની ખાડીમાંથી આવતી હવાઓને કારણે પૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાં પણ મોડી રાત્રે આંધી-તોફાન અને વરસાદની સ્થિતિ ઊભી થઈ શકે છે.
પૂર્વી ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં નીચલા વાતાવરણમાં ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું છે. હિમાચલ પ્રદેશની ઉપર પણ નીચલા વાતાવરણમાં પશ્ચિમી વિક્ષોભ સક્રિય હોવાનું જણાવાયું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઉત્તર પ્રદેશથી રાજસ્થાન સુધી વરસાદ અને આંધીની આગાહી
પંજાબ: પાકિસ્તાનની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળભરી આંધી આવવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વીજળી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હરિયાણા: ઉત્તર અને પશ્ચિમ હરિયાણામાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે હળવો વરસાદ અથવા ઝાપટાં પડી શકે છે. ગાજવીજ અને વીજળી પડવાની પણ શક્યતા છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશ: મેરઠ, સહારનપુર, મુરાદાબાદ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. કેટલાક સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ થઈ શકે છે.
મધ્ય પ્રદેશ: મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહી શકે છે. જોકે ગ્વાલિયર, ભિંડ અને મુરૈના જેવા વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. દિવસ દરમિયાન તડકો રહેતા ગરમીનો અનુભવ થઈ શકે છે.
બિહાર: ઉત્તર અને પૂર્વ બિહારના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની શક્યતા છે. વરસાદને કારણે તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે અને લોકોને ઉકળાટમાંથી રાહત મળી શકે છે.
પશ્ચિમ રાજસ્થાન: જેસલમેર, બીકાનેર, બાડમેર અને શ્રીગંગાનગરમાં હવામાન ખરાબ થઈ શકે છે. 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળભરી આંધી સાથે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે.
સાવચેતી જરૂરી
હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને ભારે વરસાદ અને આંધી દરમિયાન લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, ખુલ્લા વિસ્તારોમાં ન રહેવા અને વીજળીના થાંભલા તથા મોટા વૃક્ષોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતા લોકોએ ભૂસ્ખલન અને રસ્તાની સ્થિતિ અંગે સાવચેતી રાખવી જરૂરી છે.
આ પણ વાંચો: 30 વર્ષ જૂનો ગઢ તૂટશે કે બચશે? થોરિયાળી તાલુકા પંચાયત બેઠક પર ત્રિપાંખિયો જંગ!












