સ્પોર્ટ્સ

ગુજરાતની સતત ચોથી જીત: રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું

IPL 2026 RR vs GT Result: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની 52મી મેચમાં ગુજરાત ટાઇટન્સે યજમાન રાજસ્થાન રોયલ્સ સામે એકતરફી મુકાબલામાં 77 રનથી શાનદાર વિજય મેળવ્યો છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ગુજરાતના બેટ્સમેનો અને બોલરોએ પ્રભુત્વ જમાવી રાજસ્થાનને તેમના જ હોમ ગ્રાઉન્ડ પર ધૂળ ચટાડી હતી. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.

ગિલ અને સુદર્શનની આક્રમક બેટિંગ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ટીમની શરૂઆત મજબૂત રહી હતી. કેપ્ટન શુભમન ગિલે 84 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે સાઈ સુદર્શન 55 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. આ બંને બેટ્સમેનોની ફિફ્ટીની મદદથી ગુજરાતે રાજસ્થાન સામે પહાડ જેવો ટાર્ગેટ મૂક્યો હતો. રાજસ્થાનના બોલરો આ જોડીને તોડવામાં નિષ્ફળ રહ્યા હતા.

રાશિદ અને હોલ્ડરની ઘાતક બોલિંગ સામે રાજસ્થાન પસ્ત

230 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત નબળી રહી હતી. ઈજાના કારણે સ્ટાર બેટ્સમેન રિયાન પરાગ આ મેચમાં રમી શક્યો નહોતો, જેની ખોટ ટીમને સાલી હતી. રાજસ્થાનની ટીમ 16.3 ઓવરમાં માત્ર 152 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 38 રન બનાવ્યા હતા, જ્યારે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 36 રનની તેજતર્રાર ઇનિંગ રમી હતી, પરંતુ તે જીત માટે પૂરતી નહોતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રાશિદ ખાન ફરી એકવાર મેચ વિનર સાબિત થયો

ગુજરાતના બોલિંગ વિભાગમાં રાશિદ ખાન ફરી એકવાર મેચ વિનર સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 33 રન આપીને 4 મહત્વની વિકેટ ઝડપી હતી. અનુભવી જેસન હોલ્ડરે 3 વિકેટ અને કાગીસો રબાડાએ 2 વિકેટ લઈને રાજસ્થાનની બેટિંગ લાઇન-અપને વેરવિખેર કરી નાખી હતી.

ગુજરાતની રેકોર્ડબ્રેક જીત

રનના માર્જિનની દ્રષ્ટિએ આ ગુજરાત ટાઇટન્સની આઈપીએલ ઇતિહાસની સૌથી મોટી જીત છે. આ અગાઉ 2023માં મુંબઈ ઇન્ડિયન્સ સામેની 62 રનથી મળેલી જીત તેમનો શ્રેષ્ઠ રેકોર્ડ હતો. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ માટે જયપુરનું મેદાન ‘પનોતી’ સાબિત થઈ રહ્યું છે. 2025થી અત્યાર સુધી અહીં રમાયેલી 8 મેચોમાંથી રાજસ્થાનની આ 7મી હાર છે. આ હાર સાથે રાજસ્થાન હવે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને સરકી ગયું છે.

આ પણ વાંચો: ઉનાળામાં દાદ-ખંજવાળથી પરેશાન છો? રસોડાની આ બે વસ્તુઓથી મળશે કાયમી છુટકારો, જાણો અકસીર ઘરેલું ઉપાય

Back to top button