દિલ્હી પોલીસ અને નોઈડા STFનું મોટું ઓપરેશન: ‘ડી-કંપની’ સાથે જોડાયેલો કુખ્યાત ગેંગસ્ટર નસીમ દુર્રાની એન્કાઉન્ટરમાં ઠાર

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં દિલ્હી પોલીસ અને નોઈડા STFની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરતાં કુખ્યાત ગેંગસ્ટર નસીમ દુર્રાની ઉર્ફે રિઝવાનને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને તરફથી થયેલા ગોળીબારમાં નસીમ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. નસીમ પર હત્યા, લૂંટ, ગેરકાયદે હથિયારો રાખવા અને પોલીસ પર હુમલા સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા.
ઈન્સ્ટાગ્રામ બાયોમાં જ લખતો હતો પોતાનો ખૌફ
37 વર્ષીય નસીમ દુર્રાની દિલ્હીના ન્યૂ મુસ્તફાબાદના રાજીવ ગાંધી નગરનો રહેવાસી હતો. તે સોશિયલ મીડિયા પર પણ પોતાનો દબદબો જમાવવાનો પ્રયાસ કરતો હતો. તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાં લખેલું હતું, ‘નામ- બદનામ, એડ્રેસ- તિહાડ જેલ, ઉંમર- જીવવાની, કામ- મારવાનું.’
તેની આ સોશિયલ મીડિયા પ્રોફાઈલ અને અંદાજથી તે પોતાને ગુનાખોરીની દુનિયાના ખતરનાક વ્યક્તિ તરીકે રજૂ કરતો હતો.
#WATCH | In a joint operation, the Delhi Police and Noida STF have eliminated notorious gangster Naseem Durrani in an encounter in Bulandshahr, Uttar Pradesh. Naseem Durrani was allegedly involved in the murder of a youth named Sameer, who was shot dead outside Kapil Mishra’s office two days ago. Following the incident, police teams were tracking his movements and had received inputs about his presence in Bulandshahr. Acting on the intelligence inputs, the joint team launched an operation to apprehend him, during which an encounter took place and Naseem Durrani was killed. Naseem Durrani had also reportedly been involved in a conspiracy to eliminate gangster Chhota Rajan, with allegations of a contract being taken out for the purpose. Further details regarding the encounter and the operation are awaited: Delhi Police and Noida STF
(Visuals source: Police)
— ANI (@ANI) November 20, 2026
સ્કૂટી સ્લિપ થતાં જ પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું
પોલીસના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી ફરાર નસીમની સિકંદરા બાયપાસ નજીક હિલચાલની માહિતી મળી હતી. CCTV ફૂટેજમાં તે સ્કૂટી પર જતો જોવા મળ્યો હતો. માહિતીના આધારે દિલ્હી પોલીસ અને નોઈડા STFની ટીમે તેને પકડવા માટે ઘેરો ઘાલ્યો હતો.
આ દરમિયાન નસીમ સ્કૂટી પર પૂરપાટ ઝડપે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે પાછળ ફરીને પોલીસને જોતો હતો ત્યારે તેની સ્કૂટી સ્લિપ થઈને પડી ગઈ હતી. ત્યારબાદ તેણે પોતાની પાસે રહેલી .32 બોરની બે પિસ્તોલથી પોલીસની ટીમ પર ગોળીબાર શરૂ કર્યો હતો.
જવાબમાં પોલીસે પણ વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં નસીમને અનેક ગોળીઓ વાગી હતી. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. ઘટનાસ્થળેથી પોલીસે તેની બંને પિસ્તોલ કબજે કરી હતી.
16 નવેમ્બરે મંત્રી કપિલ મિશ્રાની ઓફિસ બહાર કરી હતી હત્યા
નસીમનો તાજેતરનો ગંભીર ગુનો 16 નવેમ્બરનો હોવાનું પોલીસની માહિતીમાં જણાવાયું છે. આરોપ છે કે તેણે દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાની ઓફિસની બહાર સમીર નામના વ્યક્તિ પર અંધાધૂંધ 15થી 16 રાઉન્ડ ફાયરિંગ કરીને તેની હત્યા કરી હતી. આ ઘટનાને પગલે દિલ્હી પોલીસ દ્વારા તેની શોધખોળ તેજ કરવામાં આવી હતી.
છોટા શકીલ અને છોટા રાજન સાથે પણ જોડાયું હતું નામ
નસીમના અંડરવર્લ્ડ કનેક્શન પણ ચર્ચામાં રહ્યાં છે. પોલીસની માહિતી મુજબ, તે અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના સંપર્કમાં હતો. વર્ષ 2016-17 દરમિયાન છોટા શકીલે તિહાડ જેલમાં બંધ છોટા રાજનની હત્યા કરવાની સોપારી પણ નસીમને આપી હોવાનો આરોપ છે.
આ ઉપરાંત પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક અને પત્રકાર તારેક ફતેહની હત્યાનું કાવતરું ઘડવા તથા તેમને ધમકી આપવાના કેસમાં પણ નસીમની સંડોવણીના આરોપો હતા.
હત્યા, લૂંટ અને પોલીસ પર હુમલા સહિત અનેક ગુનાઓ નોંધાયેલા
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, નસીમ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સક્રિય ખતરનાક અને રીઢો ગુનેગાર હતો. તેની સામે હત્યા, હથિયારના જોરે લૂંટ, ગેરકાયદે હથિયારો રાખવા, ચોરી અને પોલીસ પર હુમલા સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા.
તેના ગુનાહિત ઇતિહાસની કેટલીક વિગતો આ પ્રમાણે છે:
- ગોકુલપુરી પોલીસ સ્ટેશન FIR નં. 173/2014: પોલીસ કસ્ટડીમાંથી એક આરોપીને ભગાડવામાં મદદ કરવાનો અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો તથા હુમલો કરવાનો આરોપ.
- ગોકુલપુરી પોલીસ સ્ટેશન FIR નં. 289/2010: હત્યાના કેસમાં સંડોવણી.
- અન્ય પોલીસ સ્ટેશનોમાં કેસ: ખજૂરી ખાસ, જાફરાબાદ અને દયાલપુર સહિતના વિસ્તારોમાં આર્મ્સ એક્ટ તથા અન્ય ગુનાઓ હેઠળ અનેક કેસ નોંધાયેલા હતા.
એન્કાઉન્ટર બાદ ગુનાખોરીના નેટવર્ક પર નજર
બુલંદશહેરમાં થયેલા આ એન્કાઉન્ટર બાદ પોલીસ માટે નસીમ સાથે જોડાયેલા અન્ય ગુનેગારો અને તેના નેટવર્કની તપાસ મહત્ત્વપૂર્ણ બની છે. હત્યા સહિતના અનેક ગંભીર ગુનાઓમાં આરોપી રહેલા નસીમના એન્કાઉન્ટરથી દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસને મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: લગ્નપ્રસંગમાં જઈ રહેલી લક્ઝરી બસનો ભરૂચ નજીક ભયાનક અકસ્માત, બે લોકોનાં મોત











