વડોદરા: માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપે સતીષ પટેલ પર લગાવ્યો દાવ

વડોદરા: શહેરમાં પૂર્વ ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલના નિધનથી ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપ હાઈકમાન્ડે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સતીષ ગોવિંદભાઈ પટેલના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
સતીષ પટેલ છાણી વિસ્તારના વતની છે અને વડોદરાના સ્થાનિક રાજકારણ તેમજ સહકારી ક્ષેત્રમાં જાણીતા ચહેરા તરીકે ઓળખાય છે. ભાજપના સંગઠનમાં છેલ્લા 32 વર્ષથી સક્રિય તેઓ અગાઉ કોર્પોરેશનની સૌથી મહત્વની સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી)ના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે.

તેઓ છાણી વિસ્તારમાં સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે અને ‘છાણી ધર્માદા ટ્રસ્ટ’ના મુખ્ય વહીવટકર્તા પણ છે. ટિકિટ મળતાની સાથે જ સતીષ પટેલે પાર્ટીનો આભાર માનતાં કહ્યું, “પાર્ટીએ હંમેશાં મારા પર વિશ્વાસ મૂક્યો છે. સ્વ. યોગેશ કાકાએ હાથમાં લીધેલા જનકલ્યાણના અધૂરા કામોને હું આગળ ધપાવીશ.”
‘બહારના ઉમેદવાર’નો મુદ્દો ચર્ચામાં રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ પસંદગીમાં શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોની સહિત વરિષ્ઠ નેતાઓની મહત્વની ભૂમિકા રહી છે. જો કે, સતીષ પટેલ માંજલપુર વિધાનસભા વિસ્તારના સ્થાનિક રહીશ ન હોવાથી ચૂંટણીમાં ‘બહારના ઉમેદવાર’ વિરુદ્ધનો મુદ્દો સામે આવી શકે છે. સ્થાનિક મતદારો તેમને કેટલી હદે સ્વીકારે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પસંદગી સાથે ભાજપે માંજલપુર પેટાચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી દીધી છે.
આ પણ વાંચો: VIDEO: અચાનક ટ્રેનની છત પર ચઢી ગયો શખ્સ, હાઈટેન્શન તારની ઝપટમાં આવતા ભડકો થયો












