રશિયન સંસદીય ચૂંટણીમાં પુતિનની પાર્ટીનો ઐતિહાસિક વિજય: 450 માંથી 355 બેઠકો પર કબજો

Russia Parliamentary Election Results: રશિયાની સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમર્થિત ‘યુનાઇટેડ રશિયા’ પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવીને સત્તા પર પકડ વધુ મજબૂત બનાવી છે. સંસદની કુલ 450 બેઠકોમાંથી પાર્ટીએ record 355 બેઠકો પર વિજય મેળવ્યો છે. સેન્ટ્રલ ઇલેક્શન કમિશનના જણાવ્યા મુજબ, 95% થી વધુ મતદાન મથકોના ગણતરીના અંતે યુનાઇટેડ રશિયા પાર્ટીનો ભવ્ય વિજય સ્પષ્ટ થયો છે.
સિંગલ-બેલેટ સ્પર્ધામાં જંગી સરસાઈ
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, પક્ષોને ફાળવવામાં આવેલી 225 બેઠકોમાંથી યુનાઇટેડ રશિયાએ 58% બેઠકો મેળવી છે. જ્યારે સિંગલ-બેલેટ સ્પર્ધાની 225 બેઠકોમાંથી પાર્ટીના ઉમેદવારો 208 બેઠકો પર વિજેતા બન્યા છે. સેન્ટ્રલ ઇલેક્શન કમિશનના ચેરપર્સન એલા પેમ્ફિલોવાએ પુષ્ટિ કરી હતી કે આ પરિણામો પાર્ટીના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે. ફેબ્રુઆરી 2022 માં યુક્રેન સાથે સંઘર્ષ શરૂ થયા પછી યોજાયેલી આ પ્રથમ સંસદીય ચૂંટણીમાં 2021 ની ચૂંટણીમાં મળેલી 324 બેઠકો કરતા પણ વધુ બેઠકો મળી છે.
વિપક્ષ પર પ્રતિબંધ અને મોસ્કોમાં 56.66 ટકા મતદાન
આ ચૂંટણીમાં વિપક્ષી અને યુદ્ધ વિરોધી પક્ષ ‘યાબ્લોકો’ ને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે કેટલાક નેતાઓને વ્યક્તિગત ધોરણે લડવાની છૂટ મળી હતી. ઘણા સરકાર વિરોધી નેતાઓને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવામાં આવ્યા હોવાના આરોપો પણ સામે આવ્યા છે. રશિયાની રાજધાની મોસ્કોમાં 56.66 ટકા મતદાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, વ્લાદિમીર પુતિન ઔપચારિક રીતે આ પાર્ટીના સભ્ય નથી, પરંતુ 2008 થી 2012 દરમિયાન તેમણે અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ત્યારબાદ દિમિત્રી મેદવેદેવે આ પદ સંભાળ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
યુક્રેનના 1,600 થી વધુ ડ્રોન હુમલા વચ્ચે યોજાયું મતદાન
ચૂંટણીના અંતિમ દિવસે રશિયા પર યુક્રેનિયન ડ્રોન હુમલાનું મોટું સંકટ જોવા મળ્યું હતું. યુક્રેને મોસ્કો અને આસપાસના વિસ્તારોમાં 1,600 થી વધુ ડ્રોન છોડ્યા હોવાના અહેવાલ હતા. મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને દાવો કર્યો હતો કે માત્ર રાજધાનીને નિશાન બનાવીને મોકલાયેલા 450 ડ્રોનને રશિયન સંરક્ષણ પ્રણાલીએ નિષ્ક્રિય કર્યા હતા. આ તમામ તણાવ વચ્ચે રશિયન નાગરિકોએ મતદાન કરી પુતિનની પાર્ટીને બહુમતી અપાવી છે.
આ પણ વાંચો: એશિયન ગેમ્સ વચ્ચે જાપાનમાં તોફાનનો ખતરો, 300 ફ્લાઇટ્સ રદ












