ટ્રેન્ડિંગ

KYC અને લાઇફ સર્ટિફિકેટના નામે ઠગાઈ, WhatsApp APK કૌભાંડનો પર્દાફાશ

Delhi : દિલ્હી પોલીસની સાયબર ટીમે દેશભરમાં લોકોને નિશાન બનાવીને સાયબર છેતરપિંડી કરતા એક મોટા આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પાંચ દિવસ સુધી ચાલેલા મેગા ઓપરેશનમાં 22 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ ઝારખંડના જામતાડામાંથી પોતાનું નેટવર્ક ચલાવતું હતું. તેના તાર ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓએ અત્યાર સુધીમાં દેશભરના 22,139 લોકોને નિશાન બનાવીને 20 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર નોંધાયેલી 2,080 ફરિયાદોનો સીધો સંબંધ આ આરોપીઓ સાથે હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર ઓપરેશન માટે દિલ્હી પોલીસે સાત વિશેષ ટીમો બનાવી હતી, જેમાં 64 પોલીસકર્મીઓ સામેલ હતા. પોલીસની ટીમોએ 11થી 15 નવેમ્બર દરમિયાન ચાર રાજ્યોમાં 17થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જામતાડા ઉપરાંત દેવઘર, ગિરિડીહ, નવાદા, જમુઈ, આસનસોલ, કોલકાતા અને ગોરખપુરમાં પણ આરોપીઓની શોધખોળ કરવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

APK ફાઇલ ડાઉનલોડ કરાવતા જ ખાલી થઈ જતું હતું બેંક એકાઉન્ટ

પોલીસને છેલ્લા કેટલાક મહિનાઓમાં સાયબર છેતરપિંડી અને બેંક એકાઉન્ટ હેક થવાની 1,000થી વધુ ફરિયાદો મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઠગ લોકોના મોબાઇલમાં APK ફાઇલ ડાઉનલોડ કરાવી તેમના બેંક એકાઉન્ટ સુધી પહોંચ મેળવી લેતા હતા. ત્યારબાદ પોલીસે 20થી વધુ ઈ-એફઆઈઆર અને NCRP પર મળેલી ફરિયાદોનું વિશ્લેષણ કર્યું હતું. તપાસમાં 32 શંકાસ્પદ APK ફાઇલો મળી આવી હતી. તેમની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાતી 56 ટેલિગ્રામ પ્રોફાઇલની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે ગેંગના સભ્યો પોતાને બેંક અધિકારી ગણાવી લોકોને WhatsApp પર મેસેજ મોકલતા હતા. ખાસ કરીને વૃદ્ધોને લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા, KYC અપડેટ કરવા, ક્રેડિટ કાર્ડ મેળવવા, ક્રેડિટ લિમિટ વધારવા અને વીજળી-ગેસના બિલ અપડેટ કરવાના નામે ફસાવવામાં આવતા હતા.

ત્યારબાદ તેમને એક APK ફાઇલ મોકલવામાં આવતી હતી અને કહેવામાં આવતું હતું કે આ ફાઇલ ડાઉનલોડ કરવાથી તેમનું કામ પૂર્ણ થઈ જશે. જેવી કોઈ વ્યક્તિ આ ફાઇલ ડાઉનલોડ કરીને જરૂરી પરવાનગીઓ આપતી કે તરત જ તેના મોબાઇલનો સંવેદનશીલ ડેટા ઠગો સુધી પહોંચી જતો હતો.

ત્રણ સ્તરે કામ કરતું હતું સાયબર ઠગોનું નેટવર્ક

આ APK ફાઇલની મદદથી આરોપીઓ બેંકિંગની માહિતી, મેસેજ, OTP, કોલ અને ફોટો ગેલેરી સુધી પહોંચ મેળવી લેતા હતા. ત્યારબાદ પીડિતના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવતા હતા અને ક્રેડિટ કાર્ડની લિમિટનો ઉપયોગ કરીને ખરીદી કરવામાં આવતી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ ત્રણ સ્તરે કામ કરતું હતું. સૌથી પહેલાં APK ફાઇલ બનાવનારા ડેવલપર્સ એક ખાસ પેનલ તૈયાર કરતા હતા. આ પેનલની મદદથી અલગ-અલગ બેંકો અને સરકારી યોજનાઓના નામે નકલી APK ફાઇલો બનાવવામાં આવતી હતી.

ત્યારબાદ આ પેનલનો એક્સેસ અન્ય લોકોને એટલે કે ડિસ્ટ્રિબ્યુટર્સને આપવામાં આવતો હતો. આ લોકો આગળ સબ-ડિસ્ટ્રિબ્યુટર્સ બનાવતા હતા અને તેમને અલગ-અલગ યુઝર આઈડી તથા પાસવર્ડ આપવામાં આવતા હતા. તેના બદલામાં તેમની પાસેથી દર મહિને ભાડું વસૂલવામાં આવતું હતું. સબ-ડિસ્ટ્રિબ્યુટર્સ પોતાની જરૂરિયાત પ્રમાણે અલગ-અલગ નામ અને ડિઝાઇનવાળી APK ફાઇલો તૈયાર કરાવતા હતા. ત્યારબાદ આ ફાઇલો સાયબર ઠગો સુધી પહોંચાડવામાં આવતી હતી, જેનો ઉપયોગ કરીને તેઓ લોકોને પોતાનો શિકાર બનાવતા હતા.

દેશભરમાં 22,139 લોકોને બનાવ્યા નિશાન

પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગે દેશભરમાં 22,139 લોકોને નિશાન બનાવ્યા હતા. NCRP પોર્ટલ પર નોંધાયેલી 2,080 ફરિયાદોનો સીધો સંબંધ ધરપકડ કરાયેલા આરોપીઓ સાથે જોડાયેલો હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન 1,300થી વધુ APK ફાઇલ સંબંધિત ફરિયાદોની પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસે 32 ખતરનાક APK ફાઇલોની ફોરેન્સિક તપાસ કરાવી હતી.

ગેંગના સભ્યો છેતરપિંડીથી મેળવેલી રકમનો ઉપયોગ ઓનલાઈન શોપિંગ અને અન્ય ખરીદી માટે કરતા હતા. આ માટે ફ્લિપકાર્ટ મિનિટ્સ, સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને બિગ બાસ્કેટ જેવા પ્લેટફોર્મ પરથી સામાન મંગાવવામાં આવતો હતો. મોબાઇલ ફોન, ચાંદીના સિક્કા અને ગિફ્ટ કૂપન પણ ખરીદવામાં આવતા હતા. દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી 63 મોબાઇલ ફોન, બે લેપટોપ, બે મેકબુક અને એક ટેબ્લેટ જપ્ત કર્યા છે. આ ઉપકરણોમાંથી છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાતી APK પેનલ અને અન્ય ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. પોલીસ હવે આ પુરાવાઓની તપાસ કરીને ગેંગ સાથે જોડાયેલા અન્ય લોકો અને તેમના નેટવર્કની માહિતી મેળવી રહી છે.

આ પણ વાંચો:અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને પોલીસનું જાહેરનામું

પોલીસને મળી મોટી સફળતા

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનની અસર પણ જોવા મળી રહી છે. દિલ્હીમાં APK ફાઇલ દ્વારા થતી સાયબર છેતરપિંડીની ફરિયાદોમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. 2થી 10 નવેમ્બર દરમિયાન આ પ્રકારની 1,406 ફરિયાદો મળી હતી, જ્યારે 11થી 17 નવેમ્બર દરમિયાન આ સંખ્યા ઘટીને 724 થઈ ગઈ હતી. પોલીસ આ ઘટાડાને પોતાના ઓપરેશનની મોટી સફળતા માની રહી છે. આરોપીઓ વિરુદ્ધ સાયબર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે ઈ-એફઆઈઆરના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ નેટવર્ક સાથે દેશના અન્ય રાજ્યોમાં કેટલા લોકો જોડાયેલા છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો:PM મોદીએ CM યોગીને ફોન કરી માતાના નિધન પર વ્યક્ત કર્યો શોક

Back to top button