
International Yoga Day 2026 Gujarat: ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ દિવસની તૈયારીઓ અંગે માહિતી આપતા જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં યોગ દિવસની ઉજવણીને લઈને વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં 1.25 કરોડથી વધુ નાગરિકો યોગ પ્રોટોકોલ તાલીમ અને સામૂહિક યોગ કાર્યક્રમોમાં જોડાશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષની ઉજવણી અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત ગુજરાતમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં 4 હજારથી વધુ નાગરિકો ભાગ લેશે.
‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ થીમ પર યોજાશે કાર્યક્રમો
આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ રાખવામાં આવી છે. આ થીમને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને યોગ અભ્યાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 10થી વધુ મોટા કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાઈ ચૂક્યા છે. યોગ દિવસ સુધીમાં રાજ્યભરમાં શાળાઓ, કોલેજો, કોર્પોરેટ ઓફિસો, ઉદ્યોગો, બગીચાઓ અને જાહેર સ્થળો સહિત કુલ 24 હજાર જેટલા યોગ કાર્યક્રમો યોજાશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
17 મહાનગરપાલિકા અને 33 જિલ્લાઓમાં એક સાથે યોગાભ્યાસ
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યોગ દિવસના દિવસે રાજ્યની 17 મહાનગરપાલિકાઓ, 33 જિલ્લાઓના તમામ તાલુકાઓ, નગરપાલિકાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં એક સાથે સામૂહિક યોગાભ્યાસનું આયોજન કરવામાં આવશે. આ સમગ્ર આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કમિશનરો અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે મળીને કામગીરી કરી રહ્યા છે.
14 જૂનથી 20 જૂન સુધી ‘યોગ સપ્તાહ’ની ઉજવણી
રાજ્યમાં 14 જૂનથી 20 જૂન સુધી ‘યોગ સપ્તાહ’ની ઉજવણી ચાલી રહી છે. જેમાં સમાજના વિવિધ વર્ગોને જોડવામાં આવી રહ્યા છે. સફાઈ કર્મચારીઓ, મહિલાઓ, સિનિયર સિટીઝન્સ અને ખેડૂતો માટે વિશેષ યોગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં 10 કાર્યક્રમો પૂર્ણ થઈ ગયા છે, જ્યારે આગામી દિવસોમાં વધુ કાર્યક્રમો યોજાશે.
ગિફ્ટ સિટીમાં 5 હજારથી વધુ લોકોએ કર્યો યોગ
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે પણ સામૂહિક યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે યોજાયેલા આ કાર્યક્રમમાં 5 હજારથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યોગ હવે માત્ર ભારત સુધી મર્યાદિત નથી રહ્યો પરંતુ વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો મહત્વનો ભાગ બની ગયો છે. વિદેશોમાં પણ લોકો યોગ તરફ આકર્ષાઈ રહ્યા છે અને ભારતીય યોગ શિક્ષકોની માંગ વધી રહી છે.
ગુજરાત યોગ બોર્ડ દ્વારા સામાન્ય નાગરિકો સુધી યોગ પહોંચાડવા માટે તાલીમ અને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રીએ યોગ બોર્ડના ચેરમેન અને સમગ્ર ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો: શારદાબેન હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાનું મોત, પરિવારનો તબીબી બેદરકારીનો ગંભીર આક્ષેપ












