ટ્રેન્ડિંગવર્લ્ડ

કેનેડાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં ગોલ્ડી બરાડ પ્રથમ ક્રમે, ધરપકડ માટે 2.33 કરોડનું ઇનામ

Goldy Brar Most Wanted  : કેનેડામાં કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરાડ (Goldy Brar)ની મુશ્કેલીઓ વધી રહી છે. કેનેડાની પોલીસ અને તપાસ એજન્સીઓએ તેની શોધખોળ તેજ કરી છે. કેનેડાના ‘બોલો પ્રોગ્રામ’ (BOLO Program) દ્વારા જાહેર કરવામાં આવેલી ટોપ-25 મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની નવી યાદીમાં ગોલ્ડી બરાડને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેની ધરપકડમાં મદદરૂપ થાય તેવી માહિતી આપનાર વ્યક્તિને 2.5 લાખ કેનેડિયન ડોલર એટલે કે અંદાજે રૂ. 2.33 કરોડ સુધીનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઇનામની સમયમર્યાદા 2 નવેમ્બર, 2027 સુધી રાખવામાં આવી છે.

કેનેડાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં પ્રથમ નંબર

બોલો પ્રોગ્રામે 19 નવેમ્બર, 2026ના રોજ ગોલ્ડી બરાડ અંગે જાહેરાત કરી હતી. તેનું અસલી નામ સતવિંદરજીત સિંહ છે. કેનેડામાં વર્ષ 2023માં થયેલી એક હત્યાના કેસમાં તેની શોધ ચાલી રહી છે. એજન્સીઓના જણાવ્યા પ્રમાણે, તેની ધરપકડમાં મદદરૂપ થાય તેવી માહિતી આપનારને 2.5 લાખ કેનેડિયન ડોલર સુધીનું ઇનામ મળી શકે છે. આ માહિતીના આધારે કેનેડા અથવા અમેરિકામાં તેની ધરપકડ શક્ય બનવી જોઈએ. ગોલ્ડી બરાડના સાથી કરણબીર સિંહ પર પણ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

વિન્નિપેગમાં સુખદૂલ સિંહ ગિલની હત્યાનો આરોપ

ગોલ્ડી બરાડ પર કેનેડાના વિન્નિપેગમાં 39 વર્ષીય સુખદૂલ સિંહ ગિલની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, 20 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે આશરે 10 વાગ્યે વિન્નિપેગના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા હેઝલટન ડ્રાઇવના એક મકાનમાં ગોળીબાર થયો હતો. ઘટનાની જાણ થતાં જ વિન્નિપેગ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં સુખદૂલ સિંહ ગિલ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ કેસની તપાસ પોલીસની હોમિસાઇડ યુનિટે શરૂ કરી હતી. તપાસમાં રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP), મેનિટોબા જસ્ટિસ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ પણ જોડાઈ હતી. લાંબી તપાસ છતાં બંને આરોપીઓ પોલીસની પકડથી દૂર છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બંને આરોપીઓ સામે ધરપકડ વોરંટ

આ કેસમાં 23 ફેબ્રુઆરી, 2026ના રોજ ગોલ્ડી બરાડ અને કરણબીર સિંહ સામે આરોપો નક્કી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. બંને સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડર (First Degree Murder) અને હત્યાનું કાવતરું ઘડવાના આરોપો મૂકવામાં આવ્યા છે. ત્યારબાદ તેમની ધરપકડ માટે વોરંટ પણ જાહેર કરવામાં આવ્યા હતા. કેનેડાની પોલીસના જણાવ્યા મુજબ, ગોલ્ડી બરાડની ઉંમર 32 વર્ષ અને કરણબીર સિંહની ઉંમર 26 વર્ષ છે. બંનેની શોધ માટે દેશવ્યાપી વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે ચેતવણી આપી છે કે બંને આરોપીઓ હથિયારધારી અને જોખમી હોઈ શકે છે. તેથી જો કોઈને તેમના વિશે માહિતી મળે તો જાતે સંપર્ક કરવાને બદલે સીધો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

અમેરિકામાં પણ ગોલ્ડી બરાડ પર 10 લાખ ડોલરનું ઇનામ

કેનેડા પહેલાં અમેરિકાએ પણ ગોલ્ડી બરાડ સામે કાર્યવાહી કરી હતી. 7 જુલાઈ, 2026ના રોજ અમેરિકન એટર્ની કાર્યાલયે ‘ઓપરેશન હાર્ડ બોલ’ (Operation Hard Ball)ના પરિણામોની જાહેરાત કરી હતી. તેમાં સતવિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડને લોરેન્સ બિશ્નોઈના સંગઠિત ગુનાહિત નેટવર્કમાં કથિત ભૂમિકા બદલ આરોપી બનાવવામાં આવ્યો હતો. અમેરિકન તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, બ્રિટિશ કોલંબિયામાં એક જાણીતી ભારતીય હસ્તીની હત્યાના કેસમાં પણ તેના પર આરોપો છે. તેને FBIની ટોપ-10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. તેની ધરપકડમાં મદદરૂપ માહિતી આપનારને 10 લાખ અમેરિકન ડોલર સુધીનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ગુનેગારો સામે કડક કાર્યવાહીનો પોલીસનો સંદેશ

વિન્નિપેગ પોલીસના ડેપ્યુટી ચીફ કેમ મેકકિડે જણાવ્યું હતું કે કેનેડાની કાયદા અમલીકરણ એજન્સીઓ દેશનાં શહેરો અને નાગરિકોને આવી હિંસાથી સુરક્ષિત રાખવા માટે કડક કાર્યવાહી ચાલુ રાખશે. કેનેડા આવી હિંસાને સહન કરશે નહીં અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે તપાસ સતત ચાલુ રહેશે. પોલીસે ગોલ્ડી બરાડ અને કરણબીર સિંહ વિશે કોઈપણ માહિતી ધરાવતા લોકોને આગળ આવવા અપીલ કરી છે. માહિતી આપવા માટે પોલીસે (431) 334-9160 નંબર જાહેર કર્યો છે.

આ પણ વાંચો : દિલ્હી પોલીસ અને નોઈડા STFનું મોટું ઓપરેશન: ‘ડી-કંપની’ સાથે જોડાયેલો કુખ્યાત ગેંગસ્ટર નસીમ દુર્રાની એન્કાઉન્ટરમાં ઠાર

Back to top button