આર્મીના જવાનને ટ્રાફિક પોલીસે મેમો આપવો ભારે પડ્યો, ફરજ પરથી હટાવી માફી માગવી પડી

આસામના જોરહાટમાં રોડ સેફ્ટી અભિયાન દરમિયાન સેનાના એક ડ્રાઈવરનું સીટબેલ્ટ ન બાંધવા બદલ ચલણ કાપવું મોટો વિવાદ બની ગયું છે. આ કાર્યવાહી કરનાર મહિલા મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર (MVI) સમીમ સુલતાનાને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જોરહાટ જિલ્લા પ્રશાસને આ ઘટનાને પગલે સેનાના જવાનોને થયેલી અસુવિધા અને અનિચ્છનીય શરમજનક સ્થિતિ બદલ ખેદ વ્યક્ત કર્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
રોડ સેફ્ટી અભિયાન દરમિયાન સર્જાયો વિવાદ
પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે આસામના જોરહાટ શહેરના વ્યસ્ત AT રોડ પર ઇન્ટર-સ્ટેટ બસ ટર્મિનલ (ISBT) સામે રોડ સેફ્ટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. ‘ઝીરો ફેટાલિટી’ રોડ સેફ્ટી કાર્યક્રમ અંતર્ગત વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન સેનાના એક સત્તાવાર વાહનને રોકવામાં આવ્યું હતું. વાહનનો ડ્રાઈવર સીટબેલ્ટ પહેર્યા વિના ગાડી ચલાવતો હોવાના કારણે મહિલા MVI સમીમ સુલતાનાએ તેનું ચલણ કાપ્યું હતું.
Semin sultana, challaned an Army Driver driving an Army Vehicle in Jorhat of Assam, because she wants a civilian license from the Army Driver.
Made him stand infront of the vehicle and took a pic 🤡Today she herself is Challaned and taken off duty..
https://t.co/1QKODW8L2l— Kavya || The OG-カヴィヤ (Modi Ka Family) (@kavyasree_123) November 20, 2026
સેનાના ડ્રાઈવર સાથે MVIની થઈ હતી બોલાચાલી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેનાનો આ ડ્રાઈવર લિચુબારી સ્થિત જોરહાટ મિલિટરી સ્ટેશનના ’41 સબ-એરિયા’ સાથે જોડાયેલો હતો અને અન્ય એક જુનિયર સૈન્યકર્મી સાથે સત્તાવાર ફરજ પર હતો.
ચલણ કાપ્યા બાદ MVIએ સેનાના વાહનની સામે અધિકારીઓને ઊભા રહેવા કહ્યું હતું અને તેમના ફોટા પણ પાડ્યા હતા. આ દરમિયાન મહિલા અધિકારી અને સેનાના ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે.
લાઈસન્સ ન હોવાનો આરોપ નહોતો, માત્ર સીટબેલ્ટનું ચલણ
જિલ્લા પરિવહન અધિકારી ધનંજય સૈકિયાએ સ્પષ્ટતા કરી હતી કે સેનાના ડ્રાઈવર પાસે માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોવાનો કોઈ આરોપ નહોતો અને આ કારણસર કોઈ દંડ પણ ફટકારવામાં આવ્યો નહોતો.
તેમણે જણાવ્યું હતું કે સેનાના જવાનો પોતાના સૈન્ય ડ્રાઈવિંગ લાઈસન્સના આધારે સૈન્ય વાહનો ચલાવી શકે છે, પરંતુ નાગરિક વાહનો ચલાવવા માટે આ લાઈસન્સનો ઉપયોગ કરી શકતા નથી.
મહિલા MVIને એક-બે દિવસ માટે ફરજ પરથી હટાવાયાં
જિલ્લા પરિવહન અધિકારીના જણાવ્યા અનુસાર, સેનાના ડ્રાઈવર સાથે પૂછપરછ દરમિયાન મહિલા MVIનું વર્તન થોડું રૂક્ષ હોવાનું જણાયું હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને સમીમ સુલતાનાને એકથી બે દિવસ માટે ફરજ પરથી હટાવવામાં આવ્યાં છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. વીડિયોમાં કથિત રીતે મહિલા MVI અને સેનાના ડ્રાઈવર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોવા મળે છે.
સેનાના જવાનોને થયેલી અસુવિધા બદલ જિલ્લા પ્રશાસને વ્યક્ત કર્યો ખેદ
જોરહાટ જિલ્લા પ્રશાસને સત્તાવાર નિવેદન જાહેર કરીને સમગ્ર ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો છે. પ્રશાસનના જણાવ્યા અનુસાર, પડોશી ગોલાઘાટ જિલ્લામાં 13 નવેમ્બરે થયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં 26 લોકોનાં મોત થયા બાદ રાજ્ય સરકારે તમામ જિલ્લાઓને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવાની સૂચના આપી હતી.
આ જ સૂચનાના ભાગરૂપે જોરહાટમાં નિયમિત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન સેનાના વાહન સાથે બનેલી ઘટનામાં કેટલીક ગેરસમજ ઊભી થઈ હતી અને અસહજ સ્થિતિ સર્જાઈ હતી.
પ્રશાસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સેનાના જવાનોને અજાણતાં થયેલી શરમજનક સ્થિતિ અને અસુવિધા બદલ તેઓ ખેદ વ્યક્ત કરે છે. સશસ્ત્ર દળોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કે તેમનું અપમાન કરવાનો કોઈ હેતુ નહોતો.
સોશિયલ મીડિયા પર ઘટનાની ચર્ચા
આ સમગ્ર મામલે હવે સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ છે. એક તરફ ટ્રાફિકના નિયમોનું પાલન દરેક વાહનચાલક માટે જરૂરી હોવાની વાત થઈ રહી છે, તો બીજી તરફ સેનાના જવાનો સાથે વ્યવહાર કરતી વખતે અધિકારીઓએ સંયમ અને યોગ્ય વર્તન રાખવું જોઈએ તેવી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.












