કેનેડામાં ગાંધીનગરના યુવાનનું મોત! એક સપ્તાહથી પુત્રના મૃતદેહની રાહ જોઈ રહ્યો છે પરિવાર, કેન્દ્ર સરકાર પાસે લગાવી મદદની ગુહાર

ગાંધીનગર: વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા ગુજરાતના એક યુવાનના મોતના સમાચારથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગાંધીનગર તાલુકાના દશેલા ગામના વતની હિરેન બાબુ આસોડિયાનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માતમાં હિરેન સહિત કુલ ચાર લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, ઘટનાને એક સપ્તાહ જેટલો સમય વીતી જવા છતાં હિરેનનો મૃતદેહ વતન ન પહોંચતાં પરિવારજનોની ચિંતા વધી રહી છે. એક તરફ જુવાનજોધ પુત્ર ગુમાવવાનું અસહ્ય દુઃખ છે, તો બીજી તરફ તેના અંતિમ દર્શન માટે પરિવારજનો રાહ જોઈ રહ્યા છે.
પાંચ વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતો હતો હિરેન
ગાંધીનગર તાલુકાના દશેલા ગામનો હિરેન બાબુ આસોડિયા છેલ્લા પાંચ વર્ષથી કેનેડામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો. દરમિયાન ગત 18 ઓક્ટોબરના રોજ કેનેડામાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં અન્ય ત્રણ લોકોનાં પણ મોત થયાં હતાં.
પુત્રના મોતના સમાચાર મળતાં જ દશેલા ગામમાં રહેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. પરિવાર માટે આ આઘાત સહન કરવો અત્યંત મુશ્કેલ બની રહ્યો છે. પુત્રને છેલ્લી વાર જોવાની અને પોતાના વતનમાં તેની અંતિમવિધિ કરવાની ઇચ્છા સાથે પરિવારજનો તેના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે.
એક સપ્તાહ બાદ પણ મૃતદેહ વતન ન પહોંચતાં પરિવાર ચિંતિત
અકસ્માની ઘટનાને આશરે એક સપ્તાહ થવા આવ્યું હોવા છતાં હિરેનનો મૃતદેહ ભારત ન પહોંચતાં પરિવારની ચિંતા સતત વધી રહી છે. હિરેનના પિતા બાબુ આસોડિયાના જણાવ્યા અનુસાર, તેમનો પુત્ર છેલ્લા પાંચ વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતો હતો અને 18 ઓક્ટોબરના રોજ અકસ્માતમાં તેનું અવસાન થયું હતું.
તેમણે જણાવ્યું કે કેનેડા સરકાર દ્વારા અકસ્માત અંગે તપાસ કરવામાં આવી રહી છે. જોકે, તપાસ અને જરૂરી પ્રક્રિયાઓને કારણે મૃતદેહ વતન ક્યારે પહોંચશે તે અંગે હજુ અનિશ્ચિતતા છે. પુત્રના અંતિમ દર્શન માટે રાહ જોઈ રહેલા પરિવારજનો માટે સમય પસાર કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પિતાની કેન્દ્ર સરકારને લાગણીસભર અપીલ
પુત્રના મૃતદેહને વતન લાવવા માટે હિરેનના પિતા બાબુ આસોડિયાએ કેન્દ્ર સરકારને મદદ કરવાની અપીલ કરી છે. તેમણે વિનંતી કરી છે કે કેન્દ્ર સરકાર કેનેડા સરકાર સાથે તાત્કાલિક વાતચીત કરે અને જરૂરી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે સહયોગ આપે.
પરિવારની એક જ ઇચ્છા છે કે હિરેનનો મૃતદેહ વહેલી તકે વતન પહોંચે, જેથી પરિવારજનો તેના અંતિમ દર્શન કરી શકે અને પોતાના વતનમાં અંતિમવિધિ કરી શકે. પુત્રને ગુમાવવાના દુઃખ વચ્ચે હવે મૃતદેહની રાહ જોવાની વેદનાએ પરિવારની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે.
દશેલા ગામમાં શોકની લાગણી
કેનેડામાં અભ્યાસ માટે ગયેલા હિરેનના અકાળે અવસાનના સમાચારથી દશેલા ગામમાં શોકની લાગણી ફેલાઈ છે. પરિવારજનો માટે આ સમય અત્યંત કઠિન છે. વિદેશમાં બનેલી દુર્ઘટના બાદ પોતાના સ્વજનના મૃતદેહને વતન લાવવાની પ્રક્રિયા લાંબી ખેંચાતાં પરિવારની વ્યથા વધી રહી છે.
હવે પરિવારજનોની નજર કેન્દ્ર સરકારના સહયોગ અને જરૂરી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ થવા પર છે, જેથી હિરેનનો મૃતદેહ વહેલી તકે ભારત લાવી શકાય અને પરિવાર પોતાના પુત્રને અંતિમ વિદાય આપી શકે.
આ પણ વાંચો: રસ્તા પર જોવા મળ્યો રફ્તારનો રાક્ષસ, કાર ચાલકે 3 છોકરીઓ સહિત 5ને ઉડાવી દીધા











