મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત: ફુલ સ્પીડે જતી કાર ફંગોળાઈને વિરુદ્ધ દિશામાં આવતા વાહનોને કચડી નાખ્યા, 4 લોકોના મોત

થાણે 22 નવેમ્બર 2025: મહારાષ્ટ્રના થાણેથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે થાણે જિલ્લાના અંબરનાથમાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત અંબરનાથ પૂર્વ અને પશ્ચિમને જોડતા ફ્લાયઓવર પર થયો હતો.
શું છે આખો મામલો?
અંબરનાથમાં પશ્ચિમથી પૂર્વ તરફ જતી ટાટા નેક્સન કાર અચાનક કાબુ ગુમાવી બેઠી અને વિરુદ્ધ દિશામાંથી આવતી અનેક મોટરસાયકલ સાથે અથડાઈ ગઈ. ટક્કરની અસર એટલી ગંભીર હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. ડ્રાઈવરનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કાર ખૂબ જ ફુલ સ્પીડમાં હતી અને કાબુ ગુમાવ્યા બાદ સીધી વિરુદ્ધ લેનમાં ઘૂસી ગઈ, જેના કારણે આગળ આવી રહેલા મોટરસાયકલ સવારો કચડી ગયા. ટક્કરમાં એક મોટરસાયકલ સવાર ફ્લાયઓવર પરથી નીચે પટકાયો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
અકસ્માતમાં સામેલ ટાટા નેક્સન કાર અંબરનાથના શિવસેના નેતા પ્રમોદ ચૌબેના નામે નોંધાયેલી છે. અકસ્માત સમયે તેમની પત્ની સુમન ચૌબે પણ કારમાં હાજર હતી. સુમન ચૌબે શિવસેના (શિંદે જૂથ) તરફથી મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી લડી રહી છે અને ચૂંટણી પ્રચાર માટે બુઆપાડા જઈ રહી હતી. તેમના હાથ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ, તેઓ કારની અંદર ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ બારીનો કાચ તોડીને તેણીને બહાર કાઢી અને હોસ્પિટલ લઈ ગયા.
સ્થાનિક આરોપો
કેટલાક સ્થાનિકોનો દાવો છે કે ડ્રાઇવરને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેણે ભૂલથી એક્સિલરેટર દબાવી દીધું હતું. અન્ય લોકોનો આરોપ છે કે ડ્રાઇવર નશામાં હતો. જોકે, પોલીસે આ દાવાઓની પુષ્ટિ કરી નથી અને તપાસ ચાલુ છે.
અંબરનાથ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શબ્બીર અહેમદે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે અને ચાર ઘાયલ થયા છે. એક ઘાયલ વ્યક્તિને ઉલ્હાસનગરની સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય ત્રણને ડોમ્બિવલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉલ્હાસનગર મોકલવામાં આવ્યા છે.
SI શબ્બીર અહેમદે જણાવ્યું હતું કે મૃતકો અને ઘાયલોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને અકસ્માતનું કારણ તપાસવામાં આવી રહ્યું છે. મોડી રાત સુધી ફ્લાયઓવર પર પોલીસ ટીમો તૈનાત રહી હતી, અને ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યો છે.
આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટને લઈ મોટો ખુલાસો: આ લોકો માટે કામ કરતા હતા આતંકી, સાડા છ લાખમાં ખરીદી હતી AK-47












