ગુજરાતટ્રેન્ડિંગ

સિંહ સહિત વન્યજીવોની સુરક્ષા માટે એઆઈ સર્વેલન્સ સિસ્ટમ, ગાંધીનગરમાં બનશે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર

Wildlife Protection Gujarat: ગુજરાતમાં સિંહ સહિતના વન્યજીવોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સર્વેલન્સ સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં તૈયાર થઈ રહેલું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર રાજ્યના સંરક્ષિત વિસ્તારોમાં વન્યજીવોની હિલચાલ પર રિયલ ટાઈમ નજર રાખશે. સીસીટીવી, ડ્રોન, એઆઈ આધારિત કેમેરા સહિતના વિવિધ નેટવર્કમાંથી મળતા લાઇવ ડેટાના આધારે અસામાન્ય હિલચાલ કે જોખમની તાત્કાલિક જાણકારી મળી શકશે.

ટ્રેનની ટક્કરથી સિંહોને બચાવવામાં એઆઈ બનશે મદદરૂપ

સિંહોને ટ્રેનની ટક્કરથી બચાવવા રેલવેનું સર્વેલન્સ નેટવર્ક પણ કમાન્ડ સેન્ટર સાથે જોડવામાં આવશે. રેલવે ટ્રેક, પુલ અને અંડરપાસ પાસે સીસીટીવી, ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ અને ઓપ્ટિકલ ફાઇબર સેન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ થશે. ખાસ કરીને અમરેલીના લિલિયા-સાવરકુંડલા રેલવે વિભાગમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ બિછાવવામાં આવી છે.

છેલ્લી વસતી ગણતરીમાં 891 સિંહ નોંધાયા હતા

વન વિભાગના જણાવ્યા મુજબ, 2014થી 2024 દરમિયાન સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ટ્રેનોની ટક્કરમાં 19 સિંહનાં મોત થયા હતા. નવી ટેક્નોલોજીથી આવી દુર્ઘટનાઓ અટકાવવામાં મદદ મળશે. ગુજરાત એશિયાટિક સિંહનું વિશ્વનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. છેલ્લી સિંહ વસતી ગણતરીમાં 11 જિલ્લામાં 891 સિંહ નોંધાયા હતા. ગીર ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ સિંહોની હિલચાલ વધી રહી હોવાથી રિયલ ટાઈમ મોનિટરિંગનું મહત્વ વધ્યું છે.

GIB માટે 100 હેક્ટરનું સુરક્ષિત એન્ક્લોઝર

વન્યજીવ સંરક્ષણ સાથે ગુજરાતમાં ગંભીર રીતે સંકટગ્રસ્ત ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (GIB) માટે પણ વિશેષ પ્રયાસ થઈ રહ્યા છે. કચ્છના નળિયામાં જન્મેલી GIBની બચ્ચીને શિકારી પક્ષીઓથી બચાવવા આશરે 100 હેક્ટર વિસ્તારમાં સુરક્ષિત એન્ક્લોઝર તૈયાર કરવામાં આવ્યું છે. બચ્ચી મોટી થાય ત્યાં સુધી તેની સતત દેખરેખ રાખવામાં આવશે.

આ એઆઈ આધારિત સમગ્ર નેટવર્કથી સિંહ ઉપરાંત સ્લોથ બેર, કાળિયાર અને જંગલી ગધેડા જેવા વન્યજીવોની સુરક્ષા અને માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવવાના પ્રયાસોને પણ વેગ મળશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

Back to top button