નેપાળમાં વણસેલી પરિસ્થતિ વચ્ચે ફસાયેલા ભારતીયો બાર્ડર પરથી પરત ફર્યાં

નેપાળમાં હિંસાને કારણે પરિસ્થિતિ કાબુ બહાર થઈ રહી છે. આવી સ્થિતિમાં, નેપાળ ગયેલા પ્રવાસીઓ અને ત્યાં રહેતા ભારતીય નાગરિકો પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના પાણીટાંકી ખાતે ભારત-નેપાળ સરહદ પાર કરીને ભારત પાછા ફર્યા છે. ભારત આવ્યા પછી, નાગરિકોએ કહ્યું કે હવે સારું લાગે છે.
નેપાળથી પરત આવેલા આસામના રહેવાસી કોહિલાએ કહ્યું કે ત્યાંની પરિસ્થિતિ કાબુ બહાર છે. હડતાળ 10-15 દિવસ સુધી ચાલુ રહેશે. બુધવારે, ભારત-નેપાળ સરહદ પર હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. કાઠમંડુ દૂતાવાસે પણ ભારતીયોને સાવચેત રહેવા અને ઘરો ન છોડવાની અપીલ કરી હતી.
ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જારી
નેપાળની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલય (MEA)એ ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે. તે જ સમયે, નેપાળમાં ચાલી રહેલા રોજગાર સંકટને કારણે દરરોજ લગભગ 5,000 યુવાનો કામની શોધમાં દેશ છોડી રહ્યા છે. આનાથી અશાંતિમાં વધુ વધારો થયો છે.
પીએમએ રાજીનામું આપ્યું
દેશના ઘણા ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ મંગળવારે વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું.
8 સપ્ટેમ્બરના રોજ કાઠમંડુ અને પોખરા, બુટવાલ અને બિરગંજ સહિત અન્ય મુખ્ય શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા. વિરોધીઓ શાસનમાં સંસ્થાકીય ભ્રષ્ટાચાર અને પક્ષપાતનો અંત લાવવાની માંગ કરી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે સરકાર તેની નિર્ણય લેવાની પ્રક્રિયામાં વધુ જવાબદાર અને પારદર્શક બને. વિરોધીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના પ્રતિબંધને દૂર કરવાની પણ માંગ કરી રહ્યા છે, જેને તેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવાનો પ્રયાસ માને છે.
સોશિયલ મીડિયા પર પ્રતિબંધ પછી હોબાળો વધ્યો
ફેસબુક અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ બાદ સોમવારે શરૂ થયેલ આંદોલન સોમવારે મોડી રાત્રે સરકારે પ્રતિબંધ હટાવ્યા છતાં મંગળવારે વધુ હિંસક બન્યું. રાજધાની કાઠમંડુમાં કર્ફ્યુ અને ભારે સુરક્ષા વ્યવસ્થાનો ભંગ કરીને, વિરોધીઓએ સિંહ દરબાર, સંસદ ભવન, સુપ્રીમ કોર્ટ, સ્પેશિયલ કોર્ટ, રાષ્ટ્રપતિ નિવાસસ્થાન, ટોચના નેતાઓના ઘરો અને વિવિધ પક્ષોના કાર્યાલયોમાં આગ લગાવી અને તોડફોડ કરી.
સિંહ દરબાર સંપૂર્ણપણે રાખમાં ફેરવાઈ ગયો છે. તેમાં પીએમ અને મંત્રીઓની ઓફિસો છે.સુરક્ષા દળો સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા છે અને 500 લોકો ઘાયલ થયા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કાઠમંડુ સહિત અનેક શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: નેપાળમાં હિંસા વચ્ચે મોલ અને દુકાનોમાં લૂંટફાટ, લોકો TV અને AC લઈને દોડ્યા












