ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘અર્નબ’ વાવાઝોડાનો કહેર: દેશનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હી: ચક્રવાતી વાવાઝોડું ‘અર્નબ’ અને પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. બીજી તરફ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદની સાથે હિમવર્ષાની પણ આગાહી કરવામાં આવી છે. વરસાદ અને બરફવર્ષાને કારણે ઉત્તર ભારતમાં ઠંડીનું આગમન થઈ ગયું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાં સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ વધી રહ્યો છે.

બંગાળની ખાડીમાં હવામાનની નવી સિસ્ટમ, અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રની આસપાસના વિસ્તારોમાં નવી હવામાન પ્રણાલી સક્રિય થઈ છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે.

ચક્રવાતી વાવાઝોડું ‘અર્નબ’ અને પશ્ચિમી વિક્ષેપની સંયુક્ત અસરને કારણે દેશના અનેક વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની સંભાવના છે.

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે 30 ઓક્ટોબરે પૂર્વી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પંજાબમાં પણ વરસાદ પડી શકે છે.

પૂર્વી ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સોનભદ્ર, મિર્ઝાપુર, ચંદૌલી, વારાણસી અને ગાઝીપુરમાં ભારે વરસાદની શક્યતા છે. પ્રયાગરાજ, જૌનપુર, આઝમગઢ, મઉ, બલિયા અને દેવરિયામાં પણ વરસાદનું અનુમાન છે.

શુક્રવારે કુશીનગર, મહારાજગંજ, સિદ્ધાર્થનગર, બલરામપુર, ગોરખપુર, બસ્તી, ગોંડા, લખીમપુર ખેરી, સીતાપુર, બારાબંકી, અયોધ્યા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

લખનઉ, ઉન્નાવ, રાયબરેલી, સુલતાનપુર અને અમેઠી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કેટલાક સ્થળોએ કરા પણ પડી શકે છે.

હવામાન વિભાગે 29 અને 30 ઓક્ટોબર દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 5થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે.

મધ્યપ્રદેશમાં 4 નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

મધ્યપ્રદેશમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે 30 ઓક્ટોબરથી 4 નવેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

સીધી, સિંગરૌલી, રીવા, મઉગંજ, સતના, મૈહર, શહડોલ, ઉમરિયા અને અનુપપુર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે કલાકના 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

પશ્ચિમ બંગાળનાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનો ખતરો

ચક્રવાતી વાવાઝોડું ‘અર્નબ’ આગળ વધતાં પશ્ચિમ બંગાળમાં પણ તેની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ બંગાળના દક્ષિણ 24 પરગણા, પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, બાંકુરા અને પુરુલિયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત શનિવારે સવારે દાર્જિલિંગ, કાલિમપોંગ, જલપાઈગુડી અને અલીપુરદ્વાર જેવા ઉપ-હિમાલયી વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

ઉત્તરાખંડમાં વરસાદ સાથે હિમવર્ષા, કેદારનાથ સહિતનાં વિસ્તારોમાં બરફવર્ષા

ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદની સાથે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે.

હવામાન વિભાગે નૈનીતાલ સહિત રાજ્યના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

કેદારનાથ, ગંગોત્રી અને ઔલી સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા નોંધાઈ છે. બદરીનાથ ધામની આસપાસ આવેલા નીલકંઠ અને નર-નારાયણ પર્વતો પર પણ હિમવર્ષા થઈ હોવાના અહેવાલ છે. બદરીનાથ ધામમાં પણ બરફ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. યમુનોત્રીમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ત્યાં પણ હિમવર્ષાની સંભાવના છે.

દક્ષિણ ભારતનાં રાજ્યોમાં પણ ગાજવીજ સાથે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, રાયલસીમા, કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, લક્ષદ્વીપ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

આ વિસ્તારોમાં કલાકના 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલાક સ્થળોએ પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

ઉત્તર ભારતમાં ઠંડીનું આગમન, તાપમાનમાં મોટો ઘટાડો

સતત વરસાદ અને પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર હવે મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં સવાર અને સાંજના સમયે ઠંડી વધી છે. રાત્રિના તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ એસી અને પંખાનો ઉપયોગ પણ ઓછો કરી દીધો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદ, તેજ પવન અને ઠંડીનો ત્રિપલ પ્રભાવ જોવા મળી શકે છે. ખાસ કરીને ભારે વરસાદની આગાહી ધરાવતા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: ભૂટાનમાં ગ્લેશિયર તળાવ ફાટતા અનેક વિસ્તારમાં તબાહી, પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો

Back to top button