ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વંદે માતરમની જગ્યાએ વાગ્યું લતા મંગેશકરનું ગીત, એકનાથ શિંદેએ માંગી માફી

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આયોજિત એક સરકારી કાર્યક્રમ દરમિયાન અજીબોગરીબ સ્થિતિ સર્જાઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં ‘વંદે માતરમ’ના અધિકૃત સ્વરૂપના બદલે લતા મંગેશકરના જૂના પ્રાઇવેટ આલ્બમનું ગીત વાગી ગયું હતું. લગભગ ચાર મિનિટ સુધી કાર્યક્રમમાં હાજર લોકો મૌન રહી ઊભા રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પણ હાજર હતા.

વંદે માતરમની જાહેરાત થઈ, વાગ્યું જૂના આલ્બમનું ગીત

થાણેમાં આયોજિત સરકારી કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે મંચ પર પહોંચ્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ ‘વંદે માતરમ’ ગાવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના પગલે સભામાં હાજર તમામ લોકો પોતાની જગ્યાએ ઊભા થઈ ગયા હતા.

પરંતુ ત્યારબાદ જે ઓડિયો શરૂ થયો તે ‘વંદે માતરમ’નું નિર્ધારિત અધિકૃત સ્વરૂપ નહીં પરંતુ ભારત રત્ન લતા મંગેશકરના જૂના આલ્બમનું ગીત હતું. ગીતના શબ્દો ‘વંદે માતરમ’ જ હતા, પરંતુ તેની ધૂન અને રજૂઆત અલગ હતી.

ચાર મિનિટ સુધી ઊભા રહ્યા લોકો

લતા મંગેશકરનું આ ગીત લગભગ ચાર મિનિટ લાંબું હોવાથી આખી સભા શાંતિપૂર્વક ઊભી રહી હતી. કાર્યક્રમમાં થયેલી ભૂલનો અહેસાસ એકનાથ શિંદેને પણ થયો હોવાનું તેમના હાવભાવ પરથી દેખાઈ રહ્યું હતું.

ગીત પૂરું થયા બાદ એકનાથ શિંદેએ પોતાનું સંબોધન શરૂ કર્યું અને કાર્યક્રમ દરમિયાન થયેલી આ ભૂલ બદલ માફી માગી હતી.

‘આવી ભૂલ ફરી ન થવી જોઈએ’

એકનાથ શિંદેએ કાર્યક્રમના આયોજકો અને સંબંધિત અધિકારીઓને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની ખાસ તકેદારી રાખવાની કડક સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગીત અને દેશભક્તિ સાથે જોડાયેલા કાર્યક્રમોમાં આવી ભૂલો થવી જોઈએ નહીં અને આયોજન દરમિયાન દરેક બાબતની અગાઉથી યોગ્ય ચકાસણી કરવી જરૂરી છે.

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે દેશમાં ‘વંદે માતરમ’ને લઈને રાજકીય ચર્ચા પણ તેજ બની છે.

ઠાણે સાથે એકનાથ શિંદેનો જૂનો રાજકીય સંબંધ

ઠાણે જિલ્લો એકનાથ શિંદેનો રાજકીય ગઢ માનવામાં આવે છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત પણ અહીંથી કરી હતી. વર્ષ 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોપરી-પાચપાખાડી બેઠક પરથી જીત્યા હતા. તેઓ વર્ષ 2009થી સતત આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અગાઉ 2004થી 2009 દરમિયાન તેઓ ઠાણે વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા હતા.

વર્ષ 2022માં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનામાં બળવો કરીને અલગ જૂથ બનાવ્યું હતું અને ભાજપના સમર્થનથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. ચૂંટણી બાદ ભાજપ સૌથી મોટો પક્ષ બનતાં મુખ્યમંત્રી પદ ભાજપ પાસે ગયું અને એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો: એક જ મહિનામાં બીજીવાર CNG મોંઘો થયો, ગુજરાત ગેસે ભાવમાં કર્યો તોતિંગ વધારો

Back to top button