ટ્રેન્ડિંગનેશનલ

હવે કેરળ ઓળખાશે ‘કેરલમ’ તરીકે: મોદી કેબિનેટે આપી મંજૂરી, જાણો શું છે બંધારણની કલમ 3 અને નામ બદલવાની પ્રક્રિયા

નવી દિલ્હીઃ 24 ફેબ્રુઆરી, 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા કાર્યાલય ‘સેવાતીર્થ’ ખાતે મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં કેરળને લઈને એક ઐતિહાસિક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે કેરળ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા આ એક મોટું પગલું માનવામાં આવે છે.

કેમ બદલવામાં આવી રહ્યું છે નામ?

1 નવેમ્બર 1956ના રોજ ભાષાના આધારે કેરળની રચના થઈ હતી. મલયાલમ ભાષામાં રાજ્યને ‘કેરલમ’ જ કહેવામાં આવે છે. કેરળ વિધાનસભાએ જૂન 2024માં સર્વાનુમતે પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્રને વિનંતી કરી હતી કે બંધારણની 8મી અનુસૂચિની તમામ ભાષાઓમાં રાજ્યનું નામ ‘કેરલમ’ કરવામાં આવે.

શું છે બંધારણની કલમ 3 (Article 3)?

* ભારતીય બંધારણની કલમ 3 સંસદને વિશેષ સત્તા આપે છે.
* કોઈપણ રાજ્યની સીમા કે વિસ્તારમાં ફેરફાર કરવો.
* નવા રાજ્યની રચના કરવી.
* કોઈપણ રાજ્યનું નામ બદલવું.

આ કલમ હેઠળ કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિની મંજૂરી સાથે સંસદમાં બિલ લાવી શકે છે.

નામ બદલવાની સંપૂર્ણ પ્રક્રિયા

રાજ્યનું નામ બદલવા માટે લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે:

1. કેબિનેટ મંજૂરી: સૌપ્રથમ કેન્દ્રીય કેબિનેટ પ્રસ્તાવને મંજૂરી આપે છે (જે મંગળવારે અપાઈ ગઈ છે).
2. રાષ્ટ્રપતિની ભલામણ: રાષ્ટ્રપતિ ‘કેરળ (નામ પરિવર્તન) બિલ, 2026’ ને કેરળ વિધાનસભામાં અભિપ્રાય માટે મોકલશે.
3. સંસદમાં મતદાન: રાજ્યનો અભિપ્રાય મળ્યા બાદ બિલ લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરાશે. તેને પસાર કરવા માટે સાદી બહુમતી (50% થી વધુ) પૂરતી છે.
4. બંધારણીય સુધારો: બંને ગૃહોમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે બંધારણની પ્રથમ અનુસૂચિમાં સુધારો કરવામાં આવશે અને સત્તાવાર રીતે ‘કેરળ’ નું નામ ‘કેરલમ’ થઈ જશે.

Back to top button