ગુજરાત

સુરતમાં સચિનના શુભમ કોમ્પ્લેક્સમાં કપડાંની દુકાનમાં ભીષણ આગ, શોર્ટ સર્કિટથી લાગેલ આગમાં 15 લાખનો માલ ખાખ

સુરત 1 માર્ચ 2026: શહેરના સચિન વિસ્તારમાં આવેલી એક તૈયાર કપડાંની દુકાનમાં આજે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અંદાજે ૧૫ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે. સચિનની સરસ્વતી સ્કૂલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્સમાં લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આર્થિક રીતે દુકાન માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ઘટનાની વિગતો મુજબ, શુભમ કોમ્પ્લેક્સમાં મનોજભાઈ નામની વ્યક્તિ ‘શ્રી સુનવાની ક્રિએશન’ નામની રેડીમેડ ગારમેન્ટની દુકાન ચલાવે છે. આજે સવારે આશરે ૧૧:૦૦ વાગ્યાના સુમારે જ્યારે કામકાજ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. કાપડનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આસપાસના દુકાનદારોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબૂ બહાર જતી રહી હતી. પ્રાથમિક તપાસમાં ઈલેક્ટ્રિક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આગની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સબ ફાયર ઓફિસર દીપક એમ. બારોટના જણાવ્યા અનુસાર, ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને કુલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં દુકાનમાં રહેલા સિલાઈ મશીનો, રો-મટીરીયલ અને તૈયાર ગારમેન્ટનો મોટો જથ્થો સંપૂર્ણપણે નાશ પામ્યો છે. મનોજભાઈએ માત્ર એક વર્ષ પહેલા જ આ વ્યવસાય શરૂ કર્યો હતો, ત્યારે આ ભીષણ આગથી તેમને મોટો આર્થિક ફટકો પડ્યો છે.

આ પણ વાંચો: બગસરામાં સનાતન ધર્મની જાગૃતિ અર્થે હિન્દુ સંમેલન યોજાયું: ભવ્ય શોભાયાત્રા અને ગાયત્રી યજ્ઞથી શહેર ભક્તિમય બન્યું

Back to top button