ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આંધ્રપ્રદેશમાં ‘અર્નબ’ વાવાઝોડાનો કહેર: 5નાં મોત, 57 હજાર લોકોનું સ્થળાંતર; અનેક વિસ્તારોમાં ભારે તારાજી

અમરાવતી: આંધ્રપ્રદેશના દરિયાકાંઠે વાવાઝોડું ‘અર્નબ’ ત્રાટકતાં ભારે વિનાશ સર્જાયો છે. બુધવાર, 28 ઓક્ટોબર 2026ની વહેલી સવારે ત્રાટકેલા આ વાવાઝોડા દરમિયાન 125થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જ્યારે પવનના ઝાપટાં 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચ્યા હતા. મુશળધાર વરસાદ અને ભારે પવનને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યમાં વિવિધ દુર્ઘટનાઓમાં પાંચ લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. બીજી તરફ, પૂર અને જાનમાલના સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. વાવાઝોડાની અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ સુધી જોવા મળી રહી છે.

કાકીનાડા નજીક વાવાઝોડાનું લેન્ડફોલ, દરિયાકાંઠે ભારે નુકસાન

આપેલી માહિતી અનુસાર, હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ વાવાઝોડું ‘અર્નબ’ 28 ઓક્ટોબરની વહેલી સવારે આશરે 1:20 વાગ્યે કાકીનાડા નજીક દરિયાકાંઠે ત્રાટક્યું હતું. બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારમાં તેની સૌથી વધુ અસર જોવા મળી હતી.

વાવાઝોડાના કારણે કાકીનાડામાં ઉપ્પાડા દરિયાકાંઠાનો માર્ગ ધોવાઈ ગયો છે. વિશાખાપટ્ટનમમાં 400થી વધુ વૃક્ષો ધરાશાયી થયાં છે, જ્યારે કાકીનાડામાં 100થી વધુ વીજપોલ પડી જતાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અનકાપલ્લી જિલ્લાના કન્નૂરીપાલેમમાં 261.5 મિલીમીટર વરસાદ નોંધાયો હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત, અલ્લૂરી સીતારામરાજુ જિલ્લામાં પુલ તૂટી જતાં કેટલાક વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે. ભારે વરસાદ અને પવનને કારણે માર્ગ વ્યવહાર તથા સામાન્ય જનજીવન પર ગંભીર અસર પડી છે.

પાંચ લોકોનાં મોત, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આપી સૂચના

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વાવાઝોડા સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં પાંચ લોકોનાં મોત થયાં હોવાની પુષ્ટિ કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. કોનાસીમા, વિશાખાપટ્ટનમ, અનકાપલ્લી અને ભીમાવરમ સહિતના વિસ્તારોમાં વૃક્ષો અને વીજપોલ પડવા તેમજ વીજ કરંટ લાગવા જેવી ઘટનાઓને કારણે જાનહાનિ થઈ છે.

મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ અધિકારીઓને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા તથા અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા સૂચના આપી છે. રાજ્ય સરકાર રિયલ ટાઇમ ગવર્નન્સ સેન્ટર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી હોવાનું પણ જણાવાયું છે.

13 જિલ્લામાં પૂરનું જોખમ, 57 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ભારે વરસાદને કારણે આંધ્રપ્રદેશના 13 જિલ્લાઓમાં અચાનક પૂર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને આશરે 57 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ આવેલા રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.

વિઝિયાનગરમ જિલ્લાના ધર્મપુરી ગામમાં ઘરમાં પાણી ભરાઈ જતાં ફસાયેલા પાંચ લોકોને પોલીસે દોરડાં અને જેસીબીની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ગુંટુર અને રાજમહેન્દ્રવરમ સહિતનાં શહેરોમાં નહેરો છલકાતાં અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયાં છે.

રાહત કામગીરીને વધુ વેગ આપવા માટે ભારતીય વાયુસેનાનાં બે C-130J વિમાનો દ્વારા વિજયવાડા ખાતે 23 ટન રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે. બીજી તરફ, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ (NDRF)ની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં જોડાયેલી છે.

 

વિશાખાપટ્ટનમથી સિંગાપોર જતું સલ્ફર ભરેલું જહાજ ફસાયું

વાવાઝોડાની અસર દરિયામાં પણ જોવા મળી છે. વિશાખાપટ્ટનમથી સિંગાપોર જઈ રહેલું સલ્ફર ભરેલું એક મોટું માલવાહક જહાજ એન્જિનમાં ખામી સર્જાતાં માર્ગ પરથી ભટકી ગયું હતું. ત્યારબાદ આ જહાજ આંધ્રપ્રદેશના અંતરવેદી નજીક છીછરા દરિયાઈ વિસ્તારમાં ફસાઈ ગયું હોવાનું જણાવાયું છે.

બંદર સત્તાવાળાઓ અને દરિયાઈ સુરક્ષા એજન્સીઓ જહાજની સ્થિતિ પર નજર રાખી રહી છે. જહાજને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને સંભવિત જોખમને ટાળવા માટે આગળની કાર્યવાહી અંગે તૈયારી કરવામાં આવી રહી છે.

વહીવટીતંત્ર એલર્ટ પર, લોકોને સાવચેત રહેવાની અપીલ

વાવાઝોડા ‘અર્નબ’ના કારણે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ, વૃક્ષો ધરાશાયી થવા, વીજ પુરવઠો ખોરવાવા અને માર્ગ સંપર્ક તૂટવા જેવી સમસ્યાઓ ઊભી થઈ છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને રાહત કામગીરી સતત ચાલુ છે.

હાલમાં સૌથી મોટો પડકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત રાખવા, વીજળી અને માર્ગ વ્યવહાર પુનઃસ્થાપિત કરવા તથા સંભવિત પૂરની સ્થિતિનો સામનો કરવાનો છે. લોકોને દરિયાકાંઠાના જોખમી વિસ્તારો અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા તેમજ વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.

આ પણ વાંચો: અંકલેશ્વરમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો, ₹30.56 લાખનો મુદ્દામાલ જપ્ત

Back to top button