ટ્રેન્ડિંગનેશનલ

માઈક્રોસોફ્ટનો માસ્ટર પ્લાન: ભારત સહિત ગ્લોબલ સાઉથમાં AI પર 4 લાખ કરોડનું કરશે રોકાણ

નવી દિલ્હીઃ 20 ફેબ્રુઆરી, 2026: ભારતમાં ચાલી રહેલી AI Impact Summit 2026 દરમિયાન ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. કંપનીએ સંકલ્પ કર્યો છે કે તે આ દાયકાના અંત સુધીમાં એટલે કે 2030 સુધીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કીલ ડેવલપમેન્ટ પાછળ 50 અબજ ડોલર (આશરે ₹4 લાખ કરોડ) ખર્ચશે.

ગ્લોબલ સાઉથ પર વિશેષ ધ્યાન

માઈક્રોસોફ્ટના વાઈસ ચેરમેન અને પ્રેસિડેન્ટ બ્રેડ સ્મિથે સમિટમાં જણાવ્યું હતું કે, હાલમાં AIના ફાયદા દુનિયામાં સમાન રીતે વહેંચાયેલા નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, AI માત્ર અમુક દેશો કે મોટી કંપનીઓ પૂરતું સીમિત ન રહેવું જોઈએ. ગ્લોબલ સાઉથ (ભારત, આફ્રિકા અને લેટિન અમેરિકા) પાસે ટેલેન્ટ અને યુઝર્સ બંને છે, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. માઈક્રોસોફ્ટનો ઉદ્દેશ્ય સામાન્ય લોકો સુધી AI ટેકનોલોજી પહોંચાડવાનો છે.

ડેટા સેન્ટર અને શિક્ષણ પર ભાર

કંપનીનું મુખ્ય ફોકસ AI ડેટા સેન્ટર્સ, ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થાનિક સ્તરે AI સ્કીલિંગ પર રહેશે. આ યોજનામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ જોડવામાં આવશે, જેથી ભવિષ્યની પેઢી AI ટૂલ્સનો અસરકારક ઉપયોગ કરી શકે. ભારત હવે માઈક્રોસોફ્ટ માટે માત્ર માર્કેટ નથી, પરંતુ AI ગ્રોથનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.

ગૂગલ પણ મેદાનમાં: સુંદર પિચાઈની મોટી જાહેરાત

માત્ર માઈક્રોસોફ્ટ જ નહીં, પરંતુ ગૂગલ પણ ભારતમાં મોટું રોકાણ કરી રહ્યું છે. સુંદર પિચાઈએ આ સમિટ દરમિયાન જાહેરાત કરી છે કે ગૂગલ આગામી 5 વર્ષમાં ભારતમાં 15 અબજ ડોલરનું રોકાણ કરશે. આ રોકાણ મુખ્યત્વે ડેટા સેન્ટર્સ બનાવવા માટે કરવામાં આવશે, જે ભારતની ટેકનોલોજીકલ પ્રગતિમાં મદદરૂપ થશે.

ભારતની વિશાળ વસ્તી અને વધતો ડેટા વપરાશ અમેરિકન ટેક કંપનીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ રોકાણોથી ખેતી, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં મોટો બદલાવ આવવાની અપેક્ષા છે.

Back to top button