ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય: આગામી 48 કલાક અતિભારે વરસાદનું રેડ એલર્ટ

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની ઋતુ ફરી એકવાર સંપૂર્ણ મિજાજમાં આવી ગઈ છે. હવામાન ક્ષેત્રે મળતી તાજી માહિતી મુજબ હાલમાં એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી શક્યતા છે. વરસાદી આફતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ આદેશ સાથે સૂચના આપી દેવામાં આવી છે.
અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ તથા વાદળગર્જના સાથે વરસાદ વરસવાની આગાહી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના મહીસાગર, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને છોટાઉદેપુરમાં પણ વિરામ બાદ મેઘરાજા જોરદાર બેટિંગ કરશે. ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
બીજી તરફ આણંદ જિલ્લામાં એક સપ્તાહના લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર વાપસી કરી છે. ગઈકાલે મોડી રાત્રે ગાજવીજ સાથે શરૂ થયેલા તોફાની વરસાદના કારણે આણંદના નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અચાનક પડેલા આ વરસાદથી સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક રહીશો તથા ખેડૂતોમાં ભારે આનંદની લહેર જોવા મળી રહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી ૨૪ કલાકમાં રાજસ્થાનના સંલગ્ન વિસ્તારો, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેના પગલે નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે.
લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. પાકને પાણીની તાતી જરૂરિયાત વચ્ચે વરસેલા વરસાદથી ખેતીને ફાયદો થવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે. મેઘરાજાની પધરામણીથી પાટણ-સિદ્ધપુરમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે અને અન્નદાતાઓમાં પણ નવી આશા જાગી છે.
નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે વરસાદી હવામાન દરમિયાન સાવચેતી રાખે અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરે.
આ પણ વાંચો:











