ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર મોટા વિવાદમાં: વિદેશી ગુપ્ત બેંક ખાતાઓ અને કરોડો ડોલરના શંકાસ્પદ વ્યવહારોથી મચ્યો હાહાકાર!

Jared Kushner Offshore Account Controversy: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર એક મોટા આંતરરાષ્ટ્રીય નાણાકીય વિવાદમાં ઘેરાયા છે. તેમના પર વિદેશી દેશો સાથે જોડાયેલા ગુપ્ત ઓફશોર બેંક ખાતાઓ દ્વારા કરોડો ડોલરના શંકાસ્પદ વ્યવહારો અને સંચાલન કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ કથિત નાણાકીય વ્યવહારો ઇઝરાયેલ, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને સાઉદી અરેબિયા સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. જોકે, આ સનસનાટીભર્યા રિપોર્ટ સામે આવ્યા બાદ જેરેડ કુશનરે આ તમામ આરોપોને સરેઆમ નકારી કાઢ્યા છે અને તેને પાયાવિહોણા ગણાવ્યા છે.
વેનિટી ફેરનો સનસનાટીભર્યો રિપોર્ટ
પ્રસિદ્ધ ‘વેનિટી ફેર’ મેગેઝિનના એક ચોંકાવનારા અહેવાલ મુજબ, ડચ તપાસકર્તાઓને રશિયન લશ્કરી ગુપ્તચર માહિતી (GRU) સાથે જોડાયેલા એક ગુપ્ત સર્વરની એક્સેસ મળી હતી. આ એક્સેસ એક રશિયન હેકરની મદદથી શક્ય બની હતી, જેણે બ્રિટન અને નેધરલેન્ડ્સની તપાસ એજન્સીઓ સાથે સહયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે આ સર્વરમાંથી જેરેડ કુશનરના આઇફોનના અનેક સ્ક્રીનશોટ મળી આવ્યા હતા. જેનાથી તપાસકર્તાઓ સ્પષ્ટપણે જોઈ શકતા હતા કે કુશનર તેમના ફોનનો ઉપયોગ કરીને સ્ક્રીન પર કયા બેંકિંગ વ્યવહારો અને વાતચીત કરી રહ્યા હતા.
UAE ની બેંક અને $750 મિલિયનનું ટ્રાન્સફર
રિપોર્ટના દાવા અનુસાર, કુશનરે UAE સાથે જોડાયેલા એક ગુપ્ત બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો. અઝરબૈજાન દ્વારા આ ખાતામાં આશરે US$750 મિલિયન જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ શંકાસ્પદ ખાતું ‘ફર્સ્ટ અબુ ધાબી બેંક’ માં ચાલતું હતું અને તે યુએઈ સરકાર તરફથી સત્તાવાર નાણાકીય સહાય મેળવતી ચેરિટી સંસ્થા ‘વતાની અલ એમારત ફાઉન્ડેશન’ સાથે જોડાયેલું હતું. અહેવાલમાં આરોપ છે કે આ ખાતું સત્તાવાર રીતે કુશનરના નામે નહોતું પરંતુ તેઓ આ ખાતા પર અધિકૃત સહી કરનાર (Authorized Signatory) વ્યક્તિ તરીકે સક્રિય હતા.
રાજદ્વારી શોર્ટકટ અને $2 અબજના ફંડિંગનો આક્ષેપ
આ કથિત વ્યવસ્થાથી પરિચિત એક સૂત્રને ટાંકીને વેનિટી ફેરે દાવો કર્યો છે કે કુશનર પોતાની વિદેશ નીતિ અને રાજદ્વારીમાં શોર્ટકટ શોધી રહ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદના પ્રથમ કાર્યકાળ દરમિયાન, યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કુશનર સાથે વિદેશી નીતિ ભંડોળમાં નાણાં રોકાણ કરવા અંગે ચર્ચા કરી હતી. જોકે મૂળ યોજના આગળ વધી નહોતી, પણ પાછળથી બે કે તેથી વધુ ખાતાઓમાં ઓછામાં ઓછા $2 અબજ જમા કરવામાં આવ્યા હતા. અહેવાલમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે અઝરબૈજાન દ્વારા ઇઝરાયલને એક અલગ ખાતામાં આશરે $1 અબજ મોકલવામાં આવ્યા હતા, જેમાં સાયપ્રસનો રૂટ વપરાયો હોઈ શકે છે.
સમગ્ર વિવાદને 5 મુખ્ય મુદ્દાઓમાં સમજો
ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર પર વિદેશી દેશો સાથે જોડાયેલા ગુપ્ત બેંક ખાતાઓમાં કરોડો ડોલરનું સંચાલન કરવાનો આરોપ છે.
આ નાણાકીય ભંડોળ સંયુક્ત આરબ અમીરાત (UAE), સાઉદી અરેબિયા અને ઇઝરાયલ સાથે જોડાયેલા હોવાનો દાવો કરાયો છે, જેમાં એક ખાતામાં $750 મિલિયન જમા થયા હતા.
તપાસકર્તાઓએ આ ગુપ્ત માહિતી એક રશિયન હેકર પાસેથી કુશનરના આઇફોનના સ્ક્રિનશોટ્સ દ્વારા મેળવી હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે.
જેરેડ કુશનરે આ તમામ આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે અને કહ્યું છે કે આ દાવાઓ પાછળ કોઈ નક્કર કે ચકાસાયેલા પુરાવા નથી.
સૌથી મહત્વની વાત એ છે કે આ આરોપોના આધારે અત્યાર સુધી કોઈ કાનૂની ખોટું કામ થયાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કુશનરનો આકરો પલટવાર
આ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યા બાદ જેરેડ કુશનરે તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે મેગેઝિનના લેખકને પોતાના દાવા સાબિત કરવા પડકાર ફેંકતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “આ લેખક દ્વારા લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે વાહિયાત છે. આ અસાધારણ આરોપોને સમર્થન આપવા માટે કોઈ બેંક સ્ટેટમેન્ટ, વાયર ટ્રાન્સફર રેકોર્ડ, એકાઉન્ટ નંબર કે ટ્રાન્ઝેક્શન તારીખો પૂરી પાડવામાં આવી નથી.” કુશનરે વધુમાં ઉમેર્યું કે ભૂતકાળમાં તેમણે યુએસ કોંગ્રેસ અને સ્પેશિયલ કાઉન્સેલની તીવ્ર તપાસનો સામનો કરીને 30 કલાકથી વધુ સમય સુધી સ્વેચ્છાએ જુબાની આપી છે. જો આ ઘટના બની જ ન હોય તો તે તપાસમાં કેમ ન આવી? તેમણે આ રિપોર્ટને “આઘાતજનક બનાવટી” ગણાવતા કહ્યું કે, “આ પત્રકારત્વ નથી પરંતુ કલ્પના અને ફેક નેરેટિવનું મિશ્રણ છે.” કુશનરના વકીલે પણ આ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે અને હાલ આ મામલે કોઈ સત્તાવાર ગુનાહિત તપાસ શરૂ થઈ નથી.
આ પણ વાંચો: સાઉદી અરેબિયામાં હુમલાથી ભારત નારાજ, વિદેશ મંત્રાલયની કડક ચેતવણી












