
Maharashtra Politics: મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (UBT)માં બળવાના સંકેતો વચ્ચે 6 સાંસદોની ગેરહાજરીએ રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે. એકનાથ શિંદેની શિવસેનાએ ‘ઓપરેશન ટાઈગર’ દ્વારા UBTના સાંસદોને NDAમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હોવાના દાવા થઈ રહ્યા છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથે તેનો જવાબ આપવા ‘ઓપરેશન વુલ્ફ’ની તૈયારી શરૂ કરી છે.
સંસદીય બેઠકમાં માત્ર 3 સાંસદ હાજર
શિવસેના (UBT)માં બળવાના અહેવાલો વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ પોતાના સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી હતી. જોકે, પાર્ટીના 9 સાંસદોમાંથી માત્ર અનિલ દેસાઈ, અરવિંદ સાવંત અને રાજાભાઉ વાજે જ બેઠકમાં હાજર રહ્યા હતા.
બીજી તરફ ઓમપ્રકાશ રાજે નિંબાલકર, સંજય દીના પાટીલ, સંજય જાધવ, સંજય દેશમુખ, નાગેશ પાટીલ આષ્ટીકર અને ભાઉસાહેબ વાકચૌરે બેઠકમાં હાજર રહ્યા નહોતા. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ સાંસદોએ NDAને સમર્થન આપ્યું હોઈ શકે છે.
6 ગેરહાજર સાંસદોને કારણદર્શક નોટિસ
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે જે સાંસદો બેઠકમાં આવ્યા છે તે પાર્ટી સાથે છે, જ્યારે ગેરહાજર રહેનારાઓએ પક્ષ પ્રત્યે વિશ્વાસઘાત કર્યો છે. બેઠકમાં 6 સાંસદોની ગેરહાજરી અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી અંગે વિચારણા થઈ રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પાર્ટી દ્વારા તમામ 6 સાંસદોને કારણદર્શક નોટિસ (Show Cause Notice) ફટકારવામાં આવી છે. સાથે જ શિંદે જૂથના ‘ઓપરેશન ટાઈગર’નો રાજકીય જવાબ આપવા માટે ‘ઓપરેશન વુલ્ફ’ શરૂ કરવાની પણ તૈયારી ચાલી રહી છે.
‘ઓપરેશન વુલ્ફ’ અંગે સંજય રાઉતનું નિવેદન
સંજય રાઉતે ‘ઓપરેશન વુલ્ફ’ અંગે પ્રતિકાત્મક ભાષામાં કહ્યું કે જો કોઈ વાઘની સર્જરી કરવી હોય તો તેને પહેલા બેભાન કરવો પડે. પરંતુ અમારો વાઘ હજુ વૃદ્ધ થયો નથી અને જંગલમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. તેમના આ નિવેદનને શિવસેના (UBT)માં ચાલી રહેલી આંતરિક અસંતોષ અને સાંસદોની નારાજગી સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
શું છે ‘ઓપરેશન ટાઈગર’?
શિવસેના (UBT)નો દાવો છે કે એકનાથ શિંદેની શિવસેનાએ ‘ઓપરેશન ટાઈગર’ ચલાવીને તેમના 6 સાંસદોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બાગી સાંસદોએ હસ્તાક્ષર કરેલું એક પત્ર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સોંપવામાં આવ્યું છે.
માહિતી મુજબ, આ સાંસદોએ તાજેતરમાં લોકસભા અધ્યક્ષ સાથે અનૌપચારિક મુલાકાત કરી હતી અને શિવસેના (UBT)ના 9માંથી 6 સાંસદોના સમર્થનનો દાવો કર્યો હતો. હવે તેઓ અલગ ગઠન તરીકે માન્યતા મેળવવા અથવા એકનાથ શિંદેની શિવસેનામાં વિલયની માંગ સાથે સત્તાવાર રજૂઆત કરી શકે છે.
આ સમગ્ર ઘટનાક્રમે મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા સમીકરણો ઊભા કર્યા છે અને આગામી દિવસોમાં શિવસેનાના બંને જૂથો વચ્ચેનો રાજકીય સંઘર્ષ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.
આ પણ વાંચો: વડોદરામાં 5 વર્ષની બાળકીનો અપહરણ બાદ નર્મદા કેનાલમાંથી મળ્યો મૃતદેહ, આરોપી ઝડપાયો












