ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હવે બુલેટપ્રૂફ કારમાં ફરશે વિદેશમંત્રી એસ.જયશંકર, ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સુરક્ષા વધારી

નવી દિલ્હી, 14 મે 2025: પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ અને પહલગામ આતંકી હુમલા બાદ ભારતમાં હાઈ એલર્ટ છે. આ દરમ્યાન એક સમાચાર આવી રહ્યા છે કે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરની સુરક્ષામાં વધારો કરવાનું દિલ્હી પોલીસે શરુ કરી દીધું છે. તેમને બુલેટપ્રુફ કાર આપવામાં આવી છે. દિલ્હીમાં તેમના આવાસની આજુબાજુમાં સુરક્ષા વધારી દીધી છે. જયશંકરને પહેલાથી જ ઝેડ કેટેગરીની સુરક્ષા મળી રહી છે, જે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના કમાંડો દ્વારા આપવામાં આવે છે. તેમની સુરક્ષામાં 33 કમાન્ડોની એક ટીમ ચોવીસે કલાક તૈનાત રહે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ રવિવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં VIP નેતાઓની સુરક્ષાની સમીક્ષા કરી હતી. બેઠકમાં, તાજેતરના સમયમાં પાકિસ્તાન વિરુદ્ધ કડક નિવેદનો આપનારા નેતાઓને ખાસ સુરક્ષા પૂરી પાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને લગભગ 25 અગ્રણી ભાજપના નેતાઓની સુરક્ષાની પણ સમીક્ષા કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ, સાંસદ નિશિકાંત દુબે, સુધાંશુ ત્રિવેદી અને વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનો સમાવેશ થાય છે.

અહીં ઉલ્લેખનિય છે કે પહલગામ હુમલા બાદથી, વિદેશ મંત્રી એસ જયશંકર સતત પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકોમાં હાજરી આપી રહ્યા છે. તેમણે આતંકવાદ અને પાકિસ્તાનની નીતિઓ વિરુદ્ધ સતત નિવેદનો પણ આપ્યા છે.

આ પણ વાંચો: મોદીજી 200 ટકા સફળ થયા: પાકિસ્તાનના પત્રકારે ઓપરેશન સિંદૂરના વખાણ કર્યા, શરીફ સરકારની ફજેતી

Back to top button