ભારત-યુકેઃ રક્ષા ઉત્પાદન સહયોગની યોજના તૈયાર, બન્ને દેશો જેટ એન્જિનના ઉત્પાદનમાં સહયોગની સંભાવના શોધી રહ્યા છે

નવી દિલ્હી, 25 જુલાઇ, 2025: ભારત અને બ્રિટનના રક્ષા સંબંધોને નવી ઊંચાઇએ લઇ જવા માટે મુખ્ય રક્ષા ઉત્પાદનો અને પ્લેટફોર્મોને એક સાથે મળીને વિકસાવવાનો અને ઉત્પાદન વધારવાની એક વ્યાપક રક્ષા ઔદ્યોગિક યોજના તૈયાર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન કીમ સ્ટાર્મર વચ્ચેની વાતચીતમાં આ યોજનાને અંતમ સ્વરૂપ આપી દેવામાં આવ્યુ છે. બન્ને પક્ષો જેટ એન્જિનના ઉત્પાદનમાં સંભવિત સહયોગ પર પર પણ વિચાર કરી રહ્યા છે.
ભારત સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંને નેતાઓએ વિશ્વ બજારમાં તેમજ બંને દેશોમાં વધતી માંગને પહોંચી વળવા માટે સંરક્ષણ ઉત્પાદનોના સહ-ડિઝાઇન, સહ-વિકાસ અને સહ-ઉત્પાદનમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે સંરક્ષણ ઔદ્યોગિક યોજનાને અંતિમ સ્વરૂપ આપવાનું સ્વાગત કર્યું છે. મોદી અને સ્ટાર્મરે બંને દેશો વચ્ચે વધતી જતી સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી પર પણ સંતોષ વ્યક્ત કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-યુકે સંરક્ષણ સંબંધોને વેગ મળ્યો છે. ઓક્ટોબર 2021માં, યુકે કેરિયર સ્ટ્રાઈક ગ્રુપે ભારતની મુલાકાત લીધી અને ભારત-યુકે ત્રિ-સેવા કવાયત કોંકણ શક્તિનું આયોજન કર્યું હતું.
યુક્રેન, ઈન્ડો-પેસિફિક પર પણ ચર્ચા થઈ
મોદી-સ્ટાર્મરે વાટાઘાટોમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની એકંદર પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. વાટાઘાટો પછી, મોદીએ કહ્યું, અમે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા, યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર અમારા વિચારો શેર કરવાનું ચાલુ રાખ્યું છે. અમે શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપનાને સમર્થન આપીએ છીએ.
રાજદ્વારીઓને ધમકીઓનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો: મિસ્ત્રી
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભારતીય રાજદ્વારી મિશન અને કર્મચારીઓને નિશાન બનાવતી ઉગ્રવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે ભારતને બ્રિટન તરફથી સહયોગ મળ્યો છે. બ્રિટનમાં ઉગ્રવાદી જૂથો વિશે વધતી ચિંતાઓ અંગેના પ્રશ્નના જવાબમાં, મિસ્ત્રીએ કહ્યું, બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં રાજદ્વારીઓને ધમકીઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
વિઝન-2035 ભાગીદારીની નવી વ્યાખ્યા બનાવશે: જયશંકર
પીએમ મોદી અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર વચ્ચેની વાતચીતમાં, બંને દેશોએ ભારત-યુકે વિઝન-2035 વ્યૂહરચના શરૂ કરી છે. વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું હતું કે, હવે ભાગીદારીની નવી વ્યાખ્યા બનાવવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, વિઝન-2035 બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી મહત્વાકાંક્ષા આપશે અને ભવિષ્ય માટે આપણા સંબંધોને તૈયાર કરશે. આ વિઝન આપણા સંબંધોને વધુ મજબૂત બનાવશે.
બ્રિટન સાથે ઉચ્ચ સ્કોરિંગ મજબૂત ભાગીદારી માટે પ્રતિબદ્ધ: મોદી
વડાપ્રધાન મોદીએ સ્ટાર્મર સાથેની વાતચીત દરમિયાન બ્રિટન સાથે ભારતના સંબંધોનું ક્રિકેટ પરિભાષામાં વર્ણન કર્યું હતુ. તેમણે સ્ટાર્મરને કહ્યું, ક્યારેક સ્વિંગ અને મિસ થઈ શકે છે, પરંતુ અમે હંમેશા સીધા બેટથી રમીએ છીએ. ભારત બ્રિટન સાથે ઉચ્ચ સ્કોરિંગ મજબૂત ભાગીદારી બનાવવા માટે પ્રતિબદ્ધ છે. મોદીએ કહ્યું, અમારા બંને માટે ક્રિકેટ ફક્ત એક રમત નથી પરંતુ એક જુસ્સો છે. આજે હસ્તાક્ષર કરાયેલા કરારો અને વિઝન-2035 એ સીમાચિહ્નરૂપ છે જે આ ભાવનાને આગળ ધપાવે છે. પીએમ મોદીએ લંડનમાં બકિંગહામ સ્ટ્રીટ ક્રિકેટ હબના ખેલાડીઓ સાથે પણ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઇંગ્લેન્ડના પ્રવાસે છે.
આ પણ વાંચોઃ India-UK FTA: એફટીએથી બદલાશે મહિલાઓનું ભવિષ્ય, ભારતીય હસ્તકલાને બ્રિટનમાં મોટી તક












