
કચ્છ જિલ્લાના અંજાર અને અબડાસા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ વિવિધ પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી સંચાલકોની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બંને તાલુકાઓમાં મળી કુલ 24 કેન્દ્રો માટે “સંચાલક” તેમજ “સંચાલક-કમ-કુક” ની તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરતી હાથ ધરવામાં આવી છે. મામલતદાર કચેરીઓ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડીને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
અંજાર તાલુકામાં 8 કેન્દ્રો માટે ભરતી
અંજાર તાલુકાના સંઘડ પ્રાથમિક શાળા, રામપર પ્રાથમિક શાળા, માધવનગર (ખેડોઇ), શાંતિધામ (ખંભરા), ખોખરા પ્રાથમિક શાળા, હિરાપર કન્યા પ્રાથમિક શાળા, ચકારમોરા વાંઢ પ્રાથમિક શાળા તથા ભલોટ પ્રાથમિક શાળા સહિત કુલ 8 કેન્દ્રો ઉપર સંચાલકોની જગ્યાઓ ખાલી હોવાથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કેન્દ્રો વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ દરમિયાન બંધ રહેલા અથવા ચાર્જમાં ચલાવવામાં આવતા મધ્યાહન ભોજન કેન્દ્રો છે. આ તમામ જગ્યાઓ માટે ઉમેદવારોને હંગામી ધોરણે નિમણૂક આપવામાં આવશે.
અબડાસામાં 16 કેન્દ્રો માટે “સંચાલક-કમ-કુક” ની ભરતી
અબડાસા તાલુકામાં આશાપર, બિટા, ડાહા, નાની ધૂફી, હિંગરીયા, કુકડાઉ, કાળાતળાવ, કનકપર, નલીયા કુમારશાળા-2, નાન્દ્રા નાના, રાપર અબડા, સણોસરા, થુમંડી, વાયોર, નોડેવાંઢ તથા નલીયા એરફોર્સ પ્રાથમિક શાળા સહિત કુલ 16 કેન્દ્રો ઉપર “સંચાલક-કમ-કુક” ની જગ્યાઓ ખાલી હોવાથી ભરતી જાહેર કરવામાં આવી છે. મામલતદાર કચેરી, અબડાસા દ્વારા જણાવ્યા મુજબ આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરીને મધ્યાહન ભોજન યોજના વધુ સુચારુ રીતે ચલાવવા પ્રયાસ કરવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અરજી પ્રક્રિયા અને અંતિમ તારીખ
અંજાર તાલુકા માટે ઉમેદવારોએ અરજી ફોર્મ મામલતદાર કચેરી, અંજાર ખાતેથી મેળવવાનું રહેશે અને સંપૂર્ણ વિગતો સાથે ભરેલી અરજી તા. 30 મે 2026 સુધી કચેરી સમય દરમિયાન ટપાલ મારફતે મોકલવાની રહેશે. જ્યારે અબડાસા તાલુકા માટે અરજી ફોર્મ મામલતદાર કચેરી, નલિયા ખાતે પી.એમ. પોષણ શાખામાંથી 22 મેથી 30 મે 2026 સુધી મેળવી શકાશે. ભરેલી અરજી 30 મેના રોજ સાંજે 6 વાગ્યા સુધી રૂબરૂ જ સ્વીકારવામાં આવશે. બંને તાલુકાઓ માટે સમયમર્યાદા બાદ મળતી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
સ્થાનિક મહિલાઓને મળશે પ્રાથમિકતા
ભરતી પ્રક્રિયામાં સ્થાનિક વિધવા અને ત્યક્તા મહિલાઓને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. સરકાર દ્વારા સ્થાનિક જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારની તક મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. તેમજ અગાઉ ગેરરીતી કે અન્ય કારણસર સેવામાથી દૂર કરાયેલા સંચાલકોને ફરીથી નિમણૂક માટે લાયક ગણવામાં આવશે નહીં.
લાયકાત અને વયમર્યાદા
ઉમેદવાર માટે શૈક્ષણિક લાયકાત તરીકે એસ.એસ.સી. પાસ ફરજિયાત રાખવામાં આવી છે. જોકે ગામમાં એસ.એસ.સી. પાસ ઉમેદવાર ઉપલબ્ધ ન હોય તો ધોરણ-7 પાસ ઉમેદવારની અરજી પણ વિચારણા હેઠળ લેવામાં આવશે. ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 60 વર્ષ હોવી ફરજિયાત રહેશે.
અરજી સાથે જરૂરી દસ્તાવેજો ફરજિયાત
ઉમેદવારોએ અરજી સાથે નીચે મુજબના આધાર પુરાવાઓની પ્રમાણિત નકલો જોડવાની રહેશે:
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
- સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ઉંમરનો પુરાવો
- રેશનકાર્ડ
- આધારકાર્ડ
- ચૂંટણીકાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો
- SBI બેંક ખાતાની પાસબુકની નકલ
- તબીબી પ્રમાણપત્ર
- પોલીસ સ્ટેશનનું ફોજદારી ગુનો નોંધાયેલ ન હોવાનો દાખલો
અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ દસ્તાવેજોની પ્રમાણિત નકલ જ સ્વીકારવામાં આવશે.
ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાની સૂચના
અંજાર તાલુકાના ઉમેદવારોએ તા. 03 જૂન 2026ના રોજ બપોરે 12 વાગ્યે મામલતદાર કચેરી, અંજાર ખાતે અસલ દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુ માટે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનાને વધુ અસરકારક રીતે ચલાવવા માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે. રસ ધરાવતા ઉમેદવારોને સમયસર અરજી કરવાની અપીલ કરવામાં આવી છે.











