“ભગવા ધ્વજને જ ભારતનો ઝંડો બનાવવાની ભલામણ થઈ હતી, પરંતુ ગાંધીજીએ હસ્તક્ષેપ કર્યો”: મોહન ભાગવત

બેંગલુરુ: આરએસએસ (RSS) પ્રમુખ મોહન ભાગવતે ભારતના રાષ્ટ્રીય ધ્વજ વિશે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સંઘ તેનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે સંઘ હંમેશા તિરંગા ધ્વજની સાથે ઊભો રહ્યો છે.
સંઘના ધ્વજ અને તિરંગા વિશે પૂછવામાં આવતા, આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું, “રાષ્ટ્રીય ધ્વજ પ્રથમ વખત 1933 માં નક્કી કરવામાં આવ્યો હતો, અને ધ્વજ સમિતિએ સર્વસંમતિથી પરંપરાગત ભગવાને સ્વતંત્ર ભારતનો ધ્વજ બનાવવાની ભલામણ કરી હતી, પરંતુ ત્યારે ગાંધીજીએ હસ્તક્ષેપ કર્યો, અને કોઈ કારણસર, તેમણે કહ્યું કે ત્રણ રંગ હશે અને સૌથી ઉપર ભગવો હશે.”
ભાગવતે વધુમાં ઉમેર્યું કે, “પોતાની સ્થાપના સમયથી જ, સંઘ હંમેશા આ તિરંગા ધ્વજ સાથે ઊભો રહ્યો છે, તેનું સન્માન કર્યું છે, શ્રદ્ધાંજલિ આપી છે અને તેની રક્ષા કરી છે… તેથી ‘ભગવો વિરુદ્ધ તિરંગો’ એવો કોઈ પ્રશ્ન જ નથી. દરેક કમ્યુનિસ્ટ પાર્ટીનો એક લાલ ઝંડો હોય છે. કોંગ્રેસ પાર્ટી પાસે ચરખા સાથે તિરંગો છે, ચક્ર નહીં. રિપબ્લિકન પાર્ટીનો વાદળી ઝંડો છે. તેથી અમારી પાસે અમારો ભગવો છે અને અમે અમારા રાષ્ટ્રીય ધ્વજનું સન્માન કરીએ છીએ.”
ભાગવત સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં બેંગલુરુમાં આયોજિત વ્યાખ્યાન શૃંખલા અંતર્ગત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.
રજીસ્ટ્રેશનના સવાલ પર કોંગ્રેસને જવાબ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નોંધણી (રજીસ્ટ્રેશન) વિના કામ કરવાનો આરોપ લગાવનારા કોંગ્રેસના નેતાઓ પર પરોક્ષ નિશાન સાધતા, સંઘ પ્રમુખ મોહન ભાગવતે રવિવારે કહ્યું કે તેમના સંગઠનને ‘વ્યક્તિઓના સમૂહ’ (association of persons) તરીકે માન્યતા પ્રાપ્ત છે.
ભાગવતે RSS દ્વારા આયોજિત એક આંતરિક પ્રશ્ન-જવાબ સત્ર દરમિયાન એક સવાલના જવાબમાં પૂછ્યું કે, “RSSની સ્થાપના 1925 માં થઈ હતી, તો શું તમે અપેક્ષા રાખો છો કે અમે બ્રિટિશ સરકાર પાસે નોંધણી કરાવીએ?” તેમણે કહ્યું કે આઝાદી પછી ભારત સરકારે નોંધણી ફરજિયાત બનાવી ન હતી.
ભાગવતે સ્પષ્ટ કર્યું, “અમને ‘વ્યક્તિઓના સમૂહ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને અમે માન્યતા પ્રાપ્ત સંગઠન છીએ.” તેમના મતે, આવકવેરા વિભાગ (Income Tax) અને અદાલતોએ RSS ને ‘વ્યક્તિઓના સમૂહ’ તરીકે માન્યું છે અને સંગઠનને આવકવેરામાંથી છૂટ આપવામાં આવી છે.
RSS પ્રમુખે સવાલ પૂછ્યો, “અમારા પર ત્રણ વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેથી સરકારે અમને માન્યતા આપી છે. જો અમારું અસ્તિત્વ જ ન હોત, તો તેમણે કોના પર પ્રતિબંધ મૂક્યો?”
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw












