‘રાષ્ટ્રપતિ ઊભા છે અને તમે…’ જૂની તસવીર બતાવીને CM મમતા બેનર્જીનો PM મોદી પર વળતો પ્રહાર

નવી દિલ્હીઃ 8 માર્ચ, 2026: Mamata Banerjee: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિના સન્માનને લઈને ચાલી રહેલા વિવાદ પર કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, દરેક ચૂંટણી વખતે તેમને અને તેમની સરકારને વિનાકારણ દોષી ઠેરવવામાં આવે છે. મમતા બેનર્જીએ જણાવ્યું, “અમને દોષ ન આપો. જ્યારે પણ ચૂંટણી આવે છે, ત્યારે અમને જ જવાબદાર ગણવામાં આવે છે.”
આયોજન સ્થળને લઈને પહેલેથી જ વ્યક્ત કર્યો હતો વાંધો
મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના જે કાર્યક્રમ અંગે વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે, તેના આયોજન સ્થળને લઈને તેમણે અગાઉ જ પત્ર લખીને વાંધો નોંધાવ્યો હતો અને ફેસબુક પર પણ આ અંગે માહિતી શેર કરી હતી, પરંતુ તેમની ચેતવણીને નજરઅંદાજ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે હવે આ મામલે બંગાળ સરકારને દોષ આપવામાં આવી રહ્યો છે, જ્યારે કે આ વિષય કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં આવતો હતો.
“હું લોકોના અધિકારો માટે ધરણા પર બેઠી છું”
રાષ્ટ્રપતિના સ્વાગત માટે ન પહોંચવા બદલ થઈ રહેલી ટીકાઓનો જવાબ આપતા મુખ્યમંત્રીએ કહ્યું, “હું અત્યારે ધરણા પર બેઠી છું અને લોકોના અધિકારો માટે સંઘર્ષ કરી રહી છું.” નોંધનીય છે કે તે બંગાળમાં SIR ના મુદ્દે કોલકાતામાં TMC ના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે.
🔴#BreakingNews | Bengal CM Mamata Banerjee responds to Prime Minister, shows photograph from 2024 LK Advani Bharat Ratna event, accuses PM Modi of disrespecting President Draupadi Murmu as PM was seen seated in the photo while President was conferring award to Mr Advani pic.twitter.com/woEhaaSTWX
— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) March 8, 2026
ફોટો બતાવી પીએમ મોદી પર સાધ્યું નિશાન
આ દરમિયાન મમતા બેનર્જીએ એક તસવીર બતાવીને સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો. આ તસવીરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઊભા રહીને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’થી સન્માનિત કરી રહ્યા છે, જ્યારે વડાપ્રધાન મોદી બાજુમાં બેઠેલા જોવા મળે છે. તસવીર બતાવતા મમતાએ કહ્યું કે, “આ ખાસ કરીને વડાપ્રધાન માટે છે. તમે દેશના રાષ્ટ્રપતિ અને એક આદિવાસી નેતાનું સન્માન નથી કરતા. અહીં રાષ્ટ્રપતિ ઊભા છે અને વડાપ્રધાન બેઠા છે. અમે રાષ્ટ્રપતિનું સન્માન કરીએ છીએ, પણ તેઓ (ભાજપ) સન્માન નથી આપતા.”
માતૃશક્તિના અપમાનના આરોપ પર વળતો જવાબ
પીએમ મોદીએ મમતા બેનર્જી પર પ્રોટોકોલ ન પાળવાનો અને મહિલા દિવસના દિવસે ‘માતૃશક્તિ’નું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં મમતાએ કહ્યું કે તેમની સરકાર મહિલાઓના સન્માન અને અધિકારો માટે હંમેશા પ્રતિબદ્ધ રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “કોઈને પણ એ કહેવાનો અધિકાર નથી કે મારે મહિલાઓનું સન્માન કેવી રીતે કરવું જોઈએ, કારણ કે હું બાળપણથી જ આ પરંપરા નિભાવતી આવી છું.”











