પૈસા તૈયાર રાખો! ટાટા ગ્રૂપનો સૌથી મોટો IPO સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ રહ્યો છે, જાણો વિગતો

HD ન્યુઝ ડેસ્ક, 31 ઓગસ્ટ 2025: શેરબજારના રોકાણકારો માટે આગામી સમયમાં કમાણીની શાનદાર તક આવી રહી છે. નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની (NBFC) ટાટા કેપિટલ તેનો ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) લઈને આવી રહી છે. 22 સપ્ટેમ્બરથી શરૂ થતા અઠવાડિયામાં ટાટા કેપિટલનો IPO લોન્ચ થવાની શક્યતા છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ટાટા કેપિટલ 30 સપ્ટેમ્બર સુધીમાં શેરબજારમાં પ્રવેશ કરે તેવી આશા રાખવામાં આવી રહી છે. નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે આ ઈશ્યૂથી કંપનીનું વેલ્યુએશન 11 અબજ ડોલર થઈ શકે છે.
47.58 કરોડ શેરનું ઓફરિંગ
ઓગસ્ટમાં દાખલ કરાયેલા અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) અનુસાર, પ્રસ્તાવિત IPOમાં કુલ 47.58 કરોડ શેર ઈશ્યૂ કરવામાં આવશે. આમાંથી 21 કરોડ ફ્રેશ ઈક્વિટી શેર હશે, જ્યારે 26.58 કરોડ શેર ઓફર ફોર સેલ (OFS) હેઠળ હાલના રોકાણકારો દ્વારા વેચવામાં આવશે. OFS વિન્ડો હેઠળ ટાટા સન્સ 23 કરોડ શેર વેચશે, જ્યારે ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન (IFC) 3.58 કરોડ શેર વેચશે. હાલમાં ટાટા કેપિટલમાં ટાટા સન્સની 88.6 ટકા હિસ્સેદારી છે, જ્યારે IFC પાસે 1.8 ટકા હિસ્સેદારી છે.
શેરબજારમાં લિસ્ટિંગ શા માટે જરૂરી?
IPOથી મળેલી રકમનો ઉપયોગ કંપનીના ટિયર-1 કેપિટલ બેઝને મજબૂત કરવા અને ભવિષ્યની મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવશે, જેમાં ધિરાણ આપવાનો પણ સમાવેશ થાય છે. જો બધું યોગ્ય રહ્યું તો આ દેશના ફાઈનાન્શિયલ સેક્ટરનો સૌથી મોટો પબ્લિક ઈશ્યૂ બની શકે છે.
RBIની ગાઈડલાઈન્સને કારણે ટાટા કેપિટલ માટે શેરબજારમાં લિસ્ટ થવું જરૂરી બન્યું છે. વાસ્તવમાં, વર્ષ 2022માં RBIએ ટાટા કેપિટલને અપર લેયર NBFC તરીકે વર્ગીકૃત કરી હતી. આ શ્રેણીની કંપનીઓએ ત્રણ વર્ષની અંદર શેરબજારમાં લિસ્ટ થવું જરૂરી છે, અને હવે આ જ નિયમ હેઠળ ટાટા કેપિટલનું લિસ્ટિંગ થઈ રહ્યું છે.
જૂન ત્રિમાસિકમાં કંપનીના પરિણામો
વ્યાપારી વર્ષ 2025-26ની જૂન ત્રિમાસિકમાં કંપનીનો ચોખ્ખો નફો 1,041 કરોડ રૂપિયા રહ્યો, જે ગયા વર્ષની સરખામણીએ બમણાથી પણ વધુ છે. આ જ રીતે કંપનીની કુલ આવક 6,557 કરોડ રૂપિયાથી વધીને 7,692 કરોડ રૂપિયા થઈ ગ Patel. 2007માં સ્થપાયેલી ટાટા કેપિટલ અત્યાર સુધીમાં 70 લાખથી વધુ ગ્રાહકોને સેવાઓ આપી ચૂકી છે. કંપની વીમા સાથે-સાથે ક્રેડિટ કાર્ડની સુવિધા પણ આપે છે, પ્રાઈવેટ ઈક્વિટી ફંડને સ્પોન્સર કરે છે અને વેલ્થ સર્વિસીસનું સંચાલન પણ કરે છે.
ડિસ્ક્લેમર: આગળ આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારીના હેતુ માટે છે. અહીં એ જણાવવું જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસા રોકતા પહેલાં હંમેશાં નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. ABPLive.com તરફથી કોઈને પણ પૈસા રોકવાની સલાહ અહીં ક્યારેય આપવામાં આવતી નથી.
આ પણ વાંચો : 1,396 કરોડના બેંક છેતરપિંડી કેસમાં EDએ પોર્શ, BMW અને આભૂષણો જપ્ત કર્યા












