ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભાવનગરમાં એસટી બસની અડફેટે માતા-પુત્રીનું મોત, બ્રેક ફેલ થતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો

ભાવનગર: ભાવનગરમાં એસટી બસના ભયાનક અકસ્માતમાં માતા-પુત્રીના કરુણ મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. સિહોર-ટાણા-વરલ રૂટની એસટી બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બ્રેક ન લાગતાં બસ ફૂટપાથ પર ચડી ગઈ અને ભરૂચા ક્લબની દીવાલ સાથે જોરદાર રીતે અથડાઈ હતી.

અકસ્મત સમયે ફૂટપાથ પર વાહનની રાહ જોઈને બેઠેલી માતા અને પુત્રી બસની અડફેટે આવી ગઈ હતી. ગંભીર ઈજાઓને કારણે બંનેનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં અન્ય એક મહિલાને પણ ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મૃતકોમાં 28 વર્ષીય માતા અને 7 વર્ષીય પુત્રી

અકસ્મતમાં મૃત્યુ પામનારાઓની ઓળખ 28 વર્ષીય લલીતાબેન ગુલાબસિંહ પરમાર અને તેમની 7 વર્ષીય પુત્રી સોનિયાબેન ગુલાબસિંહ પરમાર તરીકે થઈ છે. બંને રામધરી સણોસરા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

આ દુર્ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે આસપાસના લોકો પણ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા હતા.

અન્ય એક મહિલા ઇજાગ્રસ્ત

અકસ્મતમાં મધુબેન લાલજીભાઈ વાઘેલા, રહેવાસી ઠોડા-ઉંમરલા, ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે.

પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

અકસ્મતની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માતગ્રસ્ત બસને સ્થળ પરથી દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

બસ રસ્તા પર ફસાઈ જતાં થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી. પોલીસે બસ હટાવીને ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો.

બ્રેક ફેલ થઈ કે ડ્રાઈવરની ભૂલ? તપાસ શરૂ

પ્રાથમિક માહિતી મુજબ બસની બ્રેક ન લાગતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હોવાની વાત સામે આવી છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું, બસમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે માનવીય ભૂલ જવાબદાર હતી તે અંગે પોલીસ તપાસ હાથ ધરશે.

આ ઘટનાએ ફરી એકવાર જાહેર પરિવહનના વાહનોની ટેકનિકલ ચકાસણી અને બસ સ્ટેન્ડ આસપાસની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગર માટે ક્રિકેટના દરવાજા ખુલ્યા, ઓસ્ટ્રેલિયામાં મંજૂરી મળી

Back to top button