મુંબઈ: ગર્ભવતી બાંગ્લાદેશી કેદી હોસ્પિટલમાંથી ફરાર થતાં પોલીસ દોડતી થઈ

મુંબઈ, તા. 16 ઓગસ્ટ, 2025: મુંબઈની જે.જે. હોસ્પિટલમાંથી એક ગર્ભવતી બાંગ્લાદેશી કેદી પોલીસને ચકમો આપીને ભાગી ગઈ હતી. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો અને કેદીઓની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા હતા.
કેવી રીતે ભાગી?
અહેવાલ મુજબ, 25 વર્ષીય રુબીના ઇર્શાદ શેખ નામની આ મહિલા કેદીને ગુરુવારે બપોરે હોસ્પિટલમાં તપાસ માટે લાવવામાં આવી હતી. 11 ઓગસ્ટે તેને તાવ, શરદી, ચામડીના ચેપ અને પાંચ મહિનાની ગર્ભાવસ્થા સંબંધિત મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લાવવામાં આવી હતી. 14 ઓગસ્ટે બપોરે, તેણે સાથે રહેલા પોલીસ કોન્સ્ટેબલને ધક્કો માર્યો અને હોસ્પિટલમાં લોકોની ભીડનો ફાયદો ઉઠાવીને ભાગી ગઈ.
કેદીનો ગુનો શું હતો?
રુબીનાને 7 ઓગસ્ટે વાશી પોલીસે નકલી જન્મ પ્રમાણપત્રના આધારે ભારતીય પાસપોર્ટ મેળવવાના આરોપમાં પકડી હતી. તેના પર ભારતીય દંડ સંહિતા (IPC), પાસપોર્ટ અધિનિયમ અને વિદેશી અધિનિયમ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા અને તેને ભાયખલા મહિલા જેલમાં મોકલવામાં આવી હતી.
હાલમાં, મુંબઈ પોલીસે રુબીનાને પકડવા માટે શહેરભરમાં શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ જેલમાંથી હોસ્પિટલ લાવવામાં આવતા કેદીઓની સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતા પર મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતી કલા જગત ઉપર આભ ફાટ્યું, મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં ચારનાં મૃત્યુ, સાત ઘાયલ












