ટ્રેન્ડિંગનેશનલ

ખાતરની બદલે ખેડૂતની દીકરીને મળ્યા ‘થપ્પડ’, વીડિયો વાઈરલ થતા તંત્ર એક્શન મોડમાં, વિપક્ષના આકરા પ્રહાર

મધ્ય પ્રદેશ: 4 ડિસેમ્બર, 2025: મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં યુરિયા ખાતર વિતરણ દરમિયાન એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં મહિલા નાયબ મામલતદાર મહિલા ખેડૂતો સાથે ન માત્ર ગેરવર્તણૂક કરી, પરંતુ કથિત રીતે તેમના વાળ પકડીને ખેંચ્યા અને માર પણ માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ નાયબ મામલતદાર ઋતુ સિંઘઈને કારણ જણાવો નોટિસ (Show Cause Notice) જાહેર કરવામાં આવી છે. આ ઘટનાને પગલે મહિલા અને પુરૂષ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ભીડને નિયંત્રિત કરવા દરમિયાન બની ઘટના

આ ઘટના છતરપુરના સટઈ રોડ સ્થિત કૃષિ ઉપજ મંડીની છે. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો કે, બુધવારે (3 ડિસેમ્બર) બપોરે લગભગ 1 વાગ્યે 1500થી વધુ ખેડૂતો ખાતર ખરીદવા માટે કૃષિ મંડી પહોંચ્યા હતા, જ્યાં યુરિયાની અછત અને લાંબી લાઇનોના કારણે અફરાતફરી મચી ગઈ હતી.

ખેડૂતનો આરોપ

ખેડૂતોએ આરોપ લગાવ્યો કે, વહીવટી તંત્રએ પુરૂષો અને મહિલાઓ માટે અલગ-અલગ લાઇન બનાવી હતી. પરંતુ, જ્યારે એક ખેડૂતની દીકરીએ ટોકન માંગ્યું, તો નાયબ મામલતદાર સિંઘઈએ પહેલા ના પાડી અને પછી તેને થપ્પડ માર્યો.

પીડિતાએ જણાવ્યું કે, તે સવારે 9 વાગ્યાથી લાઇનમાં ઊભી હતી અને પોતાના માતા-પિતાની મદદ કરવા માટે પોતાનો અભ્યાસ છોડીને આવી હતી, કારણ કે તેમને બે મહિનાથી ખાતર મળ્યું નહોતું.

ખેડૂતોનો રોડ જામ કરીને વિરોધ

ખેડૂતોએ બુધવારે (3 ડિસેમ્બર) રસ્તો જામ કરીને પ્રદર્શન કર્યું હતું. તેમનો આરોપ હતો કે, ખાતરના 15 ટ્રક ‘બ્લેક માર્કેટ’ માં વેચાઈ રહ્યા છે.

નાયબ મામલતદારનો ઇનકાર

જોકે, નાયબ મામલતદાર સિંઘઈએ કોઈને થપ્પડ મારવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે, કેટલીક મહિલાઓ પુરૂષોની લાઇનમાં ઘૂસી ગઈ હતી, તેમના કોલર ખેંચ્યા અને અફરાતફરી મચાવી દીધી. તેમણે પત્રકારોના મોબાઈલ ફોન છીનવી લેવાના આરોપોને પણ ખોટા ગણાવ્યા અને દાવો કર્યો કે, તેમણે ભીડને નિયંત્રિત કરવા માટે ફક્ત હળવો ધક્કો માર્યો હતો.

કલેક્ટરે નોટિસ પાઠવી

કલેક્ટર દ્વારા નોટિસ જાહેર કરાયા બાદ નાયબ મામલતદાર બીમાર હોવાનું સામે આવ્યું છે અને તેમને જિલ્લા હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. કલેક્ટર જયસ્વાલે મધ્ય પ્રદેશ સિવિલ સર્વિસ (કન્ડક્ટ) રૂલ્સ 1965ના ઉલ્લંઘનનો હવાલો આપીને સિંઘઈ પાસેથી 24 કલાકની અંદર જવાબ માંગ્યો છે અને જવાબ ન આપવા પર કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.

વિપક્ષના આકરા પ્રહાર

મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ઉમંગ સિંઘારે સવાલ ઉઠાવ્યો કે, “મધ્ય પ્રદેશમાં જો ખેડૂત ખાતર માંગે, તો તંત્ર તેમને થપ્પડ મારે છે. શું રાજ્યમાં ખાતર માંગવું ગુનો બની ગયો છે? મુખ્યમંત્રીએ આ ઘટનાની તાત્કાલિક નોંધ લેવી જોઈએ અને સંબંધિત અધિકારી વિરૂદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવી જોઈએ.”

આ પણ વાંચોઃ હવે નેપાળમાં લઈ જવાશે 200-500ની ભારતીય ચલણી નોટ, RBIએ દૂર કર્યો પ્રતિબંધ

આ પણ વાંચોઃ પુતિનની ગુપ્ત સુરક્ષા: મોબાઇલ, ફૂડ, લેબથી લઈને પોપ સુટકેસ સુધી, વિશ્વની સૌથી વિચિત્ર અને કડક સુરક્ષા

Back to top button