ટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

‘નામ મેં ક્યા રખા હૈ?’, કહેવત પડી ખોટી… નામ બદલતા જ કંપની થઈ ગઈ પાયમાલ

નવી દિલ્હી: 31 ઓક્ટોબર, 2025: બીયર માર્કેટમાં ઝડપથી આગળ વધેલી જાણીતી કંપની બીરા 91 (BIRA 91) માત્ર થોડા મહિનાઓમાં જ ગંભીર સંકટમાં આવી ગઈ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે, કંપની તેના કર્મચારીઓને સમયસર પગાર ચૂકવી શકતી નથી. કેટલાક કર્મચારીઓ તો દાવો કરી રહ્યા છે કે તેમને 7 મહિનાથી પગાર મળ્યો નથી.

બીયર બનાવતી આ કંપનીની પેરન્ટ કંપની B9 બેવરેજીસ લિમિટેડ આજે એક ઊંડા સંકટમાં ફસાયેલી છે, જ્યાં તેની નાણાંકીય સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.

કર્મચારીઓનો 7 મહિનાનો પગાર બાકી, CEOના રાજીનામાની માંગ

મીડિયા અહેવાલો મુજબ, B9 બેવરેજીસ લિમિટેડના 250થી વધુ વર્તમાન અને પૂર્વ કર્મચારીઓએ સરકારી અધિકારીઓ અને રોકાણકારોને પત્ર લખીને જણાવ્યું છે કે તેમને મહિનાઓથી પગાર મળ્યો નથી.

કેટલાક કર્મચારીઓનો પગાર 7 મહિના સુધી મોડો થઈ રહ્યો છે. પગારમાંથી ટેક્સની કપાત તો કરવામાં આવી છે, પરંતુ તે જમા કરાયો નથી. PF અને ગ્રેચ્યુઇટીનું પેમેન્ટ પણ બાકી છે. કર્મચારીઓ ગુસ્સામાં છે અને કંપનીના સ્થાપક અને CEO અંકુર જૈનના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

અનુમાન છે કે, કર્મચારીઓનું કુલ બાકી લેણું આશરે રૂ. 50 કરોડ જેટલું છે. કંપનીમાં કર્મચારીઓની સંખ્યા પણ 700થી ઘટીને માત્ર 260 થઈ ગઈ છે.

માત્ર નામ બદલવાથી બગડ્યું કામ?

આ મોટા સંકટ પાછળનું એક મોટું કારણ કંપની દ્વારા કરવામાં આવેલો નાનકડો ફેરફાર છે.

2023ના અંતમાં, બીરાની મૂળ કંપનીએ એક પબ્લિક કંપનીમાં રૂપાંતરિત થવાનું હતું. આ માટે તેણે B9 Beverages Private Ltd. માંથી નામ બદલીને B9 Beverages Ltd. કર્યું.

દારૂના વ્યવસાયમાં, કંપનીનું નામ બદલવાથી રાજ્યના લાયસન્સ માટે ફરીથી અરજી કરવી પડે છે. આ મંજૂરીઓ મેળવવામાં ઘણા મહિનાઓ લાગ્યા. જેના કારણે બીયરનું ઉત્પાદન તો ચાલુ રહ્યું, પરંતુ તેને વેચી શકાયું નહીં.

નિષ્ણાતોના અંદાજ મુજબ, લગભગ રૂ. 80 કરોડનું ઉત્પાદન ગોદામોમાં બિનઉપયોગી પડી રહ્યું. પરિણામે, કંપનીનો કેશ ફ્લો (રોકડ પ્રવાહ) ઘટી ગયો અને દેવાં વધી ગયા. માત્ર 5 થી 6 મહિનામાં જ કંપનીની સ્થિતિ કથળી ગઈ.

ભારે ખોટમાં કંપની, ધ બીયર કેફેનો કંટ્રોલ પણ ગુમાવ્યો

કંપની નાણાંકીય વર્ષ 2024માં ભારે ખોટમાં છે. રેવન્યૂ ઘટીને લગભગ રૂ. 638 કરોડ થઈ ગઈ, જ્યારે ખોટ વધીને રૂ. 750 કરોડ થઈ ગઈ. કંપનીની કુલ ખોટ રૂ. 1900 કરોડથી વધુ થઈ ચૂકી છે.

વધતી મુશ્કેલીઓ વચ્ચે, રોકાણકારોએ બીરા 91 હેઠળ આવતી લોકપ્રિય પબ ચેઇન ‘ધ બીયર કૅફે’ પર કબજો કરી લીધો છે, કારણ કે કંપની કેફેના શેરના બદલામાં લીધેલા લોનનું ચૂકવણું કરી શકી નથી. આ મામલો હાલમાં દિલ્હી હાઈકોર્ટમાં છે, જ્યાં ગીરવે મૂકેલા શેરના વેચાણ પર હાલ પૂરતી રોક લગાવાઈ છે. 500 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કરવાની યોજના પણ નિષ્ફળ ગઈ છે, અને કંપનીના અનલિસ્ટેડ શેરની કિંમત છેલ્લા 3 વર્ષમાં 70%થી વધુ તૂટી ગઈ છે.

આ પણ વાંચોઃ Samsung Wallet ઉપર આવ્યું UPI ફિચર્સ, PIN વગર પણ થઈ શકશે પેમેન્ટ, જાણો વિગત

આ પણ વાંચોઃ રાજકોટમાં ગેંગવોર : ફાયરિંગ પ્રકરણના 7 આરોપીઓએ લંગડાતા પગે લોકોની માફી માગી, ગુજસીટોક પણ લાગશે

 

Back to top button