પુણેમાં કાળજું કંપાવતી ઘટના: કળિયુગી માતાએ 11 વર્ષની કરી હત્યા, પુત્રી પર પણ કર્યો હુમલો

મહારાષ્ટ્રઃ 27 જાન્યુઆરી, 2026: કહેવાય છે કે આ દુનિયામાં જો કોઈ બાળકોને સૌથી વધુ પ્રેમ કરે છે, તો તે માતા છે. પરંતુ મહારાષ્ટ્રના પુણેમાં એક માતાએ મમતાને લાંછન લગાડતી એવી ઘટનાને અંજામ આપ્યો છે કે સાંભળનાર દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ ગઈ છે. પુણેના વાઘોલી વિસ્તારમાં એક મહિલાએ પોતાના જ 11 વર્ષના નિર્દોષ પુત્રની ગળું રેતીને નિર્મમ હત્યા કરી નાખી છે.
સોસાયટીમાં મચ્યો હાહાકાર
આ ઘટના મંગળવારે સવારે વાઘોલી વિસ્તારની એક હાઉસિંગ સોસાયટીમાં બની હતી. જ્યારે સોસાયટીના લોકો પોતાની રોજિંદી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક ચીસાચીસ સંભળાઈ હતી. કોઈને અંદાજ પણ નહોતો કે એક માતા પોતાના બાળક સાથે આટલું ભયાનક પગલું ભરી શકે છે. લોહીલુહાણ હાલતમાં બાળકને જોઈને પડોશીઓના હોશ ઉડી ગયા હતા.
પુત્રની હત્યા બાદ પુત્રી પર હુમલો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાએ કોઈ ધારદાર હથિયાર વડે પુત્ર પર હુમલો કર્યો હતો, જેના કારણે બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આટલેથી ન અટકતા, નરાધમ માતાએ પોતાની ૧૩ વર્ષની સગીર પુત્રી પર પણ જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકીની ચીસો સાંભળી પડોશીઓ સમયસર દોડી આવ્યા હતા અને વચ્ચે-બચાવ કરતા બાળકીનો જીવ બચી ગયો હતો.
પોલીસ કાર્યવાહી અને તપાસ
ઘટનાની જાણ થતા જ વાઘોલી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આરોપી મહિલાને કસ્ટડીમાં લઈ લીધી છે અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આરોપી માતા હાલ પોલીસ કસ્ટડીમાં છે. તેની 13 વર્ષની દીકરી જોખમની બહાર છે અને હાલ સુરક્ષિત છે. જોકે, મહિલાએ આવું પગલું કેમ ભર્યું તે વિશે તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યા પાછળ પારિવારિક વિવાદ, માનસિક તણાવ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.












