દક્ષિણ આફ્રિકા સામે બાંગ્લાદેશની મુશ્કેલી વધી, દિગ્ગજ ખેલાડી ઈજાગ્રસ્ત
Mushfiqur Rahim: દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં બરાબરી મેળવવાનો પ્રયાસ કરી રહેલી બાંગ્લાદેશની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો અનુભવી બેટ્સમેન મુશફિકુર રહીમ બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. ડાબા પગના ગ્રોઇન (જાંઘના સાંધા પાસેના ભાગ)માં ઈજા થતાં તે 23 નવેમ્બરથી સેન્ચુરિયનમાં શરૂ થનારી મેચ રમી શકશે નહીં. પ્રથમ ટેસ્ટમાં કારમી હાર બાદ બાંગ્લાદેશ માટે આ સમાચાર વધુ મુશ્કેલી ઊભી કરનારા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પેલ્વિસના હાડકાની આસપાસ સોજો જોવા મળ્યો
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન મુશફિકુર રહીમને ડાબા ગ્રોઇનના ભાગમાં તીવ્ર દુખાવાની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ મેચ પૂર્ણ થયા પછી તેમનો MRI સ્કેન કરવામાં આવ્યો હતો. જેમાં પેલ્વિસના હાડકાની આસપાસ સોજો અને બળતરા જોવા મળી હતી. આ કારણે મેડિકલ ટીમે તેમને હાલ આરામ કરવાની અને રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થવાની સલાહ આપી છે. બાંગ્લાદેશની નેશનલ ટીમના ફિઝિયો બૈજેદુલ ઇસ્લામ ખાને મુશફિકુરની ઈજા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન મુશફિકુરે ડાબા ગ્રોઇનના ભાગમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી હતી. ટેસ્ટ બાદ તેમનો MRI સ્કેન કરાવવામાં આવ્યો હતો, જેમાં પેલ્વિસના હાડકાની આસપાસ સોજો અને બળતરાની પુષ્ટિ થઈ હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ઈજાને ગંભીર બનતી અટકાવવા માટે મુશફિકુરને તાત્કાલિક આરામ અને વિશેષ રિહેબિલિટેશનની જરૂર છે. આ જ કારણોસર તેઓ બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે, મુશફિકુર રહીમ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બાંગ્લાદેશી બેટ્સમેન છે. તેમણે 108 ટેસ્ટ મેચની 199 ઇનિંગ્સમાં 7,062 રન બનાવ્યા છે. જેમાં 14 સદી અને 30 અડધી સદીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :94 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પહેલીવાર વિદેશી ધરતી પર ભારતે રચ્યો નવો ઇતિહાસ
ટીમમાં રિપ્લેસમેન્ટના વિકલ્પો પહેલેથી જ ઉપલબ્ધ
મુશફિકુર રહીમની જગ્યાએ મોહમ્મદ નઈમ અથવા જાકિર અલીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. આ બંને ખેલાડીઓ પહેલેથી જ ટીમનો હિસ્સો છે. મોહમ્મદ નઈમને શરૂઆતમાં ઓપનિંગ બેટ્સમેનના વિકલ્પ તરીકે ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા. જોકે, પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ માટે તેમના કરતાં નવા ખેલાડી મહફિઝુલ ઇસ્લામને પ્રાથમિકતા આપવામાં આવી હતી. બીજી તરફ, જોહાનિસબર્ગમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન મોમિનુલ હકના કન્કશન સબ્સ્ટિટ્યૂટ તરીકે જાકિર અલી પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થયા હતા. હવે બીજી ટેસ્ટમાં તેમને તક મળી શકે છે.
પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશનો 9 વિકેટે પરાજય
દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 23 નવેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. મહેમાન ટીમ માટે આ મુકાબલો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે પ્રથમ ટેસ્ટમાં વાન્ડરર્સના મેદાન પર બાંગ્લાદેશને 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બાંગ્લાદેશની નજર બીજી ટેસ્ટમાં વાપસી કરીને સિરીઝ 1-1થી બરાબર કરવા પર રહેશે. જોકે, મુશફિકુર રહીમ જેવા અનુભવી બેટ્સમેનની ગેરહાજરીમાં દક્ષિણ આફ્રિકાના મજબૂત બોલિંગ આક્રમણનો સામનો કરવો ટીમ માટે મોટો પડકાર બની શકે છે.












