
AfD Victory Saxony Anhalt Election: બીજા વિશ્વયુદ્ધના લગભગ 85 વર્ષ પછી જર્મનીના રાજકારણમાં એક અભૂતપૂર્વ અને યુગપરિવર્તનકારી વળાંક આવ્યો છે. નાઝી યુગના પતન પછી પહેલીવાર કોઈ જર્મન રાજ્યમાં અતિ-દક્ષિણપંથી સરકાર રચાય તેવી પ્રબળ શક્યતાઓ ઊભી થઈ છે. જર્મનીના પૂર્વીય રાજ્ય સેક્સોની-એનહાલ્ટમાં યોજાયેલી લેન્ડટેગ ચૂંટણીમાં ‘અલ્ટરનેટિવ ફોર જર્મની’ (AfD) પક્ષે જંગી વિજય મેળવીને ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝની શાસક પાર્ટી ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન (CDU) ને ધૂળ ચાટતી કરી દીધી છે. આ પરિણામે માત્ર જર્મની જ નહીં પરંતુ સમગ્ર યુરોપિયન યુનિયનમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
43.8 ટકા મત સાથે AfD નો ઐતિહાસિક વિજય
6 સપ્ટેમ્બર 2026 ના રોજ સેક્સોની-એનહાલ્ટમાં યોજાયેલી ચૂંટણીમાં તમામ સમીકરણો બદલાઈ ગયા છે. સત્તાવાર પરિણામો અનુસાર, AfD એ 43.8 ટકા મત મેળવીને ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે, જે 2021 ની ચૂંટણીના 20.8 ટકા મત કરતાં બમણાથી પણ વધુ છે. બીજી તરફ, ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝની મધ્ય-જમણેરી સીડીયુ (CDU) પાર્ટીને માત્ર 17.2 ટકા મતથી જ સંતોષ માનવો પડ્યો છે. આ કારમી હાર બાદ ચાન્સેલર મેર્ઝે સ્વીકાર્યું હતું કે તેમની પાર્ટીએ દાયકાઓનો સૌથી આઘાતજનક પરાજય વેઠવો પડ્યો છે, પરંતુ તેમણે રાજીનામું આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
સંસદમાં બહુમતીથી માત્ર 3 સીટ દૂર
AfD નો હેતુ 83 સભ્યોની વિધાનસભામાં પૂર્ણ બહુમતી મેળવીને એકલા હાથે સરકાર બનાવવાનો હતો. જોકે, આખરી પરિણામોમાં પક્ષ બહુમતીથી 3 સીટો દૂર રહી ગયો છે અને તેને 39 બેઠકો મળી છે. 35 વર્ષીય AfD નેતા ઉલરિચ ઝિગ્મંડે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ લઘુમતી સરકારના નાટકનો ભાગ નહીં બને. હવે રાજ્યમાં સ્થિર સરકાર રચવા માટે તેમણે સમાન વિચારધારા ધરાવતા ભાગીદારો શોધવા પડશે, જ્યારે મુખ્ય પ્રવાહના પક્ષો તેમના સાથે ગઠબંધન કરવાનો વિરોધ કરી રહ્યા છે.
ગુપ્તચર એજન્સીનું મોટું નિવેદન
જર્મનીની સ્થાનિક ગુપ્તચર એજન્સીએ AfD ની આ પ્રાદેશિક શાખાને ‘ઉગ્રવાદી જૂથ’ તરીકે વર્ગીકૃત કરી છે. આ પાર્ટીની નીતિઓ કટ્ટર માનવામાં આવે છે; તેઓ મુસ્લિમ દેશોના ઇમિગ્રન્ટ્સને દેશમાંથી હાંકી કાઢવાની (‘સ્થળાંતર’) નીતિનું સમર્થન કરે છે. આ ઉપરાંત, આ પક્ષ રશિયા સાથે સંબંધો સુધારવા, યુક્રેનને મળતી આર્થિક-સૈન્ય મદદ બંધ કરવા અને યુરોપિયન યુનિયનથી અલગ થવાની વકાલત કરે છે. શાળાઓમાં પ્રાઈડ ફ્લેગ પર પ્રતિબંધ અને પરંપરાગત કૌટુંબિક મૂલ્યોની તેમની માંગણીને કારણે ઉદારવાદી જર્મનો હિટલરના નાઝી શાસનની પુનરાવૃત્તિ થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સમગ્ર યુરોપ પર પડશે અસર
જોકે સેક્સોની-એનહાલ્ટમાં દેશના માત્ર 3 ટકા મતદારો જ રહે છે, પરંતુ આ પરિણામની રાજકીય અસર સમગ્ર દેશ પર પડી રહી છે. યુક્રેન-રશિયા યુદ્ધ, નાટો સમક્ષના પડકારો અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધો વચ્ચે જર્મની મોટા રાજકીય સંકટ તરફ ધકેલાયું છે. આગામી 2 અઠવાડિયામાં મેકલેનબર્ગ-વેસ્ટ પોમેરેનિયા અને રાજધાની બર્લિનમાં ચૂંટણીઓ યોજાવાની છે. સેક્સોની-એનહાલ્ટના આ પરિણામો આગામી ચૂંટણીઓમાં પણ મોટા રાજકીય ઉલટફેરના સંકેત આપી રહ્યા છે.
આ પણ વાંચો: મક્કા કરાર બાદ તુર્કીની SCOમાં એન્ટ્રીની તૈયારી, ભારત આપશે મંજૂરી?












