અમદાવાદ સાયબર ક્રાઈમે સ્પુફિંગ ગેંગના નેટવર્કનો કર્યો પર્દાફાશ
Ahmedabad : અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટેકનોલોજીનો દુરુપયોગ કરી કોર્પોરેટ કંપનીઓને નિશાન બનાવતી આંતરરાજ્ય ‘ઈ-મેઈલ સ્પુફિંગ’ ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. ‘માયા એગ્રોવેટ લિમિટેડ’ નામની કંપની સાથે ₹6.55 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરનાર ટોળકીના 4 સભ્યોને પોલીસે મુંબઈથી દબોચી લીધા છે. આરોપીઓએ કંપનીના વ્યાપારિક ઈ-મેઈલ સંવાદમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને યસ બેંકના બનાવટી લેટરહેડ અને નકલી સહી-સિક્કાના આધારે આ ઠગાઈને અંજામ આપ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બનાવટી બેંક લેટરપેડ અને નકલી સહી-સિક્કાથી કેળવ્યો વિશ્વાસ
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, સાયબર ગઠિયાઓએ ઈ-મેઈલ સ્પુફિંગ ટેકનિક દ્વારા કંપનીના પેમેન્ટ સંબંધિત ઈ-મેઈલ વ્યવહારને હેક કરીને તેમાં પગપેસારો કર્યો હતો. ત્યારબાદ કંપનીનો વિશ્વાસ જીતવા માટે યસ બેંકના નામનો બનાવટી લેટરપેડ તૈયાર કરી, તેમાં નકલી સહી-સિક્કા અને ખોટી બેંક એકાઉન્ટ વિગતો મોકલી આપી હતી. આ બનાવટી દસ્તાવેજોના આધારે ગેંગે કંપની પાસેથી ₹6.55 લાખની રકમ પોતાના મળતિયાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.
ટેકનિકલ એનાલિસિસના આધારે મુંબઈમાં ઓપરેશન, કમીશન પર ખાતા પૂરા પાડતા
છેતરપિંડી અંગે ફરિયાદ મળતા જ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. નાણાકીય વ્યવહારોના પગેરું દબાવતા પોલીસની ટીમ મુંબઈ પહોંચી હતી અને ત્યાંથી 4 આરોપીઓની ધરપકડ કરી હતી. પૂછપરછમાં ખુલ્યું છે કે આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે બેંક એકાઉન્ટ્સ (મ્યુલ એકાઉન્ટ) પૂરા પાડતા હતા અને રકમ ઉપાડીને મુખ્ય સૂત્રધારોને પહોંચાડવાના બદલામાં તગડું કમીશન મેળવતા હતા.
આ પણ વાંચો :94 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પહેલીવાર વિદેશી ધરતી પર ભારતે રચ્યો નવો ઇતિહાસ
ગેંગના મુખ્ય સૂત્રધારો અને અન્ય કૌભાંડોની તપાસ તેજ
હાલ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવીને આંતરરાજ્ય સાયબર નેટવર્કના મુખ્ય સૂત્રધારો અને અન્ય ફરાર સાગરિતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ડિજિટલ પુરાવા અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે આ ગેંગે દેશભરમાં અન્ય કેટલી કંપનીઓને આ રીતે ચૂનો લગાવ્યો છે તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.












