અંબાણી અને અદાણી સહિત ભારતીય ધનાઢ્યોના 2.6 લાખ કરોડ સ્વાહા, આખરે કેમ થયુ નુકસાન

નવી દિલ્હી, 15 એપ્રિલ, 2025: વર્ષ 2025માં અત્યાર સુધી ભારતના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિઓને ભારે નુકસાન થયુ છે. તેમની સંપત્તિમાં આસરે 30.5 અબજ ડોલર (2.6 લાખ કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે. શેરબજારમાં અસ્થિરતા અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓને કારણે આમ થયુ છે. વધુ પડતુ નુકસા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને કારણે થયુ છે.
ટ્રમ્પે આયાત અને નિકાસ પર ઊંચા કર લાદ્યા છે, જેના કારણે વિશ્વભરમાં વેપાર તણાવમાં વધારો થયો છે. જેની અસર શેરબજાર પર પણ પડી છે. ભારત સહિત અનેક દેશોના શેરબજાર તૂટ્યા છે. આ નાણાકીય કટોકટી માત્ર વિશ્વના ધનિકોને જ નહીં પરંતુ ભારતના મોટા ઉદ્યોગપતિઓ જેમ કે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, શિવ નાદર, સાવિત્રી જિંદાલ, દિલીપ સંઘવી અને અઝીમ પ્રેમજીને પણ અસર કરી છે.
અંબાણીથી લઈને અદાણી સુધી દરેક મુશ્કેલીમાં છે
મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 3.42 અબજ ડોલરનો ઘટાડો થયો છે. તે વિશ્વના ટોચના 10 સૌથી અમીર લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે અને 17મા ક્રમે આવ્યા છે અને તેમની સંપત્તિ 87.2 અબજ ડોલર રહી છે. આ વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 0.10%નો ઘટાડો થયો છે. તે જ સમયે, જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસને 24%નું નુકસાન થયું છે.
ગૌતમ અદાણીની સંપત્તિમાં 6.05 અબજ ડોલરનો ઘટાડો થયો છે. બજારમાં નકારાત્મક વાતાવરણને કારણે તેમના કારોબારને પણ નુકસાન થયું છે. અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઇઝે આ વર્ષે લગભગ 9% નુકસાન કર્યું છે.
સાવિત્રી જિંદાલને પણ 2.4 અબજ ડોલરનું નુકસાન થયું છે. HCL ટેક્નોલોજીના માલિક શિવ નાદરને સૌથી મોટું નુકસાન થયું છે. તેમની સંપત્તિમાં 10.5 અબજ ડોલરનો ઘટાડો થયો છે.
શેરબજારમાં મોટો ઘટાડો
ભારતીય શેરબજારમાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી જેવા મુખ્ય સૂચકાંકોમાં 4.5%નો ઘટાડો થયો છે. BSE મિડકેપ અને સ્મોલકેપ જેવા નાના સૂચકાંકો અનુક્રમે 14% અને 17% જેટલા ઘટ્યા છે.
આ ઘટાડાનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો (FII) દ્વારા નાણાં પાછા ખેંચ્યા તે છે. કેમ કે જે તે શેરના ભાવ શેરબજારમાં ભાવ ખૂબ ઊંચા હતા અને વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની આશંકા હતી. તેથી FIIએ ભારતીય શેરબજારમાંથી તેમના નાણાં પાછાં ખેંચી લીધાં.
ટેરિફને કારણે આત્મવિશ્વાસ ઘટી ગયો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને કારણે વૈશ્વિક વેપાર તણાવમાં પણ વધારો થયો છે. ભારત જેવા વિકાસશીલ દેશો પર તેની વિપરીત અસર પડી છે. રોકાણકારોનો વિશ્વાસ ઘટ્યો છે અને નિકાસ ઉદ્યોગોને નુકસાન થયું છે. રાજકીય અસ્થિરતાએ ભારતના અર્થતંત્રને પણ અસર કરી છે.
આ પણ વાંચોઃ અખાત્રીજથી શરુ થઈ રહી છે ચારધામ યાત્રા, આ વેબસાઈટ પર પૂજા માટે ઓનલાઈન બુકીંગ કરી શકશો












