સ્પોર્ટ્સ

સૂર્યકુમાર યાદવની વાપસી મુશ્કેલ: ઘરેલુ ક્રિકેટમાં તોફાની ફોર્મ છતાં BCCI ની પસંદગી યોજનામાં નથી સ્થાન

Suryakumar Yadav Team India Comeback: પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમને T20 વર્લ્ડ કપનો ખિતાબ અપાવનાર સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલમાં રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. જોકે, વર્તમાન સ્થિતિ જોતા તેનો ટીમ ઇન્ડિયામાં વાપસીનો માર્ગ અત્યંત મુશ્કેલ લાગી રહ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના એક સૂત્રએ સ્પષ્ટ કર્યું છે કે સૂર્યકુમાર યાદવ હાલમાં પસંદગીકારોની યોજનામાં સામેલ નથી. સ્થાનિક ક્રિકેટમાં સતત શાનદાર અને આક્રમક પ્રદર્શન કરવા છતાં તેને હાલ પૂરતી ભારતીય ટીમમાં જગ્યા મળી રહી નથી.

“યશસ્વી જયસ્વાલ માટે જગ્યા નથી તો સૂર્યકુમારને ક્યાં ફિટ કરીએ?”

સૂર્યકુમારની વાપસી અંગે BCCI ના એક સૂત્રને ટાંકીને અહેવાલોમાં જણાવાયું છે કે તે હાલમાં પસંદગી યોજનાનો ભાગ નથી અને વ્હાઇટ-બોલ ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડી માટે પણ હજુ સુધી સ્થાન શોધી શકાયું નથી. સૂત્રએ કહ્યું કે સૂર્યકુમાર લિસ્ટ A ક્રિકેટમાં મહેનત કરી રહ્યો છે અને સારું રમી રહ્યો છે, પરંતુ વર્તમાન ભારતીય ટીમમાં તેને ક્યાં ફિટ કરવો તે મોટો પ્રશ્ન છે, કારણ કે હાલ કોઈ જગ્યા ખાલી નથી અને તેને ટીમમાં લેવાનું વિચારવામાં આવી રહ્યું નથી.

2026 નો T20 વર્લ્ડ કપ અને IPL પછી બદલાયેલું સમીકરણ

સૂર્યકુમાર યાદવે વર્ષ 2026 ના T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું અને ટીમને સતત બીજા T20 વર્લ્ડ કપ ટાઇટલ અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. જોકે, IPL પૂર્ણ થયા બાદ તેને T20 આંતરરાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તેના સ્થાને શ્રેયસ અય્યરને જવાબદારી સોંપવામાં આવી હતી. આ ફેરફાર બાદ સૂર્યકુમાર માટે આંતરરાષ્ટ્રીય ટીમમાં પરત ફરવું વધુ કપરૂં બન્યું છે.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૂર્યકુમારનો વિસ્ફોટક અંદાજ

રાષ્ટ્રીય ટીમમાંથી બહાર હોવા છતાં સૂર્યકુમાર યાદવ 2026-27 ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈની કેપ્ટનશીપ કરતો શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ગત 14 નવેમ્બરના રોજ હૈદરાબાદ સામે તેણે માત્ર 21 બોલમાં અણનમ 60 રન ફટકાર્યા હતા, જેમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા તથા 15 બોલમાં ફિફ્ટી પૂરી કરીને મુંબઈને 7 વિકેટે 173 રનનો લક્ષ્યાંક પાર કરાવ્યો હતો. ત્યારબાદ ગુજરાત સામે તેણે માત્ર 29 બોલમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા હતા, જેનાથી મુંબઈએ 15.4 ઓવરમાં 5 વિકેટે 199 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સતત સારા પ્રદર્શન છતાં પસંદગીકારોનું મૌન

ગોવા સામેની ત્રીજી મેચમાં પણ સૂર્યકુમારે આક્રમક બેટિંગ કરતા 12 બોલમાં 3 છગ્ગા સાથે 25 રન બનાવ્યા હતા અને મુંબઈએ 18 રનથી મેચ જીતી લીધી હતી. ઘરેલુ ક્રિકેટમાં સતત પ્રભાવશાળી ઇનિંગ્સ રમવા છતાં BCCI સૂત્રના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પસંદગીકારો હાલ ભારતીય ટીમમાં તેની વાપસી અંગે કોઈ વિચાર કરી રહ્યા નથી.

આ પણ વાંચો: ‘એક મેચ રમાડો છો, પાંચમાં બેસાડો છો… આ તદ્દન ખોટું છે!’ વૈભવ સૂર્યવંશી સાથે થઈ રહેલા વર્તન પર દિગ્ગજનો ગુસ્સો ફાટી નીકળ્યો

Back to top button