વર્લ્ડ

પોર્ટુગલમાં ભાડા બિલ સામે હજારો લોકો રસ્તા પર, પોલીસે કૂતરાઓ અને લાઠીઓ વડે કેમ્પ હટાવ્યા!

Portugal Housing Crisis Protests: પોર્ટુગલની રાજધાની લિસ્બન અને પોર્ટો શહેરમાં વધતા જતા રહેઠાણ સંકટ અને આવાસની મોંઘવારી સામે રવિવારના રોજ હજારો નાગરિકોએ રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરી રહેલા લોકો સરકાર પાસે વિવાદાસ્પદ ભાડા બિલ પાછું ખેંચવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે, જેઓનું માનવું છે કે આ કાયદો દેશના ગંભીર આવાસ સંકટને વધુ વણસાવશે. આ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તંગ બનતા પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ અને અથડામણના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે સમગ્ર યુરોપમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

પોલીસ દ્વારા કૂતરાઓ અને લાઠીઓનો ઉપયોગ કરી કેમ્પ ખાલી કરાયા

શનિવારના રોજ લિસ્બનના પ્રસિદ્ધ રોસિયો સ્ક્વેરમાં હજારો લોકોની વિશાળ કૂચ યોજાયા બાદ પ્રદર્શનકારીઓએ વિરોધના પ્રતીકરૂપે 50 થી વધુ તંબુઓ ઊભા કરીને કેમ્પ શરૂ કર્યો હતો. જોકે, રવિવારે સવારે 4:30 વાગ્યાની આસપાસ પોલીસે આકરા પગલાં લેતા તંબુ કેમ્પ સાફ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ કમાન્ડર યુરી રોડ્રિગ્સે વિરોધીઓને ત્રણ વખત ચેતવણી આપી હતી કે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા તંબુઓ તાત્કાલિક દૂર કરવામાં આવે અન્યથા આજ્ઞાભંગના ગુનાનો સામનો કરવો પડશે. ત્યારબાદ ડઝનબંધ પોલીસકર્મીઓ અને પોલીસ ડોગ્સની સાથે મેદાનમાં ઉતરીને ઢાલ અને લાઠીઓનો ઉપયોગ કરી તંબુઓની રક્ષા કરી રહેલા સેંકડો વિરોધીઓને બળપૂર્વક વિખેરી નાખ્યા હતા.

સાંસદ દ્વારા પોલીસ બળના ઉપયોગની આકરી ટીકા

માત્ર લિસ્બન જ નહીં પરંતુ પોર્ટો શહેરના ડોમ જોઆઓ આઈ સ્ક્વેર ખાતે પણ આવો જ એક નાનો તંબુ કેમ્પ સ્થાપવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે કડક કાર્યવાહી કરીને તે કેમ્પ પણ ઉખેડી નાખ્યો હતો. આ પોલીસ કાર્યવાહી સામે રાજકીય સ્તરે પણ વિરોધ શરૂ થયો છે. સમાજવાદી પક્ષના સાંસદ પેડ્રો ડેલગાડો આલ્વેસે નિવેદન આપતા જણાવ્યું હતું કે રોસિયો સ્ક્વેરમાં પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ ચાલી રહ્યું હતું, તેથી ત્યાં શારીરિક બળ, હિંસા કે લાઠીચાર્જ જેવી પોલીસ કાર્યવાહીનો કોઈ નૈતિક કે કાયદાકીય આધાર નહોતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

યુરોપભરમાં ગંભીર હાઉસિંગ કટોકટી

પોર્ટુગલ હાલમાં સમગ્ર યુરોપના સૌથી ગંભીર આવાસ સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે દેશના યુવાનો સૌથી વધુ પ્રભાવિત થયા છે. વર્ષ 2017 થી અત્યાર સુધીમાં દેશમાં મકાનોની કિંમતો બમણાથી પણ વધુ થઈ ગઈ છે, જ્યારે નવા ભાડા કરારોમાં માસિક ભાડામાં પણ લગભગ બમણો વધારો નોંધાયો છે. રહેઠાણના વધતા જતા ખર્ચને લઈને છેલ્લા કેટલાક અઠવાડિયાથી પોર્ટુગલમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પોર્ટુગલ ઉપરાંત સ્પેન, ફ્રાન્સ, જર્મની અને યુરોપના અન્ય દેશોમાં પણ આવા જ વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે, અને તાજેતરમાં તંબુ કેમ્પ હટાવતી વખતે પોલીસ દ્વારા કરાયેલા બળપ્રયોગની વ્યાપક ટીકા થઈ રહી છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં શ્રમિકોનો વિદ્રોહ, વેતન વધારવાની માંગ સાથે થઈ તોડફોડ અને આગચંપી

Back to top button