GDP પર બવાલ વચ્ચે સરકારનો ખુલાસો, 7.8% વૃદ્ધિ પાછળનું સાચું કારણ શું?

GDP Growth : ભારતના GDPના પ્રથમ ત્રિમાસિક ગાળાના આંકડા જાહેર થયા બાદ સરકાર અને વિપક્ષ વચ્ચે ફરી એકવાર ચર્ચા તેજ બની છે. સરકારના જણાવ્યા પ્રમાણે એપ્રિલથી જૂન 2026 દરમિયાન દેશની GDP વૃદ્ધિદર 7.8 ટકા રહ્યો છે. જોકે, વિપક્ષ અને કેટલાક નિષ્ણાતોએ GDPના આંકડાઓમાં થયેલા ફેરફારને લઈને સવાલો ઉઠાવ્યા છે.
પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન વૈશ્વિક સ્તરે અનેક પડકારો જોવા મળ્યા હતા. ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ હતો, જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધ્યા હતા. બીજી તરફ સોના પર ટેક્સ લાગતા તેની કિંમતમાં પણ વધારો થયો હતો. આવી પરિસ્થિતિમાં રિઝર્વ બેન્કે પણ આર્થિક વૃદ્ધિ પર અસર પડવાની અને મોંઘવારી વધવાની શક્યતા વ્યક્ત કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જોકે, મોંઘવારી વધવા છતાં GDP વૃદ્ધિમાં ઘટાડો જોવા મળ્યો નથી. સરકાર માટે આ એક રાહતની બાબત છે. પરંતુ GDPના આંકડાઓમાં થયેલા ફેરફારને લઈને વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું છે.
GDPના આંકડામાં ફેરફાર કેમ થયો?
સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે Q1 FY2025-26ની વર્તમાન કિંમતો પરની GDPને 86.05 લાખ કરોડ રૂપિયાથી ઘટાડીને 80 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી નથી. સરકારના જણાવ્યા પ્રમાણે આ ફેરફાર GDPની નવી શ્રેણી અને સુધારેલી ગણતરી પદ્ધતિના કારણે થયો છે.
વિપક્ષ અને કેટલાક ટીકાકારોએ દાવો કર્યો હતો કે જૂની 2011-12 આધાર વર્ષ શ્રેણી હેઠળ Q1 FY2025-26ની GDP 86.05 લાખ કરોડ રૂપિયા હતી, જ્યારે નવી 2022-23 આધાર વર્ષ શ્રેણીમાં તેને 80 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે. તેમના મતે આ ફેરફારથી વર્તમાન GDP વૃદ્ધિદર વધુ ઊંચો દેખાય છે.
પૂર્વ નાણાં સચિવના નિવેદનથી વિવાદ વધ્યો
એક પૂર્વ નાણાં સચિવે એવો દાવો કર્યો હતો કે જો અગાઉના વર્ષની GDPમાં સુધારો કરવામાં આવ્યો ન હોત તો વર્તમાન કિંમતો પર GDP વૃદ્ધિ માત્ર 2.6 ટકા રહેત. વિપક્ષે આ નિવેદનને આધાર બનાવીને સરકારની GDP ગણતરી પર સવાલો ઉઠાવ્યા હતા.
સરકારની શું છે દલીલ?
આ સમગ્ર મામલે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે GDPના આંકડામાં કરવામાં આવેલો ફેરફાર કોઈ ચોક્કસ રીતે વૃદ્ધિદર ઊંચો દર્શાવવા માટે કરવામાં આવ્યો નથી.
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે GDPની નવી શ્રેણીમાં નવા ડેટા સોર્સ, સુધારેલી પદ્ધતિ, વધુ વ્યાપક કવરેજ અને નવા આર્થિક સંકેતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આધાર વર્ષ 2011-12માંથી બદલીને 2022-23 કરવામાં આવતા અગાઉના વર્ષોના GDPના આંકડાઓની પણ નવી પદ્ધતિ પ્રમાણે પુનઃગણતરી કરવામાં આવી છે.
આ કારણે Q1 FY2025-26ની વર્તમાન કિંમતો પરની GDPનો આંકડો સુધારીને 80 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે.
જૂના અને નવા આંકડાની સીધી સરખામણી યોગ્ય નથી
સરકારનું કહેવું છે કે 2011-12 આધાર વાર્ષિક શ્રેણીના 86.05 લાખ કરોડ રૂપિયા અને નવી 2022-23 આધાર વર્ષ શ્રેણી હેઠળના આંકડાની સીધી સરખામણી કરવી યોગ્ય નથી.
નવી શ્રેણી હેઠળ યોગ્ય સરખામણી માટે Q1 FY2025-26ના સુધારેલા 80 લાખ કરોડ રૂપિયાના આંકડાને Q1 FY2026-27ના 88.27 લાખ કરોડ રૂપિયાના આંકડા સાથે જોવો જોઈએ.
સરકારનો દાવો છે કે આધાર વર્ષમાં ફેરફાર, નવા ડેટા અને સુધારેલી ગણતરી પદ્ધતિને કારણે GDPના આંકડામાં ફેરફાર થયો છે, તેને ગયા વર્ષની અર્થવ્યવસ્થાને જાણપૂર્વક નબળી બતાવવાનો પ્રયાસ ગણવો યોગ્ય નથી.
આ પણ વાંચો : શેરબજારમાં ફરી તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ લીલા નિશાનમાં ખુલ્યો












