હદ કરી: લોનના હપ્તા ન ભર્યા તો બેન્કવાળા પત્નીને લઈ ગયા, પોલીસે મહિલાને છોડાવી

ઝાંસી: ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પ્રાઈવેટ બેન્કે લોનની હપ્તા ન ચુકવતા મહિલાને બળજબરીપૂર્વક બેન્કમાં બેસાડી રાખી હતી. આ મામલો એટલો ગંભીર હતો કે પોલીસને ઘટનાસ્થળે આવવું પડ્યું અને બંધક મહિલાને મુક્ત કરાવી હતી.
શું છે સમગ્ર મામલો
પ્રાપ્ત જાણકારી અનુસાર, ઝાંસીના મોંઢ વિસ્તારના બમ્હરૌલીના આઝાદ નગર વિસ્તારની એક પ્રાઈવેટ ગ્રુપ લોન આપતી બેન્ક સાથે જોડાયેલી આ ઘટના છે. પીડિતા પૂજા વર્માના પતિ રવિન્દ્ર વર્માએ જણાવ્યું કે સોમવારે બપોરે 12 વાગ્યે તેની પત્નીને બેન્કવાળા લઈ ગયા અને બળજબરીપૂર્વક 5 કલાક સુધી બેસાડી રાખી. બેન્કવાળાઓએ સ્પષ્ટ કહ્યું કે, જ્યાં સુધી પતિ બાકીના હપ્તા જમા નહીં કરે ત્યાં સુધી મહિલાને છોડવામાં આવશે નહીં.
પોલીસે મહિલાને છોડાવી
પતિ રવિન્દ્રે બેન્ક કર્મીઓને ખૂબ વિનંતી કરી કે હાલમાં તે હપ્તા ચુકવી શકે તેવી સ્થિતિમાં નથી, પણ બેન્કવાળા માન્યા નહીં. છેલ્લા તેણે 112 ડાયલ કરી પોલીસની મદદ માગી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો બેન્ક કર્મચારીઓ ધ્રુજવા લાગ્યા અને તરત મહિલાને મુક્ત કરી દીધી હતી.
મહિલાએ શું કહ્યું?
પીડિતા પૂજા વર્માએ પોલીસને જણાવ્યું કે, તેમણે બેન્કમાંથી 40,000ની પર્સનલ લોન લીધી હતી. જેનો માસિક હપ્તો 2120 રુપિયા હતો. તેમણે અત્યાર સુધીમાં 11 હપ્તા જમા કરાવી દીધા છે, પણ બેન્ક રેકોર્ડમાં ખાલી 8 હપ્તા જ દેખાડે છે. તેમણે આરોપ લગાવ્યો કે બેન્કના એજન્ટ કૌશલ અને ધર્મેન્દ્રે 3 હપ્તામાં ગોટાળો કર્યો છે. સાથે જ જણાવ્યું કે, બેન્કના ક્ષેત્રિય અધિકારી સંજય યાદવ, જે મધ્ય પ્રદેશના ટીકમગઢનો રહેવાસી છે, તે ઘરે આવ્યો અને બળજબરી કરી તેના પતિને બેન્કમાં લઈ ગયો હતો.
આ પણ વાંચો: 123 કિલોની મહિલા રેસલરે 5 વર્ષ બાદ WWEના મોટા શૉમાં એન્ટ્રી લીધી, ફેમસ સ્ટારને પછાડી












