‘અંગ્રેજી-હિન્દી બાળકોનું નેચરલ ટેલેન્ટ ખતમ કરે…’ ભાષા વિવાદ વચ્ચે કર્ણાટક CMનું નિવેદન

કર્ણાટક: 1 નવેમ્બર, 2025: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શનિવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને તેના પર કન્નડ ભાષાની ઉપેક્ષા કરવા અને હિન્દીને થોપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે, અંગ્રેજી અને હિન્દી પરની વધુ પડતી નિર્ભરતાને કારણે રાજ્યના બાળકોના નેચરલ ટેલેન્ટને નુકસાન થઈ રહ્યું છે. તેમની આ ટિપ્પણીઓ કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં ‘ત્રિ-ભાષા નીતિ’ (થ્રી લેંગ્વેજ પોલિસી) ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આવી છે.
સંઘીય માળખાને નબળું પાડવાનો આરોપ
રાજ્યોત્સવ દિવસ સમારોહમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર સંઘીય માળખાને નબળું પાડવાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે, કર્ણાટક રાષ્ટ્રીય તિજોરીમાં નોંધપાત્ર યોગદાન આપે છે, તેમ છતાં દેશના સંસાધનોમાં તેને યોગ્ય હિસ્સો આપવામાં આવી રહ્યો નથી.
કર્ણાટક સાથે કેન્દ્રનું ઓરમાયુ વર્તન
સિદ્ધારમૈયાએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર કર્ણાટક સાથે ઓરમાયુ વર્તન કરી રહી છે. અમે કેન્દ્રને રૂ. 4.5 લાખ કરોડની આવક (રેવન્યુ) આપીએ છીએ, પરંતુ બદલામાં અમને બહુ ઓછી રકમ મળે છે. હિન્દીને થોપવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારનું આ પગલું શાસ્ત્રીય ભાષા કન્નડ સાથે અન્યાય છે.”
તેમણે કેન્દ્ર પર હિન્દી અને સંસ્કૃતના પ્રચાર-પ્રસાર માટે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ મંજૂર કરવાનો, જ્યારે કન્નડ સહિતની અન્ય ભારતીય ભાષાઓને બાજુ પર મૂકવાનો આરોપ લગાવ્યો.
‘કન્નડ વિરોધી તાકાતો’નો સામનો કરવા હાકલ
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કન્નડ ભાષીઓને એકજૂટ થઈને ‘કન્નડ-વિરોધી તાકાતો’નો સામનો કરવા અને રાજ્યની ભાષા-સંસ્કૃતિ માટે કેન્દ્ર સરકાર પાસેથી યોગ્ય સન્માન અને ફંડિંગની માંગણી કરવા અપીલ કરી.
તેમણે કહ્યું કે, “કન્નડ ભાષાના વિકાસ માટે પૂરતી ધનરાશિ ન આપીને તેની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આપણે તે તમામનો વિરોધ કરવો પડશે જે કન્નડ વિરોધી છે.”
પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ:
કર્ણાટકના મુખ્યમંત્રીએ શિક્ષણ પ્રણાલીમાં અંગ્રેજી અને હિન્દીના વધતા પ્રભુત્વ પર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે દલીલ કરી કે, તેનાથી બાળકોની સર્જનાત્મકતા અને પોતાના મૂળ સાથેનો જોડાણ (જૂડાવ) નબળો પડે છે. વિકસિત દેશોના બાળકો તેમની માતૃભાષામાં વિચારે છે, શીખે છે અને સપના જુએ છે, પણ અહીં સ્થિતિ ઊલટી છે. અંગ્રેજી અને હિન્દી આપણા બાળકોની પ્રતિભાને નબળી પાડી રહી છે.
કેન્દ્રને કરી અપીલ
સિદ્ધારમૈયાએ પ્રારંભિક શિક્ષણમાં માતૃભાષાને ફરજિયાત બનાવવા માટે કેન્દ્ર પાસે મજબૂત કાયદો બનાવવાની અને આ મુદ્દાને ગંભીરતાથી લેવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોને રડાવ્યા: ઉભો પાક નિષ્ફળ, નાઠેજ ગામમાં જળબંબાકારની સ્થિતિ
આ પણ વાંચોઃ લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદની લાહોર રેલી મુલતવી, પાકિસ્તાનમાં આતંકવાદીઓમાં ભયનો માહોલ












