યુદ્ધનો માર, ખિસ્સા પર ભાર: પેટ્રોલ-ડીઝલ ₹7.50 મોંઘું, LPG-CNGના ભાવમાં આગ

Price Hike: ઈરાન અને અમેરિકા વચ્ચે વધેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર સ્પષ્ટ દેખાવા લાગી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં આવેલા ઉછાળાને કારણે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, LPG અને CNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણામે ટ્રાન્સપોર્ટેશનથી લઈને ઘરના રસોડા સુધી દરેક ક્ષેત્રમાં મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે.
છેલ્લા ચાર વર્ષ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખાસ વધારો થયો નહોતો, પરંતુ મે 2026થી શરૂ થયેલા ભાવવધારાના ચક્રમાં અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલ આશરે ₹7.50 પ્રતિ લિટર મોંઘા થઈ ચૂક્યા છે. જેના કારણે ખાનગી વાહનચાલકો ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ વધારો થયો છે.
ઘરેલુ LPG સિલિન્ડર પણ મોંઘું
યુદ્ધ પહેલાં દિલ્હીમાં 14.2 કિલોનો ઘરેલુ LPG સિલિન્ડર ₹853માં મળતો હતો. જોકે માર્ચ મહિનામાં પ્રથમ વખત ₹60નો વધારો કરવામાં આવ્યો અને ભાવ ₹913 થયો. ત્યારબાદ જૂનમાં વધુ ₹29નો વધારો થતાં હવે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત ₹942 સુધી પહોંચી ગઈ છે. આ ભાવવધારાની સીધી અસર મધ્યમવર્ગ અને ગરીબ પરિવારોના રસોડાના બજેટ પર પડી રહી છે.
કોમર્શિયલ સિલિન્ડરે તોડ્યા તમામ રેકોર્ડ
હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વેપારીઓ માટે ઉપયોગમાં લેવાતા 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં તો ઐતિહાસિક વધારો નોંધાયો છે. ફેબ્રુઆરી 2026માં ₹1,740.50નો સિલિન્ડર હવે ₹3,113.50 સુધી પહોંચી ગયો છે. માત્ર ત્રણ મહિનામાં જ તેમાં ₹1,373નો વધારો થયો છે. મે મહિનામાં એક જ વખત ₹993નો રેકોર્ડબ્રેક વધારો થતાં વેપારીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. કોમર્શિયલ ગેસ મોંઘો થતાં રેસ્ટોરન્ટ, ઢાબા અને ફૂડ બિઝનેસના ખર્ચમાં વધારો થયો છે, જેની અસર હવે ગ્રાહકોને પણ ઊંચા ભાવ સ્વરૂપે ભોગવવી પડી શકે છે.
CNGના ભાવમાં પણ સતત વધારો
CNG વાહનચાલકોને પણ રાહત મળી નથી. છેલ્લા કેટલાક દિવસોમાં CNGના ભાવમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં CNG હવે ₹81.09 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે, જ્યારે NCR વિસ્તારમાં તેનો ભાવ ₹89 પ્રતિ કિલોથી વધુ થઈ ગયો છે. CNG મોંઘી થતાં ટેક્સી, ઓટો અને જાહેર પરિવહનના ભાડામાં વધારો થવાની શક્યતા વધી ગઈ છે.
કેમ વધી રહ્યા છે ભાવ?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઈરાન-અમેરિકા સંઘર્ષના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં અનિશ્ચિતતા વધી છે. કાચા તેલના ભાવ 125 ડોલર પ્રતિ બેરલની સપાટી પાર કરી ગયા છે. ભારત પોતાની ઊર્જાની જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ફેરફારોની સીધી અસર સ્થાનિક બજારમાં જોવા મળે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સામાન્ય લોકોની ચિંતા વધી
પેટ્રોલ, ડીઝલ, LPG અને CNGના વધતા ભાવોને કારણે પરિવહન ખર્ચ, ખાદ્યપદાર્થો, ઘરગથ્થુ બજેટ અને રોજિંદા જીવનના અનેક ખર્ચમાં વધારો થવાની આશંકા છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ વધુ ગંભીર બનશે તો આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો થવાની શક્યતા પણ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.












