જસ્ટિસ સૂર્યકાંત બનશે ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ, 24 નવેમ્બરે દેશના 53માં CJI તરીકે લેશે શપથ

નવી દિલ્હી: 30 ઓક્ટોબર, 2025: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 24 નવેમ્બર, 2025ના દિવસે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરશે.
વર્તમાન CJI બીઆર ગવઈ 23 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે, તેમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી હતી.
કેન્દ્રીય કાયદા મંત્રીએ કરી જાહેરાત
કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ‘X’ પર એક પોસ્ટ દ્વારા આ નિમણૂકની પુષ્ટિ કરી હતી. તેમણે લખ્યું, “ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને 24 નવેમ્બર, 2025થી ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. હું તેમને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.”

14 મહિનાનો કાર્યકાળ
જસ્ટિસ સૂર્યકાંતનો જન્મ હરિયાણાના હિસાર જિલ્લામાં 10 ફેબ્રુઆરી, 1962ના રોજ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. 24 મે, 2019રોજ તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. જસ્ટિસ સૂર્યકાંતનો મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ 14 મહિનાનો રહેશે. તેઓ 9 ફેબ્રુઆરી, 2027ના રોજ નિવૃત્ત થશે.
જસ્ટિસ સૂર્યકાંત બે દાયકાથી વધુના અનુભવ સાથે દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ પર આવી રહ્યા છે. તેમના અનુભવમાં કલમ 370 નાબૂદ કરવા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, લોકશાહી, ભ્રષ્ટાચાર, પર્યાવરણ અને લૈંગિક સમાનતા પરના ઐતિહાસિક નિર્ણયોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ એન્કાઉન્ટર સ્પેશ્યાિલિસ્ટ અભય ચુડાસમા આવતી કાલે થશે વય નિવૃત્ત, આદેશ જાહેર!
આ પણ વાંચોઃ આ તે કેવી જીદ? 20 વર્ષ સુધી પત્ની સાથે અબોલા, એક જ ઘરમાં રહી 3 બાળકો મોટા કર્યા!












