સુરતમાં ફિલ્મી સ્ટાઈલમાં પોલીસ અને લૂંટારુ વચ્ચે અથડામણ! કોન્સ્ટેબલને ચપ્પુ મારતાં PIએ આરોપીના પગમાં ધરબી દીધી ગોળી

સુરતના લીંબાયત વિસ્તારમાં આજે વહેલી સવારે પોલીસ અને લૂંટના આરોપી વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ જોઈને પોલીસે એક યુવકનો પીછો કર્યો હતો. આ દરમિયાન આરોપી પરવેઝ મુશરફ અન્સારીએ પોલીસ કોન્સ્ટેબલના પેટમાં ચપ્પુ મારી દીધું હતું અને PI પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સ્વબચાવમાં લીંબાયત PI ડી.ડી. ચૌહાણે આરોપીના ડાબા પગમાં ગોળી ચલાવી હતી. ઘાયલ આરોપીને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ યુવક પોલીસને જોઈને ભાગ્યો
મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે લગભગ 3 વાગ્યે લીંબાયત પોલીસની ટીમ પોલીસ વાનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન નીલગીરી ગ્રાઉન્ડ નજીક એક શંકાસ્પદ યુવક પોલીસને જોઈને અચાનક ભાગવા લાગ્યો હતો.
યુવકની શંકાસ્પદ હિલચાલને પગલે પોલીસની ટીમે વાન રોકીને તેનો પીછો કર્યો હતો. પોલીસકર્મીઓ તેને પકડવા માટે આગળ વધ્યા ત્યારે આરોપીએ કમરમાંથી ચપ્પુ કાઢીને અ.પો.કો. અનિલકુમાર અમરસિંહના પેટના ભાગે ઘા મારી દીધો હતો. આ હુમલામાં કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા હતા.
PIની ચેતવણી છતાં હુમલાનો પ્રયાસ, હવામાં ફાયરિંગ બાદ પગમાં ગોળી મારી
કોન્સ્ટેબલ પર ચપ્પુથી હુમલો કર્યા બાદ પણ આરોપી અટક્યો નહોતો. આ દરમિયાન લીંબાયત પોલીસ સ્ટેશનના PI ડી.ડી. ચૌહાણે આરોપીને ચપ્પુ નીચે મૂકી દેવા અને શાંત થવા કડક ચેતવણી આપી હતી.
જોકે, આરોપીએ પોલીસની ચેતવણી અવગણીને PI પર હુમલો કરવા આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. જેથી PIએ સૌપ્રથમ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમ છતાં આરોપી આક્રમક રહેતાં સ્વબચાવમાં PIએ તેના ડાબા પગમાં ગોળી મારી હતી. ગોળી વાગતાં જ આરોપી જમીન પર ઢળી પડ્યો હતો.
ત્યારબાદ ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
કોણ છે આરોપી પરવેઝ મુશરફ અન્સારી?
પોલીસની પ્રાથમિક તપાસમાં ગોળી વાગેલા આરોપીની ઓળખ પરવેઝ મુશરફ અન્સારી તરીકે થઈ છે. તે મૂળ ઝારખંડનો રહેવાસી છે અને હાલમાં સુરતના લીંબાયત વિસ્તારમાં મમતા ટોકીઝ નજીક રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અગાઉ પણ લૂંટના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. તેની સામે પાંચ જેટલા લૂંટના બનાવોમાં સંડોવણી હોવાની માહિતી છે.
વરાછા, કતારગામ અને મહિધરપુરામાં લૂંટની કબૂલાત
પ્રાથમિક પૂછપરછ દરમિયાન પરવેઝે પોતાના સાથી લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ સાથે મળીને વહેલી સવારે લૂંટના બનાવોને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
આરોપીઓએ વરાછા, કતારગામ અને મહિધરપુરા સહિતના વિસ્તારોમાં લૂંટ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી પાસેથી લૂંટ દરમિયાન મેળવેલા કેટલાક મોબાઈલ ફોન પણ પોલીસે કબજે કર્યા છે.
ઘાયલ પોલીસકર્મી અને આરોપીની સારવાર ચાલુ
હાલમાં ચપ્પુના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કોન્સ્ટેબલ અને ગોળી વાગેલા આરોપીની સારવાર અંગેની વિગતો સામે આવી રહી છે. બીજી તરફ, લીંબાયત પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં વહેલી સવારે બનેલી આ ઘટનાએ પોલીસ અને ગુનેગારો વચ્ચેની અથડામણને લઈને ચર્ચા જગાવી છે. હવે પોલીસ તપાસમાં લૂંટના અન્ય બનાવો અને આરોપીના સાથીદાર લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.












