મુંબઈ: એક બે નહીં પણ 24 મૂંગી-બહેરી મહિલાઓનું યૌન શોષણ, 16 વર્ષ બાદ સીરીયલ રેપિસ્ટની ધરપકડ

મુંબઈમાં માનવતાને શર્મસાર કરે તેવી ઘટના બની છે. પોલીસે એક સીરીયલ રેપિસ્ટની ધરપકડ કરી છે, જેણે બહેરી અને મૂંગી મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવી હતી. 16 વર્ષ જૂના બળાત્કારના કેસ પર કાર્યવાહી કરતા, આરોપીએ એક બે નહીં, પરંતુ 24 બહેરી અને મૂંગી મહિલાઓ પર યૌન શોષણ કર્યાની કબૂલાત કરી હતી. આરોપીનું નામ મહેશ પવાર છે, અને તેની 13 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.
2009 માં થયો હતો રેપ
પોલીસના જણાવ્યા મુજબ, બળાત્કારનો ભોગ બનેલી યુવતી ન તો બોલી શકે છે કે ન સાંભળી શકે છે. પરંતુ, જાતીય શોષણથી કંટાળીને, તેણે પોતાનું મૌન તોડ્યું અને આરોપીઓ વિરુદ્ધ જુબાની આપી. પીડિતા પર 2009 માં બળાત્કાર થયો હતો, અને તેણીએ વોટ્સએપ વિડીયો કોલ પર સાંકેતિક ભાષામાં ઘટનાની વિગતો તેના મિત્રો સાથે શેર કરી હતી. તેણીએ તેના મિત્રોને ખુલાસો કરતા કહ્યું કે, જ્યારે તેની સાથે આ ઘટના બની હતી, ત્યારે તે સગીર હતી.
ડ્રીંક પીવડાવીને શોષણ કર્યું
પીડિતાએ જણાવ્યું કે તેની એક દોસ્ત તેને મુંબઈ ફરાવવાના બહાને તેની સાથે લઈ ગઈ હતી. ત્યાં આરોપીએ તેના ડ્રીંકમાં નશીલો પદાર્થ ભેળવી દીધો અને ત્યારબાદ તેની પર જાતીય હુમલો કર્યો. ડરના કારણે વખતે તે ચૂપ રહી. પરંતુ, હાલમાં જ તેને ખબર પડી કે તે જ વ્યક્તિ તેની દોસ્તનું પણ જાતીય શોષણ કરી રહ્યો હતો, અને તેની હરકતોથી કંટાળીને તેની દોસ્તે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ પીડિતાને હચમચાવી નાખી. તેણીએ ચૂપ ન રહેવાનુ નક્કી કર્યું અને તેના મિત્રોને આખી ઘટના કહી.
ઘણી મહિલાઓ ભોગ બની
પોલીસે જણાવ્યું કે, પીડિતાની જુબાનીના આધારે, તેમણે કેસ નોંધ્યો અને આરોપીની ધરપકડ કરી. પીડિતાની દોસ્તને પણ તપાસમાં સામેલ કરવામાં આવી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું. પીડિતાઓએ જણાવ્યું કે આરોપીએ ઘણી મહિલાઓ પર જાતીય શોષણ કર્યુ અને આવુ તે ઘણા વર્ષોથી કરતો આવે છે. તે મહિલાઓના અશ્લીલ વીડિયો બનાવીને, તેમને બ્લેકમેલ કરીને તેમની પાસેથી પૈસા અને કિંમતી વસ્તુઓ પણ લૂંટી લેતો હતો. તેમની જુબાનીના આધારે, આરોપીની ઓળખ કરવામાં આવી અને ધરપકડ કરવામાં આવી.
આ પણ વાંચો: “રશિયા ભણવા ગયો હતો, યુદ્ધમાં મોકલી દીધો…”, મોરબીના યુવકે સંભળાવી આપવીતી, વીડિયો વાયરલ












