ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

શ્રીનગરમાં ભીષણ આગથી હાહાકાર! 3 માળની ઇમારત સહિત અનેક ઘરો આગની ઝપેટમાં, 2 લોકો દાઝ્યા

Massive fire in Srinagar: Srinagar ના રૈનાવારી વિસ્તારમાં ગુરુવાર રાત્રે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. કલવાલ મહોલ્લામાં લાગેલી આ આગમાં ઓછામાં ઓછા ચાર રહેણાંક મકાનોને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગ અને પોલીસની ટીમો તરત જ સ્થળ પર પહોંચી બચાવ અને આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગઈ હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર રાત્રે લગભગ 9:30 વાગ્યે Rainawari વિસ્તારથી આગ લાગવાની માહિતી મળી હતી. શરૂઆતમાં ફાયર સ્ટેશન રૈનાવારીની ટીમને મોકલવામાં આવી હતી, પરંતુ આગ ઝડપથી આસપાસના મકાનોમાં ફેલાઈ જતા વધારાની ટીમોને પણ બોલાવવામાં આવી હતી.

સ્થળ પર પહોંચેલી ટીમે જોયું કે ત્રણ માળની L-આકારની રહેણાંક ઇમારત સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી. તેની સાથે નજીકનું બીજું ત્રણ માળનું મકાન પણ આગથી પ્રભાવિત થયું હતું. ફાયર ફાઇટર્સે તાત્કાલિક કામગીરી શરૂ કરી આગને વધુ વિસ્તારોમાં ફેલાતી અટકાવવાનો પ્રયાસ કર્યો.

પોલીસ સ્ટેશન રૈનાવારી અને સ્થાનિક રહેવાસીઓના સહયોગથી આગને અન્ય મકાનો સુધી પહોંચતા અટકાવવામાં સફળતા મળી હતી. આ દરમિયાન એક લકવાગ્રસ્ત વૃદ્ધ વ્યક્તિને ફાયર ફાઇટર્સે સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.

આ ઘટનામાં એક ફાયર ફાઇટર અને એક સ્થાનિક નાગરિક દાઝી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને તપાસ શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ Reasi જિલ્લાના બટોહી વિસ્તારમાં ભારે વરસાદ બાદ અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નાળામાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો, જેના કારણે 7 થી 9 ઘરોને નુકસાન થયું છે. કેટલાક સ્થાનિકોએ ઉપરવાસમાં વાદળ ફાટ્યાની આશંકા પણ વ્યક્ત કરી છે, જોકે અધિકારીઓએ હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો : કુંભ રાશિમાં રાહુનું ગોચર, છ મહિના સુધી કરશે કમાલ, આ ત્રણ રાશિઓ પર થશે ધનવર્ષા

Back to top button